દિલ્હીમાં ફરીથી અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી ગયો
દિલ્હીની છ જેટલી શાળાઓને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં ડીપીએસ ઈસ્ટ ઓફ કૈલાશ, સલવાન શાળા, મોર્ડન સ્કૂલ, અને કેમ્બ્રિજ સ્કૂલ સામેલ છે.
ફરીથી દિલ્હીમાં કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી ગયો છે. આજે સવાર સવારમાં દિલ્હીની છ જેટલી શાળાઓને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં ડીપીએસ ઈસ્ટ ઓફ કૈલાશ, સલવાન શાળા, મોર્ડન સ્કૂલ, અને કેમ્બ્રિજ સ્કૂલ સામેલ છે.
બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડીપીએસ ઈસ્ટ ઓફ કૈલાશના તમામ વાલીઓને શાળામાં રજાનો મેસેજ મોકલી દેવાયો. આ સાથે જ જે શાળાઓને ધમકી મળી છે તેમાં દિલ્હી પોલીસ અને બોમ્બ તથા ડોગ સ્ક્વોડ પહોંચી ગયા છે તથા શાળાઓના એક એક ખૂણાને ચકાસી રહ્યા છે.
શાળાઓને બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી મળતા દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે આ અઠવાડિયામાં આ બીજીવાર દિલ્હીની શાળાઓને બોમ્બની ધમકી મળી છે જે ખુબ જ ગંભીર અને ચિંતાજનક છે. જો આમ ચાલતું રહ્યું તો બાળકો પર તેની કેટલી ખરાબ અસર પડશે? તેમના અભ્યાસનું શું થશે?
શું છે ઈમેઈલમાં
ઈમેઈલમાં ધમકી અપાઈ છે કે 13 અને 14 ડિસેમ્બરે થનારા પીટીએમ દરમિાયન બોમ્બ વિસ્ફોટની વાત કરાઈ છે. ધમકી આપનારાએ કહ્યું છે કે શાળાઓમાં પહેલેથી જ બોમ્બ રાખી દેવાયા છે. તેમણે પોતાની માંગણી પણ પૂરી કરવા માટે કહ્યું છે. આમ નહીં કરાય તો વિસ્ફોટ કરવામાં આવશે. ઈમેઈલમાં લખ્યું છે કે અમને ખબર પડી છે કે શુક્રવાર અને શનિવારે શાળામાં પીટીએમ થવાની છે. આ દરમિાયન વાલી-શિક્ષક ઉપરાંત બાળકો પણ હશે. બોમ્બથી ઉડાવી દેવાની આ સારી તક હશે. 13 ડિસેમ્બર 2024 અને 14 ડિસેમ્બર 2024 આ બને દિવસ એવા હશે જ્યારે તમારા સ્કૂલે બોમ્બ વિસ્ફોટનો સામનો કરવો પડશે.
અગાઉ પણ મળી છે ધમકીઓ
અત્રે જણાવવાનું કે દિલ્હીમાં અગાઉ પણ શાળાઓને આવી ધમકીઓ મળી ચૂકી છે. દરેક વખતે પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ શાળાઓની તપાસ કરે છે. મોટાભાગના મામલાઓમાં આ ધમકીઓ અફવાઓ નીકળે છે. આ વખતે પણ પોલીસ તપાસ કરી રહી છે. સુરક્ષા સુસ્ત કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી કોઈ પણ બોમ્બ વિશે જાણકારી મળી નથી. પોલીસ આ ધમકીને ગંભીરતાથી લઈ રહી છે. પીટીએમ દરમિયાન સુરક્ષા વધારવામાં આવી છે. પોલીસે વાલીઓને અપીલ કરી છે કે તેઓ ગભરાય નહીં. સુરક્ષાની પૂરેપૂરી વ્યવસ્થા છે.