)
ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ પદની કમાન સંભાળી છે ત્યારથી વૈશ્વિક સ્તરે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. અનેક દેશો પર ટેરિફ બોમ્બ ઝીંકાયા છે, વેનેઝુએલા પર સૈન્ય કાર્યવાહી થઈ અને હવે ઈરાન લપેટામાં આવ્યું છે. ઈરાનમાં હાલ વિરોધનો વંટોળ ફેલાયો છે. ઈરાની સરકાર દ્વારા દમનના આરોપો વચ્ચે અમેરિકાએ પોતાના નાગરિકોને તાબડતોબ ઈરાન છોડવા પણ જણાવ્યું છે. અમેરિકી સરકારે વધુ એક ટેરિફની જાહેરાત કરી છે અને આ નિર્ણય ભારત પર ભારે અસર કરી શકે છે. નવા નિર્ણય મુજબ ઈરાન સાથે જે દેશ વેપાર કરશે તેમના પર 25 ટકા વધારાનો ટેરિફ લાગશે. ઈરાનને તોડવા માટે ટ્રમ્પે આ હથિયાર ઉગામ્યું છે.
ટ્રમ્પના ટેરિફ બોમ્બથી ભારતને મોટો ફટકો
ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરતા દેશો પર વધારાનો 25 ટકા ટેરિફ લગાવ્યો છે. એટલું જ નહીં તત્કાળ પ્રભાવથી લાગૂ પણ કરાયો છે. એટલે કે હવે જે દેશ ઈરાન સાથે વેપાર કરશે તેના પર 25 ટકા વધારાનો ટેરિફ લાગશે. ઈરાનમાં જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તેમાં અત્યાર સુધીમાં 600થી વધુ લોકોના જીવ ગયા છે. ઈરાનને નબળું પાડવા માટે અમેરિકી સરકારે આ નિર્ણય લીધો છે. રોયટર્સના રિપોર્ટ મુજબ ઈરાન સાથે વેપાર કરનારા મુખ્ય દેશોમાં ચીન, યુએઈ અને ભારત સામેલ છે. એટલે કે અમેરિકાના આ નિર્ણયની સીધી અસર ભારતને થશે. ભારત અને ઈરાન વચ્ચે વર્ષો જૂના સંબંધ છે. બંનેના આર્થિક સંબંધ પણ મજબૂત છે. 1950ની ટ્રીટી બાદથી બંને દેશો વચ્ચેના સંબંધ મજબૂત થયા. ચાબહાર પોર્ટથી બંને દોશો વચ્ચે અબજોનો વેપાર થાય છે.
શું ભારત પર 75 ટકા ટેરિફ?
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરતા દેશો પર વધારાનો 25 ટકા ટેરિફ લગાવ્યો છે. ભારત પર આ સાથે કુલ 75 ટકા ટેરિફ થઈ ચૂક્યો છે કારણે ભારત પર પ્રથમ તો રેસિપ્રોકલ ટેરિફ 25 ટકા ટેરિફ, રશિયા સાથે ઓઈલ વેપારનું ફળ બીજા 25 ટકા ટેરિફ અને ઈરાન સાથે પણ ભારતનો વેપાર હોવાથી બીજો 25 ટકા ટેરિફ પણ હવે લાગી શકે છે. ઈરાન ભારતનો મોટો ટ્રેડ પાર્ટનર છે.
ભારત ઈરાન વચ્ચે કેવો છે વેપાર
ભારત અને ઈરાન વચ્ચે બહોળો વેપાર ચાલે છે. ભારત ઈરાનનો પાંચમો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર છે. ભારત ઈરાનને બાસમતી ચોખા, ચા, ખાંડ, ફળ, દવાઓ, સોફ્ટ ડ્રિંક્સ, બોનલેસ મીટ, દાળ જેવા ઉત્પાદનો વેચે છે. જ્યારે ઈરાન એસાઈક્લિક આલ્કોહોલ ડેરિવેટિવ્સ, પેટ્રોલિયમ ગેસ, પેટ્રોલિયમ કોક, પેટ્રોલિયમ બિટુમેન, સેચ્યુરેટેડ મેથેનોલ, પેટ્રોલિયમ, સફરજન, લિક્વિપાઈડ પ્રોપેન, સૂકોમેવો, બદામ, ઓર્ગેનિક કેમિકલ વગેરે ભારતને વેચે છે. નાણાકીય વર્ષ 2022-23નાં આંકડા જોઈએ તો ભારત અને ઈરાન વચ્ચે 2.33 અબજ ડોલરનો વેપાર થયો હતો. વાર્ષિક રીતે 21.76%YOY નો વધારો થયો છે. આ દરમિયાન ભારતે ઈરાનને 1.66 અબજ ડોલરની નિકાસ કરી જ્યારે 672.12 મિલિયન ડોલરની આયાત કરી. એટલે કે ઈરાન પર ટેરિફ લગાવીને ટ્રમ્પે ભારતને મોટો ઝટકો આપ્યો છે. ઈરાન સાથે વેપાર કરવા પર ભારતે હવે 75 ટકા ટેરિફનો સામનો કરવો પડી શકે છે.