વિધાનસભા પેટાચૂંટણીમાં 4-1થી આગળ INDIA ગઠબંધન, AAPને ગુડ ન્યૂઝ, ભાજપને ઝટકો
Assembly Bypolls Results: દેશના અલગ-અલગ રાજ્યોમાં પાંચ વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ આજે જાહેર થઈ રહ્યું છે. આ પાંચ સીટોમાં ચાર સીટ પર ભારતીય જનતા પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનને મજબૂત પકડ મળી છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશના 4 રાજ્યોની પાંચ વિધાનસભા સીટો પર યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધી સામે આવેલા પરિણામો/ટ્રેન્ડ્સ પ્રમાણે INDIA ગઠબંધનના પક્ષોએ 4 સીટ પર લીડ બનાવી છે, તો ભાજપને માત્ર ગુજરાતના કડીમાં જીત મળી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વિસાવદર પેટાચૂંટણીમાં જીત મેળવી છે. અહીંથી ગોપાલ ઈટાલિયાને જીત મળી છે. જ્યારે કડીમાં ભાજપને જીત મળી છે.
આ સિવાય વાત કરવામાં આવે તો કેરલની નીલાંબર પેટાચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી આગળ છે અને લગભગ જીત નિશ્ચિત છે. પંજાબની લુધિયાણા વેસ્ટ વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સંજીવ અરોરા જીતી રહ્યાં છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં કાલિગંજ વિધાનસભા સીટ પર ટીએમસીને જીત મળી રહી છે. એટલે કે પાંચ બેઠક પર યોજાયેલી વિધાનસભા પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર એક સીટ પર જીત મળી છે.
વિસાવદરમાં ગોપાલનો જાદૂ ચાલ્યો
ગુજરાતમાં બે સીટ પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ 17554 મતે જીત મેળવી છે. ગોપાલ ઈટાલિયાને કુલ 75942 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 58388 મત મળ્યા હતા. જ્યારે કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપનો 39452 મતે વિજય થયો છે. ભાજપના ઉમેદવાર રાજુભાઈ ચાવડાને જીત મળી છે.
લુધિયાણા વેસ્ટમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ
પંજાબની લુધિયાણા વિધાનસભા સીટ પર 13 રાઉન્ડની ગણતરી બાદ આમ આદમી પાર્ટીના સંજય અરોરા 10073 મતે આગળ ચાલી રહ્યાં છે. હવે એક રાઉન્ડની ગણતરી બાકી છે એટલે કે આમ આદમી પાર્ટીની જીત નિશ્ચિત છે. જ્યારે ભાજપના ઉમેદવાર ત્રીજા ક્રમે રહ્યાં છે.
કેરલમાં કોંગ્રેસની જીત
કેરલમાં નીલાંબર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. અહીં કોંગ્રેસના ઉમેદવાર આર્યદન શૌકત 11077 મતે જીત મેળવી છે. કેરલમાં ભારતીય જનતા પાર્ટીના નેતા મોહન જોર્જને માત્ર 8648 મત મળ્યા છે અને તે ચોથા સ્થાને રહ્યાં છે.
બંગાળમાં ટીએમસીનો જલવો
પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવે તો અહીં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. અહીં પેટાચૂંટણીમાં ટીએમસી ઉમેદવાર આલિફા અહમદ 29 હજાર કરતા વધુ મતે આગળ ચાલી રહ્યાં છે. તેવામાં પેટાચૂંટણીમાં સત્તાધારી ટીએમસીની જીત થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે