)
Assam News: ભલે આપણા દેશમાં ડોક્ટરોને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે, પરંતુ ઘણી વખત ઘણા ડોક્ટરો એવા કામ કરે છે કે આપણે તેમના પરથી વિશ્વાસ ગુમાવી દઈએ છીએ. તાજેતરમાં આસામમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જે સમગ્ર ડોક્ટર સમુદાયને બદનામ કરી રહ્યો છે. મળતી માહિતી મુજબ, આસામના કચરમાં એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા 28 વર્ષીય યુવકનો પ્રાઇવેટ પાર્ટ એક ડોક્ટરે કાપી નાખ્યો હતો.
સંક્રમણની સારવાર કરાવવા ગયો હતો અતીક
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મણિપુરના જિરીબામના રહેવાસી અતીકુર્રહમાન નામના વ્યક્તિએ આરોપ લગાવ્યો કે તેનો પ્રાઇવેટ પાર્ટ ડોક્ટરે તેની મંજૂરી વગર કાપી નાખ્યો. કહેવામાં આવી રહ્યું છે કે અતીક 19 જૂને હોસ્પિટલમાં જનનાંગોમાં સંક્રમણની ફરિયાદ લઈને ગયો હતો. અહીં ડોક્ટરે તેને બાયોપ્સી ટેસ્ટ કરાવવાની સલાહ આપી, જે માટે તે રાજી થઈ ગયો અને ટેસ્ટ કરાવ્યો. પરંતુ જ્યારે તે ટેસ્ટ બાદ ભાનમાં આવ્યો અને જોયું તો તેનું જનનાંગ નહોતું, કારણ કે ડોક્ટરે તેને કાઢી નાખ્યું હતું.
ડોક્ટરે કોઈ જવાબ ન આપ્યો
અતીકે કહ્યુ કે ડોક્ટર તેની મંજૂરી વગર જનનાંગ કાઢે છે, જ્યારે તેને જણાવવામાં આવ્યું કે માત્ર બાયોપ્સી ટેસ્ટ કરવાનો છે. આ વિશે જ્યારે અતીકે ડોક્ટરને પૂછ્યું તો યોગ્ય જવાબ ન આપ્યો અને હવે ડોક્ટર ગાયબ છે, ફોન પણ ઉપાડી રહ્યાં નથી. આ ઘટના બાદ અતીકે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે અને અસમના મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમા પાસે આ મામલામાં દખલ આપવાની અપીલ કરી છે.
ડોક્ટર અને હોસ્પિટલ જવાબ આપી રહ્યાં નથી
અતીકનું કહેવું છે કે ડોક્ટરની આ હરકત બાદ મારૂ તો જીવન બરબાદ થઈ ગયું છે અને હું ખરાબ માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું. આ વિશે ન ડોક્ટર જવાબ આપી રહ્યાં છે અને ન હોસ્પિટલ જવાબદારી લઈ રહી છે. એક રિપોર્ટ પ્રમાણે હોસ્પિટલ અને ડોક્ટર તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. સાથે પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને આરોપી ડોક્ટરને શોધી રહી છે.