સ્પીકરના નિર્ણયને મદ્રાસ HCએ યથાવત રાખ્યો, AIADMKના 18 ધારાસભ્યો અયોગ્ય ઠેરવ્યાં
મદ્રાસ હાઈકોર્ટે AIADMKનાં 18 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યાં છે. ગુરુવારે ચુકાદો સંભળાવતા મદ્રાસ હાઈકોર્ટે તામિલનાડુ વિધાનસભાના સ્પીકરના નિર્ણયને યથાવત રાખતા 18 ધારાસભ્યોની અયોગ્યતા યોગ્ય ઠેરવી છે
બેંગ્લુરુ: મદ્રાસ હાઈકોર્ટે AIADMKનાં 18 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યાં છે. ગુરુવારે ચુકાદો સંભળાવતા મદ્રાસ હાઈકોર્ટે તામિલનાડુ વિધાનસભાના સ્પીકરના નિર્ણયને યથાવત રાખતા 18 ધારાસભ્યોની અયોગ્યતા યોગ્ય ઠેરવી છે. આ તમામ ધારાસભ્યો AIADMKના બળવાખોર જૂથના ગણાય છે. જો કે 18 ધારાસભ્યોની અયોગ્યતાથી હાલની સરકારને કોઈ જોખમ નથી. કોર્ટનો ચુકાદો આવતા ટીટીવી દિનાકરને કહ્યું કે તે અમારા માટે કોઈ ધક્કો નથી. આ એક અનુભવ છે, અમે પરિસ્થિતિનો સામનો કરીશું. અમે તમામ 18 ધારાસભ્યોની સાથે બેઠક કરીને આગળની રણનીતિ તૈયાર કરીશું.
મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને તામિલનાડુના રાજકારણમાં ખુબ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. હકીકતમાં જયલલિતાના મોત બાદથી AIADMK સતત પોતાની લોકપ્રિયતા ગુમાવી રહી છે. પાર્ટીમાં અનેક જૂથ બની રહ્યાં છે.
AIADMKVE 18 ધારાસભ્યોએ રાજ્યપાલને પત્ર લખીને પલાનીસ્વામી સરકારમાં અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ તેમને વિધાનસભાની સદસ્યતા માટે અયોગ્ય જાહેર કરાયા હતાં. આ ઉપરાંત ચાર વધુ ધારાસભ્યો કે જેમણે AIADMKના ચૂંટણી ચિન્હ પર ચૂંટણી લડી હતી, તેમણે પણ દિનાકરનને સમર્થન જાહેર કર્યુ છે.
હાલના સમયમાં AIADMK પાસે સ્પીકર ઉપરાંત 116 ધારાસભ્યો છે. પરંતુ તેમાં પણ ચાર એવા ધારાસભ્યો સામેલ છે જેમણે હાલમાં જ પાર્ટી વિરુદ્ધ બળવો પોકાર્યો છે અને દિનાકરનને સમર્થન આપ્યું છે.