)
ટેરિફના ઘમાસાણ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. પીએમ મોદી સપ્ટેમ્બરના અંતમાં યોજનારા UNGAના 80માં હાઈ લેવલ સેશનમાં જનરલ ડિબેટને સંબોધન નહીં કરી શકે. તેમની જગ્યાએ દેશના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર 27મી સપ્ટેમ્બર 2025ના રોજ વિશ્વના નેતાઓને સંબોધિત કરશે. અગાઉની યાદીમાં કહેવાયું હતું કે 26 સપ્ટેમ્બરે પીએમ મોદી ભાષણ આપશે. અત્રે જણાવવાનું કે 9 સપ્ટેમ્બર 2025થી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું 80મું સત્ર શરૂ થવાનું છે. જેમાં 23-29 સપ્ટેમ્બર 2025ના રોજ હાઈ લેવલ જનરલ ડિબેટ થશે.
પીએમ મોદી નહીં કરે સંબોધન
જુલાઈમાં બહાર પડેલી એક અગાઉની યાદીમાં પીએમ મોદી 26 સપ્ટેમ્બર 2025ના રોજ સંબોધન કરશે એવું જણાવ્યું હતું. આ દિવસે ઈઝરાયેલ, ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું પણ સંબોધન છે. આવામાં આ ફેરફારનો સ્પષ્ટ અર્થ છે કે પીએમ મોદી આ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એવા નેતાઓ સમક્ષ નહીં જોવા મળે જેમની સાથે વૈશ્વિક મંચો પર તેમનો અવારનવાર સામનો થતો રહે છે. અત્રે જણાવવાનું કે આ પહેલા પીએમ મોદી બ્રિક્સ સંમેલનમાં પણ સામેલ નહીં થાય તેવા સમાચાર આવ્યા છે.
ટ્રમ્પ કરશે સંબોધન
સત્રમાં પરંપરાગત રીતે પહેલું ભાષણ બ્રાઝીલનું રહેશે. ત્યારબાદ અમેરિકાથી રાષ્ટ્રપતિ ટ્રમ્પ 23 સપ્ટેમ્બરે UNGAમાં પોતાનું ભાષણ આપશે. રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પનું UNGAમાં આ પહેલું સંબોધન હશે. ત્યારબાદ 26 સપ્ટેમ્બરે ઈઝરાયેલ, ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું સંબોધન હશે. અત્રે જણાવવાનું કે આ વર્ષનું સત્ર ખુબ ખાસ હશે કારણે સંયુક્ત રાષ્ટ્ર પોતાના 80 વર્ષ પૂરા કરવાનું છે.
વિશેષ બેઠકનું આયોજન
સંયુક્ત રાષ્ટ્રમાં 22 સપ્ટેમ્બર 2025ના રોજ 80મી વર્ષગાંઠના અવસરે એક વિશેષ બેઠકનું આયોજન થશે. ત્યારબાદ 24 સપ્ટેમ્બર 2025ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ ક્લાઈમેટ સમિટની મેજબાની કરશે. અહીં વિશ્વ નેતાઓ પોતાના નવા ક્લાઈમેટ પ્રોજેક્ટને રજૂ કરશે. અત્રે જણાવવાનું કે આ વર્ષના સત્રની થીમ છે બેટર ટુગેધર: 80 યર્સ એન્ડ મોર ફોર પીસ, ડેવલપમેન્ટ એન્ડ હ્યુમન રાઈટ્સ.