)
Nitin Gadkari: ઘણીવાર પોતાના ભાષણોને લઈ ચર્ચામાં રહેનારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એક વખત નેતાઓ વિશે જે નિવેદન આપ્યું છે, તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. નીતિન ગડકરીએ કહ્યું કે, "જે લોકોને સૌથી સારી રીતે મૂર્ખ બનાવી શકે છે, તે જ સૌથી સારા નેતા હોય શકે છે."
ક્યાં કહી આ વાત?
નીતિન ગડકરીએ નાગપુરમાં અખિલ ભારતીય મહાનુભાવ પરિષદમાં બોલતી વખતે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, "કહેવું સહેલું છે, કરવું મુશ્કેલ છે. હું અધિકારી નથી, પરંતુ હું તેની અનુભૂતિ કરું છું, કારણ કે હું જે ક્ષેત્રમાં કામ કરું છું ત્યાં મનથી સત્ય બોલવાની મનાઈ છે."
આખરે વિજય સત્યનો જ થાય છે
નીતિન ગડકરીએ કહ્યું કે, "ત્યાં હૌસે, નવસે, ગવસે(આ મરાઠી કહેવત છે) બધા લોકો છે, અને જે લોકોને સૌથી સારી રીતે મૂર્ખ બનાવી શકે છે, તે જ સૌથી સારા નેતા હોય શકે છે." તેમણે કહ્યું કે, "એક વાત સાચી છે. ભગવાન કૃષ્ણએ લખ્યું છે, શ્રીમદ ભાગવત ગીતામાં લખ્યું છે કે, આખરે વિજય સત્યનો જ થાય છે."
શોર્ટકટથી વ્યક્તિ ઝડપથી પહોંચે છે...
નીતિન ગડકરીએ કહ્યું કે, "કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માટે શોર્ટકટ હોય છે, શોર્ટકટથી વ્યક્તિ ઝડપથી પહોંચે છે... નિયમો તોડીને રસ્તો ક્રોસ કરવો છે, તો લાલ સિગ્નલ હોય, કે પછી કુદકા મારીને જઈ શકો છો, પરંતુ એક ફિલોસોફર કહે છે કે, શોર્ટકટ કટ યૂ શોર્ટ. એટલા માટે આપણે હોનેસ્ટી, ક્રેડિબિલિટી, સમર્પિત ભાવ, સત્ય એ જ વેલ્યુઝ છે, આ બધાનું સમાજમાં મહત્વ છે."
તમને જણાવી દઈએ કે, નીતિન ગડકરી ભાજપના એક એવા નેતા છે જે તેમની બેબાક અંદાજ માટે જાણીતા છે. તેમને જે કંઈ કહેવું હોય તે તેઓ જનતા સમક્ષ સ્પષ્ટ અને સીધી રીતે કહે છે. તેઓ કહે છે કે, હું કામ કરું છું, જો તમને લોકોને ગમે તો મને મત આપો, નહીં તો ના આપો. તેમના સ્વભાવને કારણે જ વિપક્ષી નેતાઓ પણ ભાગ્યે જ તેમના વિરુદ્ધ નિવેદનો આપે છે.