ચારા કૌભાંડ: દુમકા કોષાગાર મામલે લાલૂને 14 વર્ષ જેલની સજા, 60 લાખનો દંડ

લાલૂના વકીલ પ્રભાત કુમારે જણાવ્યું કે બે અલગ અલગ કલમો અંતર્ગત 7-7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.

Updated By: Mar 24, 2018, 12:50 PM IST
ચારા કૌભાંડ: દુમકા કોષાગાર મામલે લાલૂને 14 વર્ષ જેલની સજા, 60 લાખનો દંડ

રાંચી: ચારા કૌભાંડના ચોથા કેસમાં રાંચીની એક વિશેષ સીબીઆઈ કોર્ટે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલૂ પ્રલાદ યાદવને સજા સંભળાવી. કોર્ટે લાલૂને 7-7 વર્ષની જેલની સજા અને કુલ 60 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો આ દંડ ભરવામાં ન આવે તો એક વર્ષ વધુ જેલવાસ ભોગવવા જણાવવામાં આવ્યું છે.  કોર્ટે આ મામલે લાલુને 19 માર્ચના રોજ દોષિત ઠેરવ્યાં હતાં. ત્યારબાદ 21,22 અને 23 માર્ચના રોજ લાલૂની સજા પર ચર્ચા થઈ હતી.  આ જ મામલે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યાં છે. ન્યાયાધીશ શિવપાલ સિંહે ડિસેમ્બેર 1995થી જાન્યુઆરી 1996 સુધીના દુમકા કોષાગારથી બનાવટી રીતે 3.13 કરોડ રૂપિયા કાઢવાના મામલે આ ચુકાદો આપ્યો.

લાલૂને બે અલગ અલગ કલમો હેઠળ 14 વર્ષની સજા, 60 લાખનો દંડ

ચારા કૌભાંડના ચોથા કેસમાં આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવને સીબીઆઈની વિશેષ કોર્ટે કુલ 14 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે જ 60 લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે. લાલૂ પ્રસાદ હાલ રિમ્સ હોસ્પિટલમાં દાખલ છે. લાલૂના વકીલ પ્રભાત કુમારે જણાવ્યું કે બે અલગ અલગ કલમો અંતર્ગત 7-7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. જો કે કુલ 14 વર્ષની જેલની સજા પર તેમણે કહ્યું કે હજુ ચુકાદાની કોપી મળી નથી. ચુકાદાની કોપી મળ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે કે જો આ અલગ અલગ સજા હશે તો કુલ 14 વર્ષની સજા હશે કે નહીં.

બીજી બાજુ કોર્ટમાં હાજર વકીલ વિષ્ણુકુમાર શર્માએ મીડિયાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આ મામલે 2 અલગ અલગ કલમો અંતર્ગત લાલૂ પ્રસાદ યાદવને સજા થઈ છે. કુલ 7-7 વર્ષ એમ 14 વર્ષની સજા થઈ છે. તેમણે સ્પષ્ટતા કરી કે એક સજા પૂરી થયા બાદ બીજી સજા શરૂ થશે.

19 દોષિત જાહેર અને 12નો છૂટકારો
ચારા કૌભાંડના દુમકા કોષાગારમાંથી 3 કરોડ 13 લાખ રૂપિયાના ગબનના મામલે 31 લોકો સામે સીબીઆઈની વિશેષ કોર્ટનો ચુકાદો સોમવારે 19 માર્ચના રોજ બપોર બાદ આવ્યો હતો. જેમાં સીબીઆઈની વિશેષ કોર્ટના જજ શિવપાલ  સિંહે જ્યાં લાલુ સહિત 19ને દોષિત જાહેર કર્યાં ત્યાં પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા, પૂર્વ ધારાસભ્ય ધ્રુવ ભગત, પૂર્વ સાંસદ જગદીશ શર્મા, પૂર્વ મંત્રી વિદ્યાસાગર નિષાદ, પૂર્વ ધારાસભ્ય આર કે રાણા સહિત 12 લોકોને પુરાવાના અભાવે છોડી મૂકવાના આદેશ આપ્યા હતાં.

24 જાન્યુઆરીના રોજ ચાઈબાસા કોષાગાર મામલે સજાનો આવ્યો હતો ચુકાદો
આ અગાઉ આ જ વર્ષ 24 જાન્યુઆરીના રોજ લાલૂ પ્રસાદ અને જગન્નાથ મિશ્રાને સીબીઆઈની ખાસ કોર્ટે ચાઈબાસા કોષાગારમાંથી 35 કરોડ 62 લાખ રૂપિયાના ગબન કરવાના ચારા કૌભાંડના એક અન્ય મામલે દોષિત ઠેરવતા પાંચ-પાંચ વર્ષ સશ્રમ કારાવાસ તથા ક્રમશ દસ લાખ તથા પાંચ લાખ રૂપિયા દંડની સજા કરી હતી. સીબીઆઈની વિશેષ કોર્ટે ચારા કૌભાંડના ચાઈબાસા મામલામાં કુલ 50 આરોપીઓને દોષિત ઠેરવીને સજા સંભળાવી હતી.

6 જાન્યુઆરીના રોજ દેવઘર કોષાગાર મામલે સજા સંભાળાવવામાં આવી
રાંચીની એક વિશેષ સીબીઆઈ કોર્ટે 950 કરોડ રૂપિયાના ચારા કૌભાંડમાં દેવઘર કોષાગારમાંથી 8927000ના ગેરકાયદેસર ઉપાડ મામલે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદને સાડા ત્રણ વર્ષની કેદ અને દસ લાખના દંડની સજા સંભળાવી હતી. કોર્ટે લાલૂના બે પૂર્વ સહયોગીઓ લોક લેખા સમિતિના તત્કાલિન અધ્યક્ષ જગદીશ શર્માને પણ સાત વર્ષની કેદ અને વીસ લાખ રૂપિયાના દંડ તથા બિહારના પૂર્વ મંત્રી આર કે રાણાને સાડા ત્રણ વર્ષની કેદ અને દસ લાખના દંડની સજા સંભળાવી હતી.

1996માં થયો હતો પહેલો કેસ
ચારા કૌભાંડમાં પહેલીવાર 1996માં મામલો દાખલ થયો હતો. તે સમયે 49 આરોપીઓ હતા. કેસ ચાલી રહ્યો હતો તે દરમિયાન 14 લોકોના મોત થઈ ગયાં. કોર્ટે સોમવારે 31 આરોપીઓમાંથી 19ને દોષિત ગણાવ્યાં અને 12ને છોડી મૂક્યાં. લાલૂ પ્રસાદને વર્ષ 2013માં ચારા કૌભાંડના પહેલા કેસમાં પાંચ વર્ષની જેલની સજા થઈ હતી. તેમને 23 ડિસેમ્બર 2017ના રોજ બીજા મામલામાં પણ દોષિત ઠેરવવામાં આવ્યાં હતાં અને સાડા ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. જ્યારે ત્રીજા કેસમાં 24 જાન્યુઆરીના રોજ પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી. વર્ષ 2000માં બિહારથી ઝારખંડ અલગ થયા બદા ચારા કૌભાંડ સંબંધિત તમામ કેસોને રાંચી ટ્રાન્સફર કરી દેવાયા હતાં.