VIDEO: મેરઠમાં ધોળે દિવસે માતા-પુત્રની હત્યા, મર્ડરની ઘટના સીસીટીવીમાં કેદ
પોલીસ પ્રશાસને આ મામલે પરતાપુર વિસ્તારના ઈન્સ્પેક્ટર સહિત 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી નાખ્યા છે. પિતાની હત્યાના કેસમાં માતા-પુત્ર આજે એટલે કે 25મી જાન્યુઆરીએ કોર્ટમાં જુબાની આપવાના હતાં.
મેરઠ: યુપીમાં જાણે કાયદો અને વ્યવસ્થાનું નામોનિશાન ન હોય તેવું જોવા મળ્યું છે. બદમાશોએ બુધવારે સોરખા ગામમાં ધોળે દિવસે માતા અને પુત્રને ગોળીઓથી વિંધી નાખ્યાં. આ સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ. ત્રણ હુમલાખોરોએ આ ડબલ મર્ડરને અંજામ આપ્યો. પોલીસ પ્રશાસને આ મામલે પરતાપુર વિસ્તારના ઈન્સ્પેક્ટર સહિત 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી નાખ્યા છે. પિતાની હત્યાના કેસમાં માતા-પુત્ર આજે એટલે કે 25મી જાન્યુઆરીએ કોર્ટમાં જુબાની આપવાના હતાં. જુબાની આપવા બદલ આરોપીઓએ તેમને અંજામ ભોગવવાની ધમકી પણ આપી હતી.
જૂની અદાવતમાં થઈ હત્યા
પોલીસે જણાવ્યું કે મૃતક સપાના સ્થાનિક નેતા છે. ચૂંટણી અદાવતમાં ઓક્ટોબર 2016માં પરિવારના મોભીની પણ હત્યા કરી દેવાઈ હતી. માતા પુત્ર આ હત્યા અંગે આજે જુબાની આપવાના હતાં. પોલીસના જણાવ્યાં અનુસાર ગામ સોરખાનિવાસી 28 વર્ષના બલમેન્દ્ર ઉર્ફે ભોલુ સવારે 11 વાગ્યે પોતાની સ્વિફ્ટ કારથી મેરઠ જઈ રહ્યો હતો. બદમાશોએ તેની કાર રોકાવી અને તેના પર ગોળીઓનો વરસાદ કરી નાખ્યો. ભોલુનુંઘટનાસ્થળે જ મોત થયું. જ્યારે ઘરની બહાર ખાટલામાં બેઠેલી ભોલુની 60 વર્ષની વયોવૃદ્ધ માતા નિછત્તર કૌરની પણ ગોળી મારીને હત્યા કરી દેવાઈ. પોલીસે આ હત્યાકાંડમાં એક આરોપીની ધરપકડ કરી છે. આખી ઘટના ઘરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ. અન્ય આરોપીઓની ધરપકડ માટે દરોડા પાડવામાં આવી રહ્યાં છે.
ત્રણ બદમાશોએ મહિલા પર વરસાવી ગોળીઓ
પોલીસે જણાવ્યું કે બુધવારની સવારે લગભગ 11.30 વાગ્યે નિછત્તર કૌર ઘરના આંગણામાં ખાટલામાં બેઠી હતી. આ દરમિયાન બદમાશો આવ્યાં અને તેના પર ફાયરિંગ કર્યું. સીસીટીવીના ફૂટેજમાં જોઈ શકાય છે કે ઘરના આંગણામાં બે મહિલાઓ બેઠી હતી. ત્યારે અચાનક એક બદમાશ આવે છે અને એક મહિલા પર ફાયરિંગ કરે છે. ત્યારબાદ તેની સાથે આવેલા બીજા બે બદમાશો પણ મહિલા પર ફાયરિંગ કરે છે. મહિલા પર 10થી વધુ ફાયરિંગ થયું હોવાનું જોઈ શકાય છે.