)
Delhi Lal Qila Blast Before And After Video: સોમવારે સાંજે દિલ્હીના લાલ કિલ્લા પાસે સફેદ હ્યુન્ડાઇ 120 કારમાં થયેલા પ્રચંડ વિસ્ફોટથી સમગ્ર દેશ હચમચી ગયો. આઠ લોકો માર્યા ગયા અને 20 ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ આતંકવાદી હુમલો તરીકે કેસ નોંધ્યો છે. જે કારમાં વિસ્ફોટ થયો તેના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક શંકાસ્પદ વ્યક્તિ અંદર બેઠેલો દેખાય છે. શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ પણ આશ્ચર્યજનક છે. ત્યારે બ્લાસ્ટ સાથે જોડાયેલા પહેલા અને પછીના દ્રશ્યો દર્શાવતા 10 વીડિયો પર એક નજર કરીએ.
યુવક વીડિયો શૂટ કરી રહ્યો હતો અને અચાનક બ્લાસ્ટ થયો
લાલ કિલ્લા સુધી જવાનો રસ્તો સામાન્ય રીતે ભીડથી ભરેલો હોય છે. સાંજે, માર્કેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ ચાંદની ચોકમાં ફિલ્માંકન કરી રહ્યા છે. એક કન્ટેન્ટ ક્રિએટરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં વિસ્ફોટની ક્ષણ કેદ કરવામાં આવી છે. તે હંમેશની જેમ કન્ટેન્ટ બનાવી રહ્યો હતો ત્યારે અચાનક, થોડે દૂર, એક ધડાકો થયો. વિસ્ફોટ સાંભળીને લોકો ભાગવા માટે દોડી ગયા.
ડો.ઉમરનું નામ સામે આવ્યું
ડૉ. ઉમર, જેના પર આ વિસ્ફોટમાં હાથ હોવાની શંકા છે, તે ફરીદાબાદ મોડ્યૂલ સાથે સંકળાયેલો છે. જમ્મુ-કાશ્મીર પોલીસની વિશેષ ટીમો અને અન્ય એજન્સીઓ છેલ્લા કેટલાક દિવસોથી તેની શોધખોળ કરી રહી હતી.એ હજુ સુધી નિશ્ચિત થયું નથી કે તે દિલ્હી વિસ્ફોટમાં માર્યો ગયો હતો કે નહીં.
કારમાં સવાર હતો ડૉ. ઉમર મહોમ્મદ?
દિલ્હી બ્લાસ્ટમાં મહત્વની જાણકારી સામે આવી છે. બ્લાસ્ટ કેસમાં ડૉ. ઉમર મોહમ્મદનું નામ જોડાયુ છે. બ્લાસ્ટ થયેલી કારના સીસીટીવી બાદ જાણકારી મળી કે, ડૉ. ઉમર મહોમ્મદ કારમાં સવાર હતો. ઘટનાસ્થળે ડૉ.ઉમર મોહમ્મદ જ કાર લઈને આવ્યો હતો. સુરક્ષા એજન્સીએ કારમાં સવાર ઉમરની ઓળખ કરી છે. હવે કારમાંથી મળેલા મૃતદેહનો DNA ટેસ્ટ કરાશે. ડૉ. ઉમર અંદાજે અઢી કલાક પાર્કિગમાં કાર લઈને બેઠો હતો. એક સેકન્ડ માટે પણ ઉમર કારથી બહાર નીકળ્યો નહોતો. ડૉ. ઉમર તેના આકાઓથી સંકેત મળવાની રાહ જોતો હોવાની આશંકા છે.
ઉપયોગમાં લેવાયેલ વિસ્ફોટક અત્યંત શક્તિશાળી હતું
આ વિસ્ફોટને અત્યાધુનિક ગણવામાં આવી રહ્યો છે કારણ કે તેમાં ઘણી અદ્યતન ટેકનોલોજી અને સામગ્રીનું સંયોજન કરવામાં આવ્યું હોય તેવું લાગે છે. ઉપયોગમાં લેવાયેલ વિસ્ફોટક અત્યંત શક્તિશાળી હતું, જે ઓછી માત્રામાં પણ નોંધપાત્ર નુકસાન કરવા સક્ષમ હતું. ઉપકરણની ડિઝાઇનમાં ઇરાદાપૂર્વક ઇજા પહોંચાડવા માટે ફેલાતા ટુકડાઓનો સમાવેશ હતો. એવા પણ સંકેતો છે કે વિસ્ફોટ રિમોટ અથવા સેન્સર-આધારિત ટ્રિગર દ્વારા ચોક્કસ સમયે અને સ્થળે સેટ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટ પહેલાની ક્ષણોને જોડવા માટે સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ નેટવર્ક ડેટા એકત્ર કરવામાં આવી રહ્યા છે. નજીકના મોબાઇલ ટાવર્સના રેકોર્ડ્સ અને ડ્રોન પ્રવૃત્તિના સંભવિત સંકેતોની પણ તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે તમામ ફોરેન્સિક રિપોર્ટ્સ અને ડિજિટલ વિશ્લેષણ પૂર્ણ થશે ત્યારે સંપૂર્ણ સત્ય બહાર આવશે.
4 શંકાસ્પદની અટકાયત
દિલ્હીમાં બલાસ્ટ બાદ સુરક્ષા એજન્સીનું સતત એક્શનમાં છે. દિલ્હીમાંથી 4 શંકાસ્પદ લોકોની અટકાયત કરાઈ હોવાનું સૂત્રોનું કહેવું છે. બ્લાસ્ટ બાદ પહાડગંજ, દરિયાગંજની હોટલોમાં તપાસ કરાઈ છે. અલગ અલગ વિસ્તારોની હોટલ્સમાં રજિસ્ટરની તપાસ કરાઈ રહી છે. 4 લોકો પર શંકા જતા પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત પોલીસ દ્વારા એલર્ટ જાહેર
દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટ ઘટના અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટનું કારણ હજુ જાણી શકાયું નથી પરંતુ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં એલર્ટ માટે આદેશ આપવામાં આવ્યા છે. ખાસ કરીને મહાનગરો અને રાજ્યના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ તેમજ શહેર જિલ્લાના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર નાકાબંધી, વાહન ચેકીંગ, પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ પ્રેઝન્સ માટે તમામ શહેર જિલ્લા પોલીસના વડાઓને સૂચના આપવામાં આવી છે.
ગુજરાતની બોર્ડર પર એલર્ટ જાહેર
દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટના પગલે ગુજરાત અને કચ્છ બોર્ડર રેન્જ એલર્ટ પર છે. કચ્છ, પાટણ, બનાસકાંઠા જિલ્લાના વાઈટલ ઈન્સ્ટોલેશનની સુરક્ષા સઘન બનાવવા સૂચના અપાઈ. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયાએ આદેશ આદેશ આપ્યા કે, ક્રાઈમ બ્રાન્ચો અને SOGને તકેદારી રાખવા તાકીદ છે. ભુજ આવેલા RSS વડા મોહન ભાગવત સહિતના VVIPની મૂવમેન્ટની સિક્યોરીટી સઘન બનાવવા સૂચના: ચારે જિલ્લાના હેડ ક્વાર્ટરમાંથી વધારાનો પોલીસ સ્ટાફ તૈનાત કરવા સૂચનાઃ મહત્વના પોઈન્ટ પર કડક નાકાબંધી કરાઈ.
ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર ચુસ્ત ચેકિંગ
દિલ્હીમાં થયેલ બોમ્બ બ્લાસ્ટને પગલે તાપી જિલ્લામાં પણ ચેકિંગ હાથ ધરાયું છે. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર બોર્ડર નજીક ઉચ્છલ અને સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. તાપી જિલ્લાની ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર સુરક્ષાના ભાગ રૂપે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
સુરત શહેર હાઈ એલર્ટ મોડમાં
મોડી રાત્રે પેટ્રોલીગ સાથે કારની તપાસ હાથ ધરાઈ છે. વહેલી સવારથી જ રેલવે અને બસ સ્ટેશન પર તપાસ હાથ ધરાઈ છે. ડીસીપી, એસીપી અને પીઆઇ સહિતના કાફલા સાથે તપાસ હાથ ધરાઈ છે. દરેક મુસાફરોની બેગ પણ તપાસ હાથ ધરાઈ. સંદિગ્ધ ચીજવસ્તુ અને વ્યક્તિની પણ તપાસ હાથ ધરાઈ છે. શંકાસ્પદ વ્યક્તિના પુરાવા ચેક કરવામાં આવી રહ્યાં છે.
શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો જાણ કરવી
દિલ્હીમાં કારમાં થયેલ બ્લાસ્ટને પગલે પાટણમાં એલર્ટ છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં પોલીસ દ્વારા સગન ચેકિંગ હાથ ધરાયું છે. પોલીસે વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. પોલીસ દ્વારા રેલ્વે સ્ટેશન બસ સ્ટેન્ડ હોટલો ભીડભાળવાળી જગ્યાઓમાં ચેકિંગ હાથ ધર્યું છે. હાઇવે માર્ગો ઉપર વાહનોનું ચેકિંગ કર્યું. એલસીબી, એસઓજી, ડોગ સ્કોર્ડ, બૉમ્બ સ્કોર્ડ સહિતની ટીમોએ અલગ અલગ સ્થળો પર પેટ્રોલિંગ હાથ ધર્યું. શંકાસ્પદ ગતિવિધિ જણાય તો પોલીસને જાણ કરવા નાગરિકોને અપીલ કરાઈ.