)
બિહાર ચૂંટણી પરિણામો આવી ગયા અને પ્રચંડ જીત સાથે એકવાર ફરીથી એનડીએ સત્તા પર બિરાજમાન થશે. એનડીએને 202 સીટો મળી છે જ્યારે મહાગઠબંધનને 35 અને અન્યને ફાળે 6 સીટો ગઈ છે. આ ચૂંટણીમાં ભાજપ 89 સીટો મેળવીને સૌથી મોટો પક્ષ બન્યો છે. જ્યારે જેડીયુને 85 સીટ, આરજેડીને 25 સીટ, લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ને 19 સીટો, કોંગ્રેસને 6 સીટ, AIMIMને 5 સીટ, હિન્દુસ્તાની અવામ મોર્ચા (સેક્યુલર) HAMSને 5 સીટ, રાષ્ટ્રીય લોક મોર્ચાને 4 સીટ, CPI(ML)(L)ને 2 સીટ, Indian Inclusive Party - IIPને એક સીટ અને 1 સીટ CPI(M) તથા 1 સીટ બહુજન સમાજ પાર્ટીને ફાળે ગઈ છે.
લાલુ યાદવની આરજેડી તથા મહાગઠબંધનની જે હાલત થઈ તે કદાચ સપનામાં પણ વિચારી નહીં હોય. ચૂંટણીમાં મોટા મોટા રેકોર્ડ અને સમીકરણો ધ્વસ્ત થઈ ગયા જેમ કે મુસ્લિમ-યાદવ સમીકરણ. જેના દ્વારા લાલુ યાદવ અને આરજેડીએ ત્રણ દાયકા સુધી બિહારના રાજકારણમાં દશા અને દિશા નક્કી કરવાની સાથે સાથે રાજકીય પાવર પણ મેળવ્યો. પરંતુ 2025માં આ સમીકરણ ધરાશાયી થઈ ગયું.
MY સમીકરણ ધોવાયું, હવે ME નો જલવો
બિહારના રાજકારણમાં એક નવું સમીકરણ જોવા મળ્યુ. જેનું નામ છે ME એટલે કે મહિલાઓ અને ઈબીસી. એક પ્રકારે કહીએ તો આ એક એવું શસ્ત્ર છે જેની મદદથી એનડીએએ બિહારની ચૂંટણીમાં શાનદાર જીત મેળવી. એક નવું રાજકીય ગણીત છે જે સામાજિક કલ્યાણ, લિંગ અને આકાંક્ષાઓ પર આધારિત છે. આ રાજનીતિએ એનડીએને બિહાર જેવા રાજ્યમાં ગેમ બદલી નાખવામાં મદદ કરી. જ્યાં ચૂંટણીઓને જાતિના ચશ્મે જોવાય છે.
ભાજપનું ઈલેક્શન કેમ્પેઈન ત્રણ ફેક્ટર પર આધારિત હતું. મહિલાઓના મત, અને નીતિશની અપીલ, ઉપેન્દ્ર કુશવાહા તથા ચિરાગ પાસવાનના પાછા ફરવાથી જાતિ સમીકરણ બદલાવવું અને યૂથ. જેનાથી સતત એનડીએએ લાલુ યાદવ કાળ દરમિયાન કટ્ટા (બંદૂક), ખંડણી વિશે વારંવાર યાદ અપાવ્યું.
બીજી બાજુ મહાગઠબંધન મુસ્લિમ અને યાદવ જાતિગત સમીકરણમાંથી બહાર નીકળી શક્યું નહીં. તેમનું મત ચોરી કેમ્પેઈન વોટર્સની નસ પકડવામાં નિષ્ફળ ગયું. એટલું જ નહીં પરંતુ વિશેષણથી જાણવા મળે છે કે MY મતદારોના મતનો એક મોટો ભાગ પણ એનડીએને ગયો છે.
63 વર્ષનો રેકોર્ડ ધ્વસ્ત
બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં છેલ્લા 63 વર્ષનો રેકોર્ડ બ્રેક થયો અને પ્રદેશમાં 67 ટકા મતદારો સરકાર પસંદ કરવા માટે મતદાન કેન્દ્રો સુધી પહોંચ્યા. જે સ્વતંત્ર ભારતના ઈતિહાસનો સૌથી મોટો જનમત કહેવું ખોટું નહીં હોય. ચોંકાવનારી વાત એ છે કે તેમાંથી મહિલાઓના મતદાનની ટકાવારી 71 ટકા હતી જે એક નવો રેકોર્ડ કહી શકાય. જ્યારે પુરુષ મતદારોની ટકાવારી તેના કરતા લગભગ 10 ટકા ઓછી રહી.
આ ચૂંટણીમાં એનડીએએ જાતિ સમીકરણનો દાયરો વધુ મોટો કર્યો. જ્યાં ભાજપનો ઊંચી જાતિના વોટર્સ વચ્ચે દબદબો છે ત્યાં બીજી બાજુ નીતિશકુમારની જેડીયુને ઈબીસીનો ભરપૂર સાથ મળ્યો. આ ચૂંટણીમાં આ જ એક્સ ફેક્ટર સાબિત થયું. જ્યારે ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોરચા, ચિરાગ પાસવાનની એલજેપી અને જીતનરામ માંઝીની હિન્દુસ્તાની અવામ મોરચાની વોટબેંક પણ એનડીએ માટે હુકમનો એક્કો સાબિત થયા.
ઈબીસીએ ગેમ પલટી?
વર્ષ 2020 બાદ એનડીએની સીટો વધવા પાછળનું એક મોટું કારણ ઈબીસી કહી શકાય. તે ચૂંટણીમાં તો એનડીએને ગણતરીના માર્જિનથી જીત મળી હતી. કાસ્ટ સર્વે ડેટા મુજબ બિહારની જનસંખ્યામાં ઈબીસી વસ્તી 36 ટકા છે. જ્યારે કુર્મી સમાજ (વસ્તીમાં 3 ટકા)થી આવતા નીતિશકુમાર અને એનડીએએ કલ્યાણકારી યોજનાઓ દ્વારા ઈબીસીને પોતાના પક્ષમાં કર્યો. જે જેડીયુ માટે એક ચોંકાવનારો બદલાવ હતો. કારણ કે 2020ની ચૂંટણીમાં જ્યાં એસસી અને ઈબીસીની સારી એવી વસ્તી હતી ત્યાં ત્રણ ડઝન કરતા વધુ સીટો ગુમાવી હતી. જેડીયુએ જે 115 સીટો પર ચૂંટણી લડી તેમાંથી ફક્ત 43 પર જ જીત મેળવી હતી. આ વખતે તેમની 70 કરતા વધુ સીટો છે.
મહિલા વોટર્સે કમાલ કર્યો
આ ચૂંટણીના એલાનની બરાબર પહેલા સપ્ટેમ્બરમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાની શરૂઆત થઈ અને બિહારની મહિલાઓના એકાઉન્ટમાં 10,000 રૂપિયાની રકમ મોકલવામાં આવી હતી. આ સાથે જ બિહાર દેશનો પહેલો એવો પ્રદેશ છે જ્યાં પંચાયત રાજ વ્યવસ્થામાં મહિલાઓને પહેલીવાર અનામત મળી શક્યું અને તેનમી સારી ભાગીદારી સુનિશ્ચિત થઈ. આ સાથે જ બિહારમાં 2016 બાદથી લાગૂ દારૂબંધીએ પણ પ્રદેશની મહિલા મતદારોના દિલમાં નીતિશ સરકાર માટે એક અલગ જગ્યા બનાવી. બિહારમાં મહિલાઓ જીવનનિર્વાહ માટે થોડા કષ્ટો ભોગવવા માટે તૈયાર છે પરંતુ દારૂબંધીના કારણે ઘરના કલેશઅને તૂટતા પરિવારોને જોવા તે તેમના માટે મુશ્કેલ છે. આવામાં નીતિશ સરકાર પર મહિલાઓનો ભરોસો વધતો ગયો.
કલ્યાણકારી યોજનાઓનો દમ
બિહારમાં મહિલાઓ માટે નીતિશસરકારની સોચ પણ કામ કરી ગઈ. છાત્રાવૃત્તિ, અનામત, વિદ્યાર્થીનીઓ માટે સાઈકલ અને પોષાક યોજના, સ્વયં સહાયતા સમૂહો દ્વારા રોજગાર, ઉદ્યોગ માટે સહાયતા રકમ અને હાલમાં જ મહિલાઓના બેંકખાતામાં 10,000 રૂપિયાની આર્થિક મદદ. બિહારમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને 33 ટકા અને પંચાયતી રાજમાં 50 ટકા અનામતની જોગવાઈ. જેના કારણે પ્રદેશમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓ પહેલાથી વધુ આત્મનિર્ભર અને જાગૃત બની છે. આ વખતે તો મતદાન દરમિયાન બિહારમાં મહિલાઓમાં પુરુષોની સરખામણીમાં રાજનીતિક ચેતના વધુ સારી જોવા મળી. આ વખતે મહિલાઓ કોઈના કહ્યે નહીં પરંતુ પોતાના નિર્ણયથી મતદાન કર્યું.
એક વાત એ પણ જાણવા જેવી છે કે બિહાર દેશનું પહેલું એવું રાજ્ય છે જ્યાં 31 લાખથી વધુ મહિલાઓ એવી છે જે લખપતિ દીદી છે. મહિલાઓને લખપતિ બનાવવાની યોજના નીતિશ સરકારમાં 2023માં શરૂ થઈ હતી. પરંતુ જ્યારે 2020માં તેમની કમાણી તેનાથી ઘણી ઓછી હતી ત્યારે પણ તેમણે નીતિશકુમારનું જ સમર્થન કર્યું હતું. હવે જ્યારે 31 લાખથી વધુ લખપતિ દીદીઓ થઈ છે તો સ્પષ્ટ છે કે તેમણે 2025માં વધુ મજબૂતીથી નીતિશકુમારનું સમર્થન કર્યું હશે.
આ આંકડાએ બધાને ચોંકાવ્યા
આવામાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે મહિલા વોટર્સના ઉત્સાહે સત્તા વિરોધી લહેરનું પરિણામ બદલી નાખ્યું. આ ચૂંટણીમાં બિહારથી એક એવો આંકડો સામે આવ્યો કે જે ચોંકાવનારો હતો. હકીકતમાં બિહારમાં એસઆઈઆર બાદ પુરુષ મતદારોની સરખામણીમાં મહિલા મતદારોનો રજિસ્ટર્ડ આધાર નાનો જોવા મળ્યો પરંતુ આમ છતાં કુલ મતદાનમાં મહિલાઓની ભાગીદારી પુરુષ મતદારો કરતા વધુ જોવા મંળી જે ચોંકાવનારું હતું.
રાજકીય જાણકારો અને વિશેષજ્ઞોની સાથે ચૂંટણીને નજીકથી સમજતા અને જોનારા લોકો હંમેશાથી એવું માને છે કે જ્યારે આટલા મોટા પાયે મતદાન થાય છે ત્યારે હંમેશા તે સત્તાધારી પક્ષની વિરુદ્ધમાં હોય છે. પાંચ કે દસ ટકાની વચ્ચે મતદાન હોય તો કહેવાય છે કે બની શકે કે તે સત્તા પક્ષની તરફેણમાં પણ હોય. પરંતુ જ્યારે પણ 10 ટકા કે તેનાથી વધુ મતદાન થાય ત્યારબાદ એવી અટકળો કરાય છે કે જનતા જરૂર બદલાવના મૂડમાં છે.
મહિલાઓની વધતી ભાગીદારી
આવામાં બિહાર ચૂંટણીથી એકવાત તો સ્પષ્ટ થાય છે કે ત્યાં લગભગ 10 ટકાનું અતર મહિલાઓની વધતી રાજકીય ભાગીદારી સુનિશ્ચિત કરે છે. જે કદાચ મહિલા કેન્દ્રીત કલ્યાણકારી યોજનાઓ અને કેશ ટ્રાન્સફરના વચનોથી પ્રેરિત છે. આ સાથે જ દીવાળી અને આસ્થાના મહાપર્વ છઠ દરમિયાન 12000થી વધુ વિશેષ ગાડીઓ ચલાવવી પણ એક કારણ હોઈ શકે છે. કારણ કે બિહારની બહાર રહેલા મતદારોને લાભ મળી શક્યો.
પીએમ મોદીએ પણ કર્યો મહિલાઓનો ઉલ્લેખ
પરિણામ બાદ પીએમ મોદીએ જ્યારે દિલ્હીના ભાજપ મુખ્યાલય ખાતે વિજયી ભાષણ આપ્યું તો તેમાં તેમણે MY ફોર્મ્યૂલાને જીતનું કારણ ગણાવ્યું. એટલે કે મહિલાઓ અને યૂથ. તેમણે કહ્યું કે આ જીત બિહારની એ માતાઓ અને બહેનોની છે જેમણે વર્ષો સુધી આરજેડીના શાસનમાં જંગલરાજનો આતંક ઝેલ્યો છે.