)
Assam to stop issuing new Aadhaar cards: આસામ સરકારે 21 ઓગસ્ટના રોજ એક મોટો નિર્ણય લીધો છે. સરકારે કહ્યું કે હવે સરકાર રાજ્યમાં પુખ્ત વયના લોકોને આધાર કાર્ડ આપવાનું બંધ કરશે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ બપોરે કેબિનેટની બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ આ પાછળ સુરક્ષા કારણોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ દ્વારા આ દસ્તાવેજ સુધી પહોંચ અટકાવવા માટે આ સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું કે, રાજ્ય મંત્રીમંડળે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને ચાના બગીચાના કામદારો સિવાય 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વધુ એક વર્ષ માટે નવા આધાર કાર્ડ ન આપવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, 'અન્ય સમુદાયોના લોકો જેમણે હજુ સુધી આધાર કાર્ડ મેળવ્યા નથી તેમને સપ્ટેમ્બર મહિનામાં અરજી કરવાની તક આપવામાં આવશે'.
આ લોકોને મળશે 1 વર્ષનો સમય
સરકારે આધાર કાર્ડ માટે કેટલીક જાતિઓને 1 વર્ષની છૂટ આપી છે. આમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ચાના બગીચાના સમુદાયના સભ્યોનો સમાવેશ થાય છે.
અરજી વિન્ડો બંધ થયા પછી શું થશે?
મુખ્યમંત્રી હિમંતા સરમાએ વધુમાં જણાવ્યું કે, અત્યંત દુર્લભ કિસ્સાઓમાં, અરજી વિન્ડો બંધ થયા પછી જિલ્લા કમિશનરને આધાર કાર્ડ જારી કરવાનો અધિકાર હશે. જો કે, મંજૂરી આપતા પહેલા જિલ્લા કમિશનરે સ્પેશિયલ બ્રાન્ચના રિપોર્ટ અને ફોરેન ટ્રિબ્યુનલના રિપોર્ટની યોગ્ય રીતે ચકાસણી કરવી પડશે.
આસામ સરકારનો આધાર કાર્ડને લઈ આ નિર્ણયનો શું છે હેતુ?
મુખ્યમંત્રી સરમાએ કહ્યું કે, સરકારનો ઉદ્દેશ્ય ગેરકાયદેસર વિદેશીઓ, ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોને આસામમાં આધાર કાર્ડ મેળવવા અને ખોટી રીતે ભારતીય નાગરિકતાનો દાવો કરતા અટકાવવાનો છે. તેમણે કહ્યું કે, આસામે સતત ઘુસણખોરોને સરહદ પર પાછળ ધકેલી દીધા છે અને હવે અમે એ સુનિશ્ચિત કરવામાં રોકાયેલા છીએ કે એક પણ વિદેશી ઘુસણખોર આસામ દ્વારા કોઈપણ રીતે ભારતનું આધાર કાર્ડ મેળવી ન શકે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ વસ્તી વિષયક માહિતીમાં ફેરફાર અંગે છેલ્લા બે વર્ષથી સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ગયા મહિને જ હિમંતાએ કહ્યું હતું કે, 'જો વસ્તી વૃદ્ધિનો વર્તમાન દર ચાલુ રહેશે, તો 2041 સુધીમાં આસામમાં મુસ્લિમ વસ્તી લગભગ હિન્દુઓની બરાબર થઈ જશે.'
આસામની વસ્તી ગણતરી શું કહે છે?
2011ની વસ્તી ગણતરી મુજબ રાજ્યની 34% વસ્તી મુસ્લિમ છે, જેમાંથી 31% આસામમાં સ્થળાંતર કરી ચૂક્યા છે. તાજેતરમાં સરમાએ કહ્યું કે, 2011ની વસ્તી ગણતરી મુજબ લગભગ ૩૪ ટકા મુસ્લિમ વસ્તીમાંથી, 31 ટકા એવા છે જેઓ અગાઉ આસામમાં સ્થળાંતર કરી ચૂક્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું આસામના આદિવાસી લોકો થોડા વર્ષો પછી લઘુમતી બની જશે, ત્યારે તેમણે કહ્યું કે, 'આ મારો અભિપ્રાય નથી, તે ફક્ત વસ્તી ગણતરીનું પરિણામ છે. આજે 2011ની વસ્તી ગણતરી મુજબ 34 ટકા વસ્તી મુસ્લિમ છે. એટલે કે, આસામમાં ફક્ત 3 ટકા આદિવાસી આસામી મુસ્લિમ છે.'