)
Delhi Red Fort Blast : 10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા બોમ્બ વિસ્ફોટમાં પોલીસે એક મોટો સુરાગ શોધી કાઢ્યો છે. પોલીસે ફરીદાબાદથી લાલ રંગની ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર (નંબર DL10CK0458) જપ્ત કરી છે, જેના માટે અગાઉ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. આ કાર ખંડાવલી ગામ પાસે પાર્ક કરેલી મળી આવી હતી. પોલીસને એવી શંકા છે કે વિસ્ફોટમાં સંડોવાયેલા શંકાસ્પદોની આ કાર હોઈ શકે છે.
દિલ્હી પોલીસે મંગળવારે આ લાલ રંગની ઇકોસ્પોર્ટ કાર અંગે ચેતવણી જારી કરી હતી. પોલીસને શંકા હતી કે વિસ્ફોટના દિવસે શંકાસ્પદો પાસે કાર હતી. ત્યારબાદ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પાંચ પોલીસ ટીમો તેને શોધવામાં રોકાયેલી હતી. ફરીદાબાદ પોલીસે કાર્યવાહી કરી અને ખંડાવલી ગામ પાસે પાર્ક કરેલી કાર જપ્ત કરી અને ફોરેન્સિક તપાસ માટે તૈયારીઓ ચાલી રહી છે.
કાર બે માલિકોના નામે નોંધાયેલી હતી
તપાસમાં જાણવા મળ્યું કે આ ફોર્ડ ઇકોસ્પોર્ટ પહેલા પંકજ ગુપ્તાના નામે નોંધાયેલ હતી, જ્યારે હાલમાં તે ઉમર નબીના નામે નોંધાયેલ છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે કાર પંકજથી ઉમર સુધી કેવી રીતે ગઈ અને શું અન્ય કોઈ વ્યક્તિઓ કે નેટવર્કે તેનો ઉપયોગ કર્યો હતો.
છેલ્લે શ્રીનગરમાં સર્વિસ કરાવી
પોલીસ રેકોર્ડ મુજબ, કારની છેલ્લી સર્વિસ 2024માં શ્રીનગરમાં કરવામાં આવી હતી. આ માહિતીએ તપાસ એજન્સીઓમાં ચિંતા વધારી છે, કારણ કે તે સૂચવે છે કે વાહન કાશ્મીરથી દિલ્હી કોઈ નેટવર્ક દ્વારા લાવવામાં આવ્યું હોઈ શકે છે.
i20 સાથે શંકાસ્પદ ઇકોસ્પોર્ટ જોવા મળી
તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે વિસ્ફોટના દિવસે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક આ લાલ ઇકોસ્પોર્ટ i20 કાર સાથે જોવા મળી હતી. CCTV ફૂટેજમાં બંને વાહનોની ગતિવિધિઓ કેદ થઈ હતી, જેના કારણે વાહન શંકાસ્પદ યાદીમાં સામેલ થયું હતું. દિલ્હી પોલીસે ઉત્તર પ્રદેશ અને હરિયાણા પોલીસને પહેલાથી જ ચેતવણી આપી હતી.
10 નવેમ્બરના રોજ વિસ્ફોટ થયો હતો
10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. બધા ઘાયલોની LNJP હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.