)
નવી દિલ્હીઃ ભારત અને અમેરિકાના સંબંધો અસમંજસની સ્થિતિમાં પહોંચી ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે, જેની અસર પણ જોવા મળી છે. ટેરિફની સીધી અસર વેપાર પર પડી છે. હવે કેન્દ્ર સરકાર નિકાસકારોને રાહત આપવા માટે સ્પેશિયલ પેકેજ લાવી શકે છે. જીએસટી દરોમાં ઘટાડા બાદ હવે સરકાર તે નિકાસકારોને ગુડ ન્યૂઝ આપી શકે છે.
ટેરિફને કારણે ભારતના ઘણા સેક્ટર પ્રભાવિત થયા છે. કપડા, ઘરેણા અને આભૂષણની સાથે-સાથે અન્ય સામાન પણ અમેરિકા જતો હતો, પરંતુ ટેરિફ બાદ નિકાસની ગતિ ઘટી છે. એક રિપોર્ટ પ્રમાણે સરકાર નાના અને મધ્યમ નિકાસકારોની મદદ માટે સ્પેશિયલ પેકેજ લાવવાની તૈયારીમાં ચે. તેનાથી લિક્વિડિટીની સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ થશે, સાથે વર્કિંગ કેપિટલ પર પણ ભાર ઘટાડવાનો પ્રયાસ હશે.
નોકરીઓને સુરક્ષિત રાખવા ઈચ્છે છે સરકાર
રિપોર્ટ મુજબ, સરકાર ઇચ્છે છે કે નિકાસકારો અન્ય બજાર વિકલ્પો ન શોધે ત્યાં સુધી કોઈપણ મુશ્કેલી વિના તેમનું ઉત્પાદન ચાલુ રાખે. આ સાથે, સરકાર એક ખાસ પેકેજ દ્વારા નોકરીઓ સુરક્ષિત કરવા માંગે છે. લાખો લોકો ચામડા, ફૂટવેર, રસાયણો, એન્જિનિયરિંગ ઉત્પાદનો અને કૃષિ સંબંધિત ક્ષેત્રોમાં કામ કરે છે. આ બધાની આર્થિક સુરક્ષા પણ મહત્વપૂર્ણ છે.
કોવિડ-19 પેકેજની જેમ રાહત આપી શકાય છે
જો રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો, આ પેકેજ કોવિડ-19 દરમિયાન MSME ક્ષેત્રને આપવામાં આવેલા 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજ જેવું હોઈ શકે છે. કોવિડ-19 મહામારી દરમિયાન સરકારે ઉદ્યોગોને ટેકો આપ્યો હતો, હવે તે ફરીથી મદદ કરવાની યોજના બનાવી રહી છે. સરકાર નિકાસ પ્રમોશન મિશન પર પણ કામ કરી રહી છે. બજેટ દરમિયાન તેની જાહેરાત કરવામાં આવી હતી.
જીએસટીમાં પણ કારોબારીઓ અને સામાન્ય લોકોને મળી રાહત
જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં સામાન્ય લોકો અને નાના વેપારીઓને મોટી રાહત આપવામાં આવી. સરકારે ટેક્સના હવે માત્ર બે સ્લેબ રાખ્યા છે. તો જીવન જરૂરી સામાનને ટેક્સ ફ્રી કરી દેવામાં આવ્યો છે. તેમાં ભોજન સામગ્રી સહિત કેટલીક દવાઓ પણ સામેલ છે.