અમદાવાદ પ્લેન ક્રેશ બાદ DGCAનો મોટો નિર્ણય, એર ઈન્ડિયાના તમામ Boeing Dreamliner વિમાનો થશે સુરક્ષા તપાસ
Ahmedabad Plane Crash: આ નિર્ણય અમદાવાદમાં એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ AI171 ના ભયાનક અકસ્માત બાદ લેવામાં આવ્યો છે. DGCAએ એર ઇન્ડિયાને 15 જૂન 2025ના મધ્યરાત્રિ (00:00 કલાક)થી ભારતથી ઉડાન ભરતા પહેલા ફરજિયાત રીતે એક વખતની ખાસ સ્ક્રીનીંગ પ્રક્રિયા લાગુ કરવાનો આદેશ આપ્યો છે.
Trending Photos
Ahmedabad Plane Crash: ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ તમામ બોઇંગ ડ્રીમલાઇનર વિમાન કાફલા પર સુરક્ષા તપાસ કડક બનાવી દીધી છે. અમદાવાદમાં એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ AI171ના ભયાનક અકસ્માત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. DGCAએ એર ઇન્ડિયાને 15 જૂન 2025 ના મધ્યરાત્રિ (00:00 કલાક)થી ભારતમાંથી ફ્લાઇટ્સ ટેક ઓફ થાય તે પહેલાં ફરજિયાત એક વખતની ખાસ તપાસ પ્રક્રિયા લાગુ કરવાનો આદેશ આપ્યો છે.
DGCAએ ઉડાન પહેલાં અનેક મહત્વપૂર્ણ ટેકનિકલ તપાસનો નિર્દેશ આપ્યો છે, જેમાં ફ્યુલ પેરામીટર મોનિટરિંગ, કેબિન એર કોમ્પ્રેસર સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક એન્જિન કંટ્રોલ ટેસ્ટ, એન્જિન ફ્યુઅલ એક્ટ્યુએટર ઓપરેશન, ઓઇલ સિસ્ટમ અને હાઇડ્રોલિક સિસ્ટમની સર્વિસ તપાસનો સમાવેશ થાય છે. આ સાથે ટેકઓફ પહેલાં પેરામીટર્સની યોગ્ય રીતે સમીક્ષા કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત DGCAએ આદેશ આપ્યો છે કે, 'ફ્લાઇટ કંટ્રોલ ઇન્સ્પેક્શન'ને ટ્રાન્ઝિટ ઇન્સ્પેક્શનમાં જોડવામાં આવે અને આ પ્રક્રિયા આગામી આદેશો સુધી ચાલુ રાખવામાં આવે. આ સાથે બે અઠવાડિયાની અંદર પાવર એશ્યોરન્સ ચેક કરવાનું પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત છેલ્લા 15 દિવસમાં બોઇંગ ડ્રીમલાઇનર વિમાનોમાં સામે આવેલી રિપિટિટિવ ટેકનિકલ ખામીઓ (snags)ની સમીક્ષા કરવા અને તેને લગતી તમામ જાળવણી કામગીરી શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર DGCAનું આ પગલું એર ઇન્ડિયાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય અને મુસાફરોના જીવન અને સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
અમદાવાદમાં ગુરુવારે થયું પ્લેન ક્રેશ
તમને જણાવી દઈએ કે, ગુરુવારે બપોરે અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટના બોઇંગ કંપનીના 787 ડ્રીમલાઇનર વિમાન સાથે સંકળાયેલી સૌથી ભયાનક દુર્ઘટનાઓમાંથી એક છે. આ અમેરિકન વિમાન ઉત્પાદક બોઇંગનું સૌથી આધુનિક વાઇડબોડી વિમાન છે. એર ઇન્ડિયાનું આ વિમાન ફક્ત 12 વર્ષ જૂનું હતું અને અકસ્માતના થોડા કલાકો પહેલા જ દિલ્હીથી મુસાફરો સાથે અમદાવાદ પહોંચ્યું હતું. તેમાં 242 લોકો સવાર હતા.
અમદાવાદ એરપોર્ટના રનવે નંબર 23 પરથી ઉડાન ભર્યાના થોડીવાર પછી તે ઝડપથી નીચે ઉતરવા લાગ્યું અને રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું, જેના કારણે એક વિશાળ આગ લાગી હતી. આ અકસ્માતમાં 265 લોકો મૃત્યુ પામ્યા છે. આમાં તે ઇમારતમાં હાજર લોકોનો પણ સમાવેશ થાય છે જેની સાથે વિમાન અથડાયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે