'પાકિસ્તાન ઝિન્દાબાદ'ના નારા લાગશે જ, જો તમે પાક. સૈન્યના વડાને ગળે લગાડશો: અમિત શાહ

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે રાહુલ ગાંધીને સવાલ પુછ્યા બાદ હવે નવજાત સિંઘ સિદ્ધુને પાકિસ્તાની લશ્કરના વડાને ગળે લગાડવા મુદ્દે સવાલ પુછ્યો છે

'પાકિસ્તાન ઝિન્દાબાદ'ના નારા લાગશે જ, જો તમે પાક. સૈન્યના વડાને ગળે લગાડશો: અમિત શાહ

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે કોંગ્રેસના વડા રાહુલ ગાંધી અને પંજાબના મંત્રી નવજોત સિંઘ સિદ્ધુ પર તેની રાજસ્થાનના અલવરની રેલીમાં 'પાકિસ્તાન ઝિન્દાબાદ'ના નારા મુદ્દે આડે હાથ લીધા છે. 

આ ઘટના અંગે સિદ્ધુ પર નિશાન સાધતાં અમિત શાહે જણાવ્યું કે, 'તમે જ્યારે પાકિસ્તાનના લશ્કરી વડાને ગળે લગાવશો તો પછી તમારી રેલીમાં આવા નારા તો લાગવાના જ છે.'

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે મીડિયા સાથે વાત કરતાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખે કોંગ્રેસના વડા રાહુલ ગાંધી બાદ હવે સિદ્ધુને પણ પાકિસ્તાની લશ્કરના વડા જનરલ કમર બાજવાને ગળે લગાડવા અંગે સવાલ પુછ્યો છે. અમિત શાહે જણાવ્યું કે, રાહુલ ગાંધીએ સિદ્ધુના 'પાકિસ્તાન પ્રત્યેના પ્રેમ' વિશે જવાબ આપવો જોઈએ. 

ઝી ન્યૂઝ દ્વારા સિદ્ધુની રાજસ્થાનના અલવરની રેલીમાં લગાવાયેલા 'પાકિસ્તાન ઝિન્દાબાદ'ના સમાચાર પ્રસારિત કરાયા બાદ અમિત શાહે આ વળતો પ્રહાર કર્યો હતો. ઝી ન્યૂઝ દ્વારા આવા નારા લગાવતો એક વીડિયો પ્રસારિત કરાયો હતો. 

જોકે, કોંગ્રેસના નેતાઓએ આરોપોને નકાર્યા હતા અને એવો આરોપ લગાવ્યો કે ઝી ન્યુઝ દ્વારા વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓએ વારંવાર એવા વીડિયો પોસ્ટ કર્યા જેમાં પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર એડિટ કરી દેવાયા હતા. 

આથી, ઝી ન્યૂઝની ટીમે સ્થાનિક લોકોનો સંપર્ક કર્યો. સાથે જ સિદ્ધુની અલવર રેલી દરમિયાન હાજર રહેલા પત્રાકરોનો સંપર્ક કર્યો અને આ રીતે જુદા-જુદા પત્રકારો દ્વારા રેલી દરમિયાન શૂટ કરાયેલા જુદા-જુદા 7 વીડિયો મેળવ્યા હતા. એક સ્થાનિક પત્રકારે કેમેરાની સામે આવીને કોંગ્રેસને ઉઘાડી પાડવાની હિંમત દેખાડી અને જણાવ્યું કે, સિદ્ધુ જ્યારે રેલીને સંબોધન કરી રહ્યા હતા ત્યારે 'પાકિસ્તાન ઝિન્દાબાદ'ના નારા લાગ્યા હતા. 

ઝી ન્યૂઝના એડિટર-ઈન-ચીફ સુધીર ચૌધરીએ કોંગ્રેસના રણદીપ સુરજેવાલા સાથે તેમની ટ્વીટ અંગે વાત કરી, જેમાં તેમણે આરોપ લગાવ્યો કે ઝી ન્યૂઝ દ્વારા ખોટો વીડિયો ચલાવાયો છે અને રેલીમાં 'સત શ્રી અકાલ'ના નારા લાગ્યા હતા. સુરજેવાલાએ પોતાના દાવાને સાચો સાબિત કરવા માટે એક વીડિયો પણ ટ્વીટ કર્યો હતો. 

જોકે, સુધીર ચૌધરીએ સુરજેવાલાના તમામ આરોપોને ખોટા ઠેરવ્યા અને એ સાબિત કર્યું કે કોંગ્રેસના નેતા દ્વારા જે વીડિયો પોસ્ટ કરાયો છે તે બહુ જ સાવચેતીપૂર્વક એડિટ કરવામાં આવ્યો છે. જેમાં 'પાકિસ્તાન ઝિન્દાબાદ'ના નારા લાગી ગયા બાદની રેલી દર્શાવાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news