ભારત-પાક સીઝફાયરમાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી, પરમાણુ હુમલા પર પણ બોલ્યા વિક્રમ મિસ્ત્રી
Vikram Misri on Ceasefire: ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલ યુદ્ધવિરામમાં અમેરિકાની ભૂમિકા પર ઘણી ચર્ચા થઈ હતી, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે, આ યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી.
Trending Photos
Vikram Misri: ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની જાહેરાત ભલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હોય, પરંતુ તેમાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોનો હવાલો આપતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું છે કે, બન્ને દેશો વચ્ચે યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી. આ યુદ્ધવિરામ ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે થયેલ વાતચીત બાદ થયું છે. આ માહિતી સંસદીય સમિતિની બેઠકમાં આપવામાં આવી હતી.
શું કહ્યું હતું ડોનાલ્ડ ટ્રમ્પે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 10 મેના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે, 'અમેરિકાની મધ્યસ્થી હેઠળ એક લાંબી વાતચીત પછી મને આ જાહેરાત કરતા આનંદ થઈ રહ્યો છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. બન્ને દેશોએ કોમન સેન્સ અને બુદ્ધિનો ઉપયોગ કરવા બદલ અભિનંદન. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર!'
— Donald J. Trump (@realDonaldTrump) May 10, 2025
અમેરિકાની કોઈ ભૂમિકા નથી
રિપોર્ટ્સ અનુસાર વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ સોમવારે એક સંસદીય સમિતિને જણાવ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ કરાવવામાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી. તેમણે કહ્યું કે, લશ્કરી કાર્યવાહી બંધ કરવાનો નિર્ણય બન્ને દેશો (ભારત-પાકિસ્તાન) વચ્ચે દ્વિપક્ષીય સ્તરે લેવામાં આવ્યો હતો. વિદેશ સચિવે દાવાઓને નકારી કાઢ્યા અને કહ્યું કે, ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામમાં કોઈ ત્રીજા પક્ષની સંડોવણી નથી. તેના બદલે આ કરાર DGMO વચ્ચેની વાતચીત પછી થયો છે.
'બન્ને દેશોના DGMOએ વાત કરી'
તેમણે કહ્યું કે, બન્ને દેશોના DGMO વચ્ચે 10 મેના રોજ તમામ લશ્કરી કાર્યવાહી બંધ કરવા માટે સહમતિ બની હતી. વિદેશ સચિવના જણાવ્યા મુજબ 10 મેના રોજ બપોરે પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ (સીઝફાયર)ની અપીલ કરવામાં આવી હતી. પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO)એ ભારતના DGMO નો સંપર્ક કર્યો અને સંઘર્ષ રોકવાની અપીલ કરી. ભારતે આ અપીલ સ્વીકારી કારણ કે ઓપરેશન સિંદૂરના બધા લક્ષ્ય પૂરા થઈ ગયા હતા.
પરમાણુ હુમલા પર શું બોલ્યા મિસ્ત્રી?
આ ઉપરાંત વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ આ પણ પુનરોચ્ચાર કર્યો કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ પરંપરાગત યુદ્ધની મર્યાદામાં રહ્યો છે અને ઇસ્લામાબાદ તરફથી કોઈપણ પ્રકારના પરમાણુ હુમલા કે સંકેતના કોઈ પુરાવા નથી.
'ચીની હથિયારોથી કોઈ ફરક પડતો નથી'
અહેવાલો અનુસાર આ જ બેઠકમાં વિદેશ મંત્રી મિસ્ત્રીએ એમ પણ કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તાજેતરનો સંઘર્ષ 'પરંપરાગત યુદ્ધ' હતો અને તેમાં ચીન પાસેથી મળેલા હથિયારોનો કોઈ ખાસ પ્રભાવ પડ્યો નથી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, 'અમને કોઈ ફરક પડતો નથી કે તેમણે ચીની HQ-9 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી હતી, કારણ કે અમે તેમના એરબેઝ પર સીધો અને મોટો હુમલો કર્યો હતો.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે