)
બેંગલુરૂઃ ઓનલાઈન ગેમિંગ પર કાયદો બનતા જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ ઓનલાઈન સટ્ટાબાજી અને ગેમિંગ રેકેટ પર એક્શન લેતા કર્ણાટકના ચિત્રદુર્ગથી ધારાસભ્ય કેસી વીરેન્દ્રની ગંગટોકથી ધરપકડ કરવામાં આવી છે. સૂત્રો પ્રમાણે કેન્દ્રીય એજન્સીએ 31 જગ્યાએ દરોડો પાડ્યા હતા, જેમાં બેંગલુરૂ, ચિત્રદુર્ગ, મુંબઈ, ગોવા અને ગંગટોક સામેલ છે. ગોવાના પાંચ મોટા કસિનો પર પણ દરોડા પાડ્યા હતા.
દરોડા દરમિયાન 12 કરોડ રૂપિયા રોકડા (જેમાં 1 કરોડની વિદેશી કરન્સી), 6 કરોડનું સોનું, 10 કિલો ચાંદી અને 4 લક્ઝરી કાર મળી છે. સાથે 17 બેંક ખાતા અને 2 લોકરને ફ્રીઝ કરવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે ધારાસભ્ય અને તેના ભાઈ ઓનલાઈન બેટિંગ સાઇટ્સ King567 અને Raja567 ચલાવી રહ્યાં હતા. દુબઈની કંપનીઓ દ્વારા નાણાકીય વ્યવહાર કરવામાં આવતો હતો અને ગેરકાયદેસર કમાણીને સફેદ દેખાડવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. ગંગટોકમાં ધારાસભ્ય એક કસિનો લીઝ પર લેવા પહોંચ્યા હતા. ત્યારે ઈડીએ તેને દબોચી લીધા હતા. હવે તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર બેંગલુરૂ કોર્ટ લઈ જવામાં આવી રહ્યાં છે.
The Enforcement Directorate today arrested KC Veerendra, Karnataka's MLA from Chitradurga constituency, from Gangktok in connection with illegal online and offline betting case and recovered amount of approximately Rs 12 crore in cash, including approximately one crore in foreign… pic.twitter.com/HXpF1auWlD
— ANI (@ANI) August 23, 2025
PMLA હેઠળ કાર્યવાહી
સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી. વીરેન્દ્ર પપ્પી ચિત્રદુર્ગ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઓનલાઈન સટ્ટાબાજી અને ગેમિંગના સંદર્ભમાં ધારાસભ્ય અને કેટલાક અન્ય લોકોના પરિસરની શોધખોળ કરવામાં આવી રહી છે.
ગોવામાં આ કેસિનો પર કાર્યવાહી
ગોવામાં ED એ જે કેસિનોમાં કાર્યવાહી કરી છે તેમાં પપ્પી'સ કેસિનો ગોલ્ડ, ઓશન રિવર્સ કેસિનો, પપ્પી'સ કેસિનો પ્રાઇડ, ઓશન 7 કેસિનો અને બિગ ડેડી કેસિનોનો સમાવેશ થાય છે. માહિતી અનુસાર, કોલ સેન્ટર અને ગેમિંગ વ્યવસાય દુબઈથી ત્રણ કંપનીઓ - ડાયમંડ સોફ્ટેક, TRS ટેક્નોલોજી અને પ્રાઇમ9 ટેક્નોલોજી દ્વારા ચલાવવામાં આવી રહ્યો હતો.
બિઝનેસ ટ્રિપ પર ગંગટોક પહોંચ્યા હતા ધારાસભ્ય
ઈડીની ટીમને જાણવા મળ્યું કે KC વીરેન્દ્ર પોતાના સાથીઓની સાથે ગંગટોક બિઝનેસ ટ્રિપ પર ગયા હતા. જ્યાં તે જમીન લીઝ પર લઈ નવો કસિનો ખોલવાની તૈયારી કરી રહ્યાં હતા. આ દરમિયાન 23 ઓગસ્ટે તેની ધરપકડ કરવામાં આવી અને પછી ન્યાયિક મેજિસ્ટ્રેટની સામે રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ લેવામાં આવ્યા જેથી બેંગલુરૂ કોર્ટમાં રજૂ કરી શકાય.
દસ્તાવેજો અને ડિજિટલ રેકોર્ડ મળ્યા
ED ને દરોડા દરમિયાન આવા ઘણા દસ્તાવેજો અને ડિજિટલ રેકોર્ડ મળ્યા છે. જે પૈસાની હેરાફેરી અને મની લોન્ડરિંગના મોટા નેટવર્કનો ખુલાસો કરે છે. એજન્સી હવે તપાસ કરી રહી છે કે સટ્ટાબાજીમાંથી કમાયેલા પૈસાથી કયા વ્યવસાયો અને મિલકતોનું રોકાણ કરવામાં આવ્યું હતું. કેસની તપાસ ચાલી રહી છે. ED ની આગળની તપાસમાં ઘણા મોટા ખુલાસા થવાની અપેક્ષા છે.