)
S Jaishankar Russia Visit: વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન તેમણે બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારના મહત્વ પર ભાર મૂક્યો હતો. એસ. જયશંકર આ પહેલા રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લાવરોવ સાથે પણ મુલાકાત કરી છે. વિદેશ મંત્રીનો રશિયા પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે, જ્યારે અમેરિકાએ રશિયા પાસેથી કાચા માલ ખરીદવા માટે ભારત પર કુલ 50 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. રશિયામાં જયશંકરના નિવેદનોથી અમેરિકાને સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે, ભારત ટ્રમ્પની ટેરિફ નીતિઓ સામે ઝૂકશે નહીં અને અમેરિકા ભારત-રશિયા સંબંધોમાં અંતર પણ બનાવી શકશે નહીં.
રશિયાના વિદેશ મંત્રી સાથેની મુલાકાત દરમિયાન એસ. જયશંકરે કહ્યું કે, ભારત અને રશિયા વચ્ચેના સંબંધો બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાની સૌથી મહત્વપૂર્ણ ભાગીદારીમાંથી એક છે. બન્ને દેશોએ સંતુલિત અને ટકાઉ રીતે તેમના દ્વિપક્ષીય વેપારને વધારવાનો સંકલ્પ કર્યો છે. ભારત અને રશિયાએ ટેરિફ સંબંધિત અવરોધો અને રૂકાવટોને ઝડપથી દૂર કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે. આ પહેલા એસ. જયશંકર આ વર્ષના અંતમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત પહેલા મંગળવારે મોસ્કો પહોંચ્યા હતા.
બીજા વિશ્વયુદ્ધ પછી ભારત-રશિયા સંબંધ સૌથી સ્થિર
રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લાવરોવની સાથે મિટિંગ બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે, "અમારું માનવું છે કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના સૌથી ગતિશીલ સંબંધોમાંના એક રહ્યા છે." તેમણે કહ્યું કે, "ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ, જાહેર ભાવના અને નેતૃત્વ સંપર્કો મુખ્ય પ્રેરક પરિબળો રહેશે." તેમણે ઉમેર્યું.
જયશંકરે અમેરિકાને આપ્યો સ્પષ્ટ જવાબ
વધુમાં એક પ્રશ્નનો જવાબ આપતાં જયશંકરે અમેરિકાને યોગ્ય જવાબ આપ્યો છે. રશિયાના તેલની ખરીદી પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ સંબંધિત એક પ્રશ્નના જવાબમાં જયશંકરે કહ્યું કે, ભારત રશિયાના તેલનો સૌથી મોટો આયાતકાર નથી અને તેથી અમેરિકાની દલીલોનો કોઈ અર્થ નથી. તેમણે કહ્યું કે, "અમે રશિયા પાસેથી તેલના સૌથી મોટા ખરીદદાર નથી, ચીન છે. અમે રશિયા પાસેથી સૌથી વધુ LNG પણ ખરીદતા નથી. કદાચ યુરોપિયન યુનિયન આમાં આગળ છે."
જયશંકરે વધુમાં કહ્યું કે, અમેરિકાએ પોતે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતને રશિયાના તેલ ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યું હતું. તેમણે કહ્યું કે, "અમેરિકનો પોતે છેલ્લા કેટલાક વર્ષોથી અમને કહી રહ્યા છે કે આપણે વૈશ્વિક ઉર્જા બજારને સ્થિર રાખવા માટે શક્ય તેટલું બધું કરવું જોઈએ, જેમાં રશિયા પાસેથી તેલ ખરીદવાનો પણ સમાવેશ થાય છે. અમે અમેરિકા પાસેથી પણ તેલ ખરીદીએ છીએ અને તે માત્રામાં પણ વધારો થયો છે. આવી સ્થિતિમાં અમને ખરેખર સમજાતું નથી કે આ દલીલ શા માટે આપવામાં આવી રહી છે."