)
Cyclone Ditwah tracker: ભારતીય હવામાન વિભાગ (IMD)એ શુક્રવારે ચેતવણી જાહેર કરીને કહ્યું છે કે, વાવાઝોડું 'દિતવાહ' શ્રીલંકાના દરિયાકાંઠા અને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર સક્રિય છે. આ વાવાઝોડું છેલ્લા 6 કલાકમાં 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. વાવાઝોડાનું કેન્દ્ર ત્રિંકોમાલીથી 50 કિમી દક્ષિણમાં, બટ્ટીકોલાથી 70 કિમી ઉત્તર-પશ્ચિમમાં અને હંબનટોટાથી 220 કિમી ઉત્તરમાં સ્થિત હતું, જ્યારે તે ભારતના પુડુચેરીથી 460 કિમી દક્ષિણ-પૂર્વમાં અને ચેન્નાઈથી 560 કિમી દક્ષિણ-પૂર્વમાં સ્થિત હતું.
વાવાઝોડું 'દિતવાહ' ક્યારે પહોંચશે ભારત?
હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું છે કે, વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે અને 30 નવેમ્બરની સવાર સુધીમાં ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક બંગાળની ખાડી સુધી પહોંચી જશે. IMDએ ઘણા રાજ્યો માટે વરસાદ અને ભારે પવનની ચેતવણી જાહેર કરી છે. શુક્રવાર અને શનિવારે તમિલનાડુ અને પુડુચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં કેટલાક સ્થળોએ 20 સેમીથી વધુ વરસાદ વરસી શકે છે. 30 નવેમ્બરે વરસાદમાં થોડો ઘટાડો થવાની ધારણા છે, પરંતુ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.
વાવાઝોડું 'દિતવાહ'થી ક્યારે શરૂ થશે ધોધમાર વરસાદ?
દક્ષિણ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં શુક્રવારથી વરસાદ શરૂ થવાની ધારણા છે. 29 થી 30 નવેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે અને 1 થી 2 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. કેરળ અને લક્ષદ્વીપ ક્ષેત્રમાં પણ ભારે વરસાદની સંભાવના છે. તેલંગાણામાં 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે ભારે વરસાદની આગાહી છે.
ક્યા-કયા રાજ્યોમાં વાવાઝોડું 'દિતવાહ' મચાવશે કહેર?
આ વાવાઝોડાના કારણે વિવિધ દરિયાકાંઠાના વિસ્તારોમાં 60-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા છે. દક્ષિણ તમિલનાડુ, પુડુચેરી, શ્રીલંકા અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. IMDએ 1 ડિસેમ્બર સુધી દરિયામાં માછીમારી પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. દરિયામાં પહેલેથી જ રહેલી બોટોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ જવાની સલાહ આપવામાં આવી છે. લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે.