દિલ્હી: મુખ્ય સચિવ સાથે મારપીટ મામલે આપ MLA પ્રકાશ જરવાલની ધરપકડ

દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને કથિત રીતે મારપીટ કરવાના આરોપમાં દિલ્હી પોલીસે આપ ધારાસભ્ય પ્રકાશ જરવાલની મંગળવારે મોડી રાતે ધરપકડ કરી.

દિલ્હી: મુખ્ય  સચિવ સાથે મારપીટ મામલે આપ MLA પ્રકાશ જરવાલની ધરપકડ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને કથિત રીતે મારપીટ કરવાના આરોપમાં દિલ્હી પોલીસે આપ ધારાસભ્ય પ્રકાશ જરવાલની મંગળવારે મોડી રાતે ધરપકડ કરી. પોલીસે જરવાલને તેમના દેવલી સ્થિત ઘરમાંથી અટકાયતમાં લીધા હતાં. ત્યારબાદ તેમની સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી. ન્યૂઝ એજન્સી ANIએ આ જાણકારી આપી છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીના જ અન્ય એક ધારાસભ્ય અમાનતુલ્લા ખાન ઉપર પણ ધરપકડની તલવાર લટકી રહી છે. મંગળવારે મોડી રાતે પોલીસ ટીમ તેમના ઘરની બહાર તહેનાત જોવા મળી હતી. 

ગૃહ મંત્રાલયે ઉપ રાજ્યપાલ પાસે માંગ્યો રિપોર્ટ
ગૃહ મંત્રાીલયે આ સમગ્ર મામલે દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલ પાસે રિપોર્ટ માંગ્યો છે. આ મામલાએ હવે રાજનીતિક રંગ પકડી લીધો છે. આ પ્રકરણ મુદ્દે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અજય માકલ આજે એલજી સાથે મુલાકાત કરી શકે છે. 

દિલ્હી પોલીસે આપ ધારાસભ્યો પર એફઆઈઆર નોંધી
દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશે આરોપ લગાવ્યો કે સોમવારે મોડી રાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી એક બેઠક દરમિયાન આપ વિધાયક અમાનતુલ્લા ખાન અને અન્યએ તેમના પર હુમલો કર્યો હતો. પ્રકાશની ફરિયાદના આધારે દિલ્હી પોલીસે ખાન અને અન્ય એક વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. 

મુખ્ય સચિવ જાતિસૂચક ટિપ્પણીઓ કરી હોવાનો વિધાયક જરવાલ અને અજય દત્તનો દાવો
આ અગાઉ દેવલીના ધારાસભ્ય જરવાલ અને આંબેડકર નગરના આપ ધારાસભ્ય અજય દત્તે દાવો કર્યો હતો કે મુખ્ય સચિવે જાતિસૂચક ટિપ્પણીઓ કરી હતી. તેઓએ તેમના વિરુદ્ધ દિલ્હી પોલીસ અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં એક ફરિયાદ પણ નોંધાવી છે. આપના આંબેડકરનગરના ધારાસભ્ય અજય દત્તે અંશુ પ્રકાશ વિરુદ્ધ જાતિસૂચક ટિપ્પણી કરવાની ફરિયાદ નોંધાવતા આરોપ લગાવ્યો કે તેમણે આ ટિપ્પણી મુખ્યમંત્રી કેજરીવાલના નિવાસસ્થાને યોજાયેલી બેઠક દરમિયાન કરી. પ્રકાશનો આરોપ છે કે આ બેઠકમાં તેમની સાથે મારપીટ થઈ. દત્તે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે મુખ્ય સચિવે સોમવારની બેઠકમાં દુર્વ્યવ્હાર કર્યો અને તેમના વિરુદ્ધ જાતિસૂચક ટિપ્પણીઓ કરી. 

કેજરીવાલ માફી માંગે તેવી ઓફિસર્સ એસોસિએશનની માગણી
મુખ્ય સચિવ અંશુ પ્રકાશ પર કેટલાક આપ ધારાસભ્યો દ્વારા કથિત હુમલાથી નારાજ બ્યુરોક્રેટ્સે કહ્યું છે કે જ્યાં સુધી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ ઘટના પર માફી નહીં માંગે ત્યાં સુધી તેઓ કેજરીવાલ અને તેમના મંત્રીમંડળ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકોનો બહિષ્કાર કરશે. અધિકારીઓના ત્રણ એસોસિએશન આઈએએસ(ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ), ડીએએનઆઈસીએસ(દિલ્હી અંડમાન એન્ડ નિકોબાર આઈલેન્ડ્સ સિવિલ સર્વિસ) તથા ડીએસએસએસ (દિલ્હી સબ ઓર્ડિનેટ સર્વિસિઝ સિલેક્શન બોર્ડ)એ મંગળવાર રાતે એક બેઠકમાં એક પ્રસ્તાવ પાસ કર્યો છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે તેઓ આમ આદમી પાર્ટીના મંત્રીઓ સાથે લેખિતમાં સંવાદ જાળવી રાખશે જેથી કરીને લોક સેવા આપૂર્તિમાં કોઈ વિક્ષેપ ન થાય.

કેજરીવાલ સામે જ મારપીટ થઈ, કોઈ બચાવવા આવ્યું નહીં- મુખ્ય સચિવનો આરોપ
ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારના મુખ્ય સચિવ અંશુ પ્રકાશે મંગળવારે આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન અને અન્ય એક ધારાસભ્યે મુખ્યમંત્રી કેજરીવાલની સામે તેમના સરકારી નિવાસસસ્થાને તેમની સાથે મારપીટ કરી હતી. તેમણે કહ્યું કે તેઓ મારપીટ કરનારા અન્ય એક ધારાસભ્યની ઓળખ કરી શકે છે. આમ આદમી પાર્ટીએ જો કે આ આરોપોને ફગાવ્યાં છે અને કહ્યું છે કે મુખ્ય સચિવ ભાજપના ઈશારે ખોટા આરોપ લગાવી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news