)
સરકારી કર્મચારીઓ પગાર વધે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આઠમાં પગાર પંચના લાગૂ થવાની સાથે સાથે પગારમાં પણ તોતિંગ વધારો થશે. સરકાર તરફથી તેના વિશે ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે TOR પણ જાહેર કરી દેવાયા છે. ડિસેમ્બર 2025માં સાતમાં પગાર પંચની સમયમર્યાદા પૂરી થઈ રહી છે. આવામાં લોકોને ઈન્તેજાર છે કે આઠમાં પગાર પંચ હેઠળ તેમનો પગાર કેટલો વધશે. ક્યારે વધશે અને બેઝિક પગાર કેટલો હશે?
સરકાર તરફથી 3 નવેમ્બરના રોજ આઠમાં પગાર પંચ માટે ToR બહાર પાડવામાં આવ્યું હતું. ટર્મ્સ ઓફ રેફરન્સ અંગે હવે કર્મચારી અને પેન્શનર યુનિયનમાં વિવાદ શરૂ થઈ ગયો છે. તેમનું કહેવું છે કે જે તારીખથી આઠમું પગાર પંચ લાગૂ થવાનું છે તે તારીખનો તેમાં ઉલ્લેખ નથી. તેમના કહેવા મુજબ ToRમાં જે તારીખથી આઠમાં પગાર પંચની ભલામણો લાગૂ થવાની હોય તે તારીખનો ઉલ્લેખ હોવો જોઈએ. અત્યાર સુધી અગાઉના મોટાભાગના પગાર પંચની ભલામણો દર 10 વર્ષમાં 1 જાન્યુઆરીથી લાગૂ થતી રહી છે. ડેટનો ઉલ્લેખ ન થવા પર એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે ભલામણો લાગૂ થવામાં વિલંબ થઈ શકે છે. આ ઉપરાંત યુનિયનો તરફથી ToR પર 7 વાંધા પણ નોંધાવવામાં આવ્યા છે. આ વિવાદો બાદ એવી આશા ઘટી રહી છે કે 1 જાન્યુઆરી 2026થી આઠમાં પગાર પંચની ભલામણો લાગૂ થઈ શકશે.
કેટલો પગાર વધશે
આઠમાં પગાર પંચ બાદ પગાર કેટલો વધશે તે ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર કરે છે. તે કેટલું હશે, તેની જાણકારી સામે આવી નથી. પરંતુ જો નાણાકીય ફર્મ એમ્બિટ કેપિટલનો રિપોર્ટ જોઈએ તો આઠમાં પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 1.83થી 2.46 વચ્ચે રહી શકે છે. જો તેને ઉદાહરણથી સમજીએ તો 18000 રૂપિયાનો બેઝિક પગાર હોય અને ફિટમેન્ટ ફેક્ટર 1.83 થાય તો 18000 વાળાનો બેઝિક પગાર 32940 રૂપિયા જેટલો લગભગ થઈ શકે. પરંતુ જો ફિટમેન્ટ ફેક્ટર વધીને 2.46 થાય તો બેઝિક પગાર વધીને અંદાજે 44280 રૂપિયા સુધી પહોંચી શકે. બેઝિક પે સાથે HRA, TA, NPS અને CGHS પણ સામેલ છે.
શું હોય છે ફિટમેન્ટ ફેક્ટર, કેવી રીતે થાય નક્કી
સરકારી કર્મચારીઓના પગાર, પેન્શન અને ભથ્થા નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટરની મોટી ભૂમિકા છે. આ એક પ્રકારનું મલ્ટીપ્લાયર હોય છે. જેની મદદથી નવો પગાર નક્કી કરાય છે. મોંઘવારી, કર્મચારીઓની જરૂરિયાત અને સરકારની ક્ષમતાને ધ્યાનમાં રાખીને તે નક્કી થાય છે. સાતમાં પગાર પંચ વખતે તે 2.57 નક્કી થયું હતું.
શું હોય છે ToR?
ToR એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ એ પગાર પંચનો રોડ મેપ હોય છે. તેનાથી નક્કી થાય છે કે પગાર પંચ કયા મુદ્દાઓ પર વિચાર કરશે. ToRમાં પગાર, ભથ્થા, પેન્શન, ફિટમેન્ટ ફેક્ટર જેવા તમામ મુદ્દાઓ સામેલ કરાય છે. અત્રે જણાવવાનું કે સરકારે આઠમાં પગાર પંચ માટે 18 મહિનાનો સમય આપ્યો છે. જેમાં પગાર પંચે રિપોર્ટ તૈયાર કરીને કેબિનેટને સોંપાવાનો રહેશે. મંજૂરી મળ્યા બાદ નવો પગાર અને પેન્શનની વ્યવસ્થા નક્કી થશે.