આધાર ફરજિયાત થશે કે પછી સરકારના દાવા થશે નિરાધાર? આજે આવશે ચૂકાદો
આધારને ફરજિયાત કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં સાડા ચાર મહિનામાં 38 સુનાવણી થઈ છે. 17 જાન્યુઆરીથી શરૂ થયેલી આ સુનાવણી 10 મેના રોજ પુરી થઈ હતી. બંધારણિય બેન્ચે તમામ પક્ષોની સુનાવણી કર્યા બાદ પોતાનો ચૂકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આ બીજી સૌથી લાંબી સુનાવણી ચાલી છે.
નવી દિલ્હીઃ આધાર કાર્ડને ફરજિયાત કરવા અંગે દેશની સર્વોચ્ચ અદાલત બુધવારે પોતાનો ચૂકાદો સંભળાવશે. સુપ્રીમ કોર્ટમાં આધારની બંધારણિય કાયદેસરતાને પડકારતી 27 અરજીઓ કરવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે તે બંધારણના 'રાઈટ ટુ પ્રાઈવસી' (ગુપ્તતાનો અધિકાર)નું ઉલ્લંઘન છે. આધાર કાર્ડના કેસની સુનાવણી 17 જાન્યુઆરીના રોજ શરૂ થઈ હતી અને 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને સાંભળી લીધા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આમ, આધારા કાર્ડ કેસની સાડા ચાર મહિનામાં 38 સુનાવણી થઈ છે. સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આ બીજી સૌથી લાંબી સુનાવણી ચાલી છે.
બંધારણિય બેન્ચે કરી સુનાવણી
મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રા, ન્યાયાધિશ એ.કે. સિકરી, ન્યાયાધિશ એ.એમ. ખાનવિલકર, ન્યાયાધિશ ડી.વાય. ચંદ્રચૂડ અને ન્યાયાધિશ અશોક ભૂષણની બંધારણિય બેન્ચ દ્વારા આ કેસની સુનાવણી કરવામાં આવી છે. આધાર કાર્ડને ફરજિયાત કરવાનો ચૂકાદો ન આવે ત્યાં સુધી સામાજિક કલ્યાણકારી યોજનાઓ સિવાયની તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓમાં આધારને ફરજિયાત કરવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. જેમાં મોબાઈલ સિમ કાર્ડ અને બેન્કના ખાતાનો પણ સમાવેશ થાય છે.
એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કોર્ટમાં જણાવ્યું છે કે, આ સુપ્રીમ કોર્ટના ઈતિહાસની બીજી સૌથી મોટી સુનાવણી છે. આ અગાઉ 1973માં મૌલિક અધિકારો અંગે કેશવાનંદ ભારતી કેસની સુનાવણી લગભગ 5 મહિના ચાલી હતી.
કોણે કરી હતી અરજી
સેવાનિવૃત્ત ન્યાયાધિશ પુત્તસામી અને અન્ય લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને આધાર કાયદાની બંધારણિય કાયદેસરતાને પડકારી હતી. અરજીમાં ખાસ કરીને આધાર કાર્ડ માટે લેવામાં આવતા બાયોમેટ્રિક ડેટાને કારણે ગુપ્તતાના અધિકારનો ભંગ થતો હોવાની દલીલ કરવામાં આવી હતી.
આધાર કાર્ડની સુનાવણી દરમિયાન જ કોર્ટમાં 'રાઈટ ટુ પ્રાઈવસી' (ગુપ્તતાનો અધિકાર) મૌલિક અધિકાર હોવા અંગેનો મુદ્દો ઊભો થયો હતો. ત્યાર બાદ કોર્ટે આધારની સુનાવણી અધવચ્ચે રોકીને ગુપ્તતાના અધિકાર પર બંધારણિય બેન્ચે સુનાવણી હાથ ધરી હતી અને ગુપ્તતાને મૌલિક અધિકાર જાહેર કર્યો હતો. ત્યાર બાદ પાંચ ન્યાયાધિશોએ આધારની કાયદેસરતા અંગે સુનાવણી કરી હતી. કુલ સાડાચાર મહિનામાં 38 દિવસ સુધી આધાર પર સુનાવણી ચાલી હતી.
કોણે-કોણે અરજીકર્તાઓ તરફથી કરી દલીલ
આધાર કાર્ડની કાયદેસરતાને પડકારતી અરજી કરનારા લોકો તરફથી વરિષ્ઠ વકીલ શ્યામ દીવાન, અરવિન્દ દત્તાર, ગોપાલ સુબ્રમણ્યમ, પી. ચિદમ્બરમ, કે.વી. વિશ્વનાથન સહિત અડધો ડર્ઝન કરતાં વધુ લોકોએ સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી હતી અને આધાર કાર્ડને ગુપ્તતાના અધિકારનનો ભંગ જણાવ્યું હતું. અરજીકર્તાઓએ જણાવ્યું હતું કે, તેના માટે એકઠા કરવામાં આવતા ડાટાની સુરક્ષા માટે પુરતી વ્યવસ્થા કરાઈ નથી.
જાણો આધાર કાર્ડની સુનાવણીમાં કોણે શું કહ્યું? સુપ્રીમનો વચગાળાનો આદેશ શું હતો?
તેમણે વધુમાં જણાવ્યું કે, બાયોમેટ્રીક ઓળખ એક્ઠી કરીને કોઈ પણ વ્યક્તિને વાસ્તવિક્તાથી 12 આંકડાની સંખ્યામાં તબદીલ કરવામાં આવી રહ્યો છે. અરજીકર્તાઓએ આધાર કાયદાને મૌલિક અધિકારોનો ભંગ જણાવતા તેને રદ્દ કરવાની માગ કરી છે. એવો પણ આરોપ લગાવ્યો હતો કે, સરકારે દરેક સુવિધા અને સર્વિસને આધાર સાથે જોડી દીધી છે, જેના કારણે ગરીબ લોકો આધારનો ડાટા ન મળવાને કારણે સુવિધાઓના લાભ લેવાથી વંચિત થઈ રહ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું કે, સરકારે આધાર ખરડાને નાણા ખરડા તરીકે રજૂ કરીને ઉતાવળે પસાર કરાવી લીધો છે.
આધાર ખરડાને નાણા ખરડો કહી શકાય નહીં. જો આ રીતે કોઈ પણ ખરડાને નાણા ખરડો માની લેવાશે તો પછી સરકારને જો કોઈ ખરડો અસુવિધાજનક લાગશે તેને નાણા ખરડાના સ્વરૂપમાં રજૂ કરીને પસાર કરાવી લેશે. પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે, નાણા ખરડાનો આધાર લઈને આ કાયદો પસાર થવાની સ્થિતિમાં રાજ્યસભામાં ખરડામાં સંશોધનના સુચનના અધિકાર અને રાષ્ટ્રપતિ દ્વારા ખરડાને વિચારણા માટે ફરીથી પાછો મોકલવાના અધિકાર પણ નજરઅંદાજ થયો છે.
સામે પક્ષે કેન્દ્ર સરકાર, યુએઆઈડી, ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર સહિત અનેક સંસ્થાઓએ સુપ્રીમ કોર્ટમાં આધાર કાયદાને યોગ્ય ઠેરવતા આ અરજીઓને ફગાવી દેવાની અપીલ કરી હતી. સરકાર તરફથી દલીલો રજૂ કરવા માટે એટોરની જનરલ કે.કે. વેણુગોપાલ હાજર રહ્યા હતા.