)
બંગાળની ખાડીમાં વિક્સિત થઈ રહેલા વાવાઝોડા મોન્થાએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ આ ડિપ્રેશન હવે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ચૂક્યું છે અને આગામી 24 કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાન બની શકે છે. હવામાન ખાતાએ કહ્યું કે આ ડિપ્રેશન 26મી ઓક્ટોબરે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું જે 27મીએ એટલે કે આજે તોફાની ચક્રવાતમાં ફેરવાશે. ત્યારબાદ 28મીએ સાંજે અથવા રાત્રે આંધ્ર પ્રદેશના કાકીનાડાના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. તોફાની વાવાઝોડાને લીધે આંધ્ર, તેલંગણા, ઓડિશા, તમિલનાડુમાં 90થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ભારે વરસાદની શક્યતા છે.
આગામી 48 કલાકમાં ભયાનક સ્વરૂપ ધારણ કરશે
મોન્થા વાવાઝોડું આગામી 48 કલાકમાં ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે. 27થી 29 તારીખ સુધીનો સમય ભારે કહી શકાય દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચી શકે છે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના અપાઈ છે. હવામાન ખાતાએ 27થી 29 સુધી યલ્લો એલર્ટ જાહેર ક ર્યું છે. 30મી સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
આ વાવાઝોડું મછલીપટ્ટનમ અને કાલિંગપટ્ટનમ વચ્ચેથી પસાર થશે અને કાકીનાડાની આસપાસ તેના આંધ્ર પ્રદેશના તટને પાર કરવાનું અનુમાન છે. જેનાથી ઓડિશા, આંધ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, છત્તીસગઢ સહિત 7 રાજ્યો પ્રભાવિત થઈ શેક છે. ઓડિશાના તમામ 30 જિલ્લા એલર્ટ પર છે. આંધ્રના કાકીનાડા, કોનાસિમા, એલુરુ, વેસ્ટ ગોદાવરી, કૃષ્ણા, ગૂંટુર, ભટલા, પ્રાકાસમ અને એસપીએસઆર નેલ્લોર જિલ્લામાં વધુ જોખમ છે. તમિલનાડુના ચેન્નાઈ, તિરુવલ્લુર અને રાનીપેટમાં પણ પ્રભાવ જોવા મળી શકે છે. આઈએમડીએ સમુદ્રી વિસ્તારોમાં ઊંચી લહેરો અને કાંઠા વિસ્તારોમાં પૂરની ચેતવણી બહાર પાડી છે.
આ રાજ્યોમાં એલર્ટ
આઈએમડીએ ઓડિશા, આંધ્ર પ્રદેશ, અને તમિલનાડુ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યાં 28-29 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આંધ્રના 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ છે જ્યારે બાકી ભાગોમાં જેમ કે તમિલનાડુ અને ઓડિશામાં ઓરેન્જ એલર્ટ લાગૂ છે. પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. પવનની ગતિ 110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જેનાથી ઝાડ ઉખડવાના અને પૂરનું જોખમ છે. માછીમારોને 29 ઓક્ટોબર સુધી સમુદ્રમાં ન જવાની વોર્નિંગ અપાઈ છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં પણ ભારે વરસાદનું એલર્ટ અપાયું છે.
લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવી રહ્યા છે. આંધ્રમાં કાકીનાડા અને કોનાસિમાના 36 કાંઠા વિસ્તારના ગામોમાં 6000થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે. જેમાંથી 428 ગર્ભવતી મહિલાઓ છે. વિશાખાપટ્ટનમ, અનાકાપલ્લે અને વેસ્ટ ગોદાવરીમાં 27-28 ઓક્ટોબરે શાળાઓ બંધ રહેશે. ઓડિશાના 8 દક્ષિણી જિલ્લાઓ મલ્કાનગિરી, કોરાપુટ વગેરેને રેડ ઝોન જાહેર કરાયા છે. જ્યાં વાવાઝોડા શેલ્ટર બનાવવામાં આવ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત છે. વિભાગના લોકોની રજાઓ રદ કરાઈ છે. જળાશયોથી પાણી છોડવામાં આવી રહ્યું છે.
અન્ય એક વાવાઝોડું
આ સિવાય પૂર્વ અરબી સમુદ્રમાં પણ એક વાવાઝોડું બની રહ્યું છે. જે ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં વરસાદ અને પવનથી તારાજી સર્જી શકે છે.
ગુજરાત માટે આગાહી
હવામાન વિભાગની આગાહી. અરબસાગરમાં ડિપ્રેશન બનતા વરસાદની આગાહી. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં જયારે અન્ય ભાગોમાં ચાર દિવસ વરસાદની આગાહી. દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા. આજે હવામાન વિભાગે જાહેર કર્યું નાવ કાસ્ટ બુલેટિન. સવારે વાગ્યાથી લઈ આગામી ત્રણ કલાક માટે રાજ્યમાં વરસાદની આગાહી. અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ. પોરબંદર, જુનાગઢ,અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર મહેસાણા, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત નવસારી ડાંગ તાપી વલસાડ દમણ અને દાદર નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ. રાજ્યના અન્ય જિલ્લાઓમાં યેલો એલર્ટ સાથે છૂટાછવાયા હળવા વરસાદની આગાહી.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી
આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા. પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા. આગામી 48 કલાકમાં ભારે વરસાદની શક્યતા રહેશે. અમદાવાદ સાણંદ, નડિયાદ, વડોદરા, પંચમહાલ,ઉતર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ કેટલાક ભાગોમાં બપોર પછી હવામાનની અંદર પલ્ટો આવશે 48 કલાકમાં વરસાદની શક્યતા રહેશે. મહેસાણાના ભાગો સાબરકાંઠાના ભાગો સાબરકાંઠાના ભાગો અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે