)
Rent Agreement Scam: મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક પોલીસ અધિકારીએ લોકોને એક નવા પ્રકારના કૌભાંડથી સાવધાન કર્યા છે. આ કૌભાંડ ભાડાના મકાનો બાબતે છે. ઈન્દોરમાં એડિશનલ એસપીના પદે તૈનાત ડો. પ્રશાંત ચૌબેએ એક વીડિયો બનાવીને આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે કેટલાક લોકો મકાન માલિકોને ચકમો આપીને તેમને મુશ્કેલીમાં નાખી શકે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેને 15 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.
કેવી રીતે આચરવામાં આવે છે સ્કેમ
ડો. પ્રશાંતે જણાવ્યું કે આ કૌભાંડમાં કોઈ વ્યક્તિ ભાડુઆત બનીને આવે છે અને તે પછી મકાન માલિક સાથે ભાડા કરાર બનાવડાવે છે અને થોડા પૈસા એડવાન્સ પણ આપે છે. ત્યારબાદ તે થોડા દિવસમાં જ મકાન છોડીને જતો રહે છે. મકાન માલિકને લાગે છે કે બધુ બરાબર છે. પરંતુ અસલ મુશ્કેલી તો પછી શરૂ થાય છે. થોડા સમય બાદ મકાન માલિકના ઘરે સરકારી નોટિસ પહોંચે છે કે પછી જીએસટીની નોટિસ આવે છે. જેમાં જાણવા મળે છે કે તેમના એડ્રસ પર કોઈ ખોટું કામ થયું છે, જેના માટે મકાન માલિકે જવાબ આપવો પડી શકે છે. જ્યારે આ ફ્રોડ તો ભાડુઆતે કરેલું હોય છે.
આ ફ્રોડ આચરનાર વ્યક્તિ મકાનના એડ્રસનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરે છે. તે એડ્રસ પર કઈક ખોટું રજિસ્ટ્રેશન કરાવે છે અને પછી ગાયબ થઈ જાય છે. બાદમાં તપાસ થાય છે અને બધું ઠીકરું મકાન માલિક પર ફૂટે છે. એડિશનલ એસપીએ આ ચાલને સમજાવી અને કહ્યું કે આ એક સુનિયોજિત ફ્રોડ છે જેનાથી લોકો અજાણ છે.
બચવાની રીત
ડો. પ્રશાતે લોકોને સલાહ આપી કે આ પરેશાનીથી બચી શકાય છે. તેમણે કહ્યું કે જ્યારે પણ કોઈને મકાન ભાડે આપો તો કરારમાં સ્પષ્ટ લખો કે મકાનનો ઉપયોગ બિઝનેસ એક્ટિવિટી કે કોઈ ખોટા કામ માટે કરી શકાશે નહીં. આ સાથે જ એ પણ લખો કે જો કોઈ સમસ્યા કે જીએસટીની દેવાદારી આવે તો તેની જવાબદારી ભાડુઆતની રહેશે. આ નાનકડું પગલું મકાન માલિકને મોટી મુશ્કેલીમાંથી બચાવી શકે છે.
આ વીડિયો જોઈને લોકો ચોંકી ગયા છે. સોશિયલ મીડિયા પર અનેક યૂઝર્સે કમેન્ટ કરી છે. કેટલાકે ડો. પ્રશાંતનો આ અનોખા કૌભાંડને ઉજાગર કરવા બદલ આભાર માન્યો છે. કેટલાક લોકો વધુ જાણકારી માંગી રહ્યા છે. વીડિયોને 22 હજારથી વધુ લાઈક્સ મળી છે અને 150થી વધુ કમેન્ટ્સ આવી ચૂકી છે. આ ખબર લોકો વચ્ચે જાગૃતતા ફેલાવી રહી છે.