)
Delhi Blast: દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા ભીષણ કાર બ્લાસ્ટની તપાસ કરવામાં આવી છે. બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી કાર i-20 હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને આ કાર સલમાન નામના વ્યક્તિના નામ પર રજિસ્ટર્ડ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા કારના માલિક સલમાનને અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરી રહી છે.
જો કે, પૂછપરછ દરમિયાન સલમાને પોલીસને જણાવ્યું કે, તેણે આ કાર અન્ય કોઈ વ્યક્તિને વેચી દીધી હતી. આ કાર HR નંબરની હતી, જેનું રજિસ્ટ્રેશન 2014માં ગુરુગ્રામના સરનામે થયું હતું. સફેદ રંગની આ કારમાં CNG કિટ લાગેલી હતી.
દિલ્હીમાં થયેલ કાર બ્લાસ્ટની તપાસમાં ખૂબ જ ગંભીર અને સનસનાટીભર્યા ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ થયેલી હ્યુન્ડાઇ i-20 કાર ઘણી વખત વેચવામાં આવી હતી. પુલવામા કનેક્શન પણ બહાર આવી રહ્યું છે. વિસ્ફોટમાં 13 લોકોના મોત થયા છે અને 24 ઘાયલ થયા છે.
તપાસ એજન્સીઓએ જાણવા મળ્યું છે કે, આ i-20 કાર ઘણી વખત ખરીદવામાં આવી હતી અને વેચાઈ હતી. સૌથી ચિંતાજનક વાત એ છે કે, આ કાર પુલવામાના રહેવાસી તારિકને વેચવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કારની ખરીદી અને વેચાણમાં મોટા પાયે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે કારના અસલી માલિકની ઓળખ હજુ સુધી સ્પષ્ટ થઈ શકી નથી. આ બ્લાસ્ટના ષડયંત્રમાં સામેલ લોકોના હેતુઓ વિશે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
અગાઉ, એવા અહેવાલ હતા કે, આ કાર હરિયાણાના ગુરુગ્રામના રહેવાસી સલમાનની હતી, જેણે તેને વેચી હતી. આ કાર ગુરુગ્રામમાં રજિસ્ટર્ડ હતી.
RTOના રેકોર્ડ્સની મદદથી કારના વેચાણ અને હસ્તાંતરણ (transfer)ની કડીઓ જોડવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જેથી એ જાણી શકાય કે, બ્લાસ્ટના સમયે આ કાર કોના કબજામાં હતી અને તેનો અસલી માલિક કોણ છે.
પોલીસ ખાતરી કરવા માંગે છે કે, કારના વર્તમાન માલિકની ચોક્કસ ઓળખ થાય જેથી બ્લાસ્ટ પાછળના ષડયંત્ર નો પર્દાફાશ થાય અને સાચા ગુનેગારો સુધી પહોંચી શકાય.
13 લોકોના મોત, 24 લોકો ઘાયલ
નોંધનીય છે કે, લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 નજીક કારમાં બ્લાસ્ટ સાંજે 6 વાગીને 52 મિનિટે થયો હતો. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 24 લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
સૌથી મોટી વાત એ છે કે, જે જગ્યાએ બ્લાસ્ટ થયો, ત્યાં હંમેશાં ભીડ રહે છે. 8 વર્ષ પહેલાં 2017માં અહીં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનનું નિર્માણ થયું હતું અને ત્યારથી આ મેટ્રો સ્ટેશન પાસે ઓટો, ઈ-રિક્ષા અને અન્ય વાહનો ઊભા રહે છે. લોકો આ મેટ્રો સ્ટેશનથી બહાર નીકળીને આ જ ઈ-રિક્ષા અને ઓટો રિક્ષા દ્વારા ચાંદની ચોક કે ચાવડી બજાર તરફ જાય છે. મેટ્રો સ્ટેશનની નજીક બ્લાસ્ટ થવો મોટી ઘટના તરફ ઈશારો કરે છે.