)
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિથી લઈને તેના ટ્રેડ ગુરુઓ સુધી ભારત વિરુદ્ધ ગમે તે બોલે, અમેરિકા ભારત વિરુદ્ધ 50 ટકા ટેરિફ કેમ ન લગાવી દે. ભારત ચીનની સાથે પોતાના સંબંધ ગમે એટલા કેમ ન સુધારી લે. આ તમામ વાતો છતાં ભારત માટે ચીનથી વધુ જરૂરી અમેરિકા છે. તેના કારણ પણ છે. 50 ટકા ટેરિફ લગાવ્યા છતાં ઓગસ્ટ મહિનામાં ભારતનો સૌથી વધુ ટ્રેડ ચીન, રશિયા કે પછી યુરોપની સાથે નહીં પરંતુ અમેરિકા સાથે રહ્યો. તે પણ ત્યારે જ્યારે જુલાઈના મુકાબલે ભારતની નિકાસ અમેરિકામાં આશરે 14 ટકા ઓછી જોવા મળી છે. તો પાછલા વર્ષના સમયગાળાના મુકાબલે એક્સપોર્ટમાં 7 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. ખાસ વાત છે કે ભારતની સાથે ટ્રેડના મામલામાં ચીનની સ્થિતિ યુએઈ અને નેધરલેન્ડથી પણ ઓછી જોવા મળી છે. આવો તમને જણાવીએ કે આખરે ભારત સરકાર તરફથી કયા પ્રકારના આંકડા રજૂ કરવામાં આવ્યા છે.
ઓગસ્ટમાં ભારતની અમેરિકામાં નિકાસ
અમેરિકી વહીવટીતંત્રે ઓગસ્ટમાં ભારતીય ઉત્પાદનો પર 50 ટકા ડ્યુટી લાદ્યા બાદ, ભારતની અમેરિકામાં નિકાસ માસિક ધોરણે લગભગ 14 ટકા ઘટીને 6.86 અબજ ડોલર થઈ ગઈ. સોમવારે વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ઓગસ્ટ 2025ના વેપાર ડેટા અનુસાર, જુલાઈની સરખામણીમાં ભારતની અમેરિકામાં નિકાસ લગભગ 14 ટકા ઘટી ગઈ. જુલાઈ મહિનામાં ભારતે અમેરિકાને આઠ અબજ ડોલરની નિકાસ કરી. માસિક ધોરણે નિકાસમાં ઘટાડો થવા છતાં, અમેરિકા વાર્ષિક ધોરણે ભારતનું સૌથી મોટું નિકાસ સ્થળ રહ્યું. આ વખતે ઓગસ્ટ 2024ની સરખામણીમાં અમેરિકામાં નિકાસમાં 7.15 ટકાનો વધારો થયો છે.
ચીન કરતા મહત્વનું છે અમેરિકા
જેમ અમે કહ્યું કે અમેરિકા ભારત માટે ચીનથી વધુ મહત્વનું છે. આ માત્ર વાતો નથી. સરકારી આંકડા તેનો પૂરાવો આપી રહ્યાં છે. ભારત માટે એક્સપોર્ટ ડેસ્ટિનેશનના મામલામાં ચીન બીજા કે ત્રીજા નંબર પર નહીં પરંતુ ચોથા સ્થાને છે. ઓગસ્ટ મહિનામાં ભારતે ચીનને 1.21 અજબ ડોલરનું એક્સપોર્ટ કર્યું છે. જે અમેરિકા સામે કંઈ નથી. પરંતુ યુએઈને ઓગસ્ટમાં 3.24 અબજ ડોલર અને નેધરલેન્ડને 1.83 અબજ ડોલરનું એક્સપોર્ટ કર્યું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વસ્તુઓ પર બે તબક્કામાં ટેરિફ વધાર્યો હતો. પહેલા 7 ઓગસ્ટથી 25 ટકા અને પછી 27 ઓગસ્ટથી 25 ટકા એડિશનલ ટેરિફ લગાવ્યો હતો.
ચીનથી થયું મોટું નુકસાન
તેનાથી વિપરીત, આયાત મોરચે ભારતની ચીન પર નિર્ભરતા સ્પષ્ટપણે દેખાય છે. ઓગસ્ટ મહિનામાં, ભારતે ચીનને એક અબજ ડોલરથી થોડી વધુ કિંમતની વસ્તુઓની નિકાસ કરી હોવા છતાં, આયાત 10.9 અબજ ડોલરની હતી. આનો અર્થ એ થયો કે ભારતને ચીનથી વેપારની દ્રષ્ટિએ સૌથી વધુ નુકસાન સહન કરવું પડ્યું. જે 9.69 અબજ ડોલર છે. ભારતે રશિયા પાસેથી 4.83 અબજ ડોલરની વસ્તુઓ પણ ખરીદી છે. તે જ સમયે, UAE સાથે ભારતની વેપાર ખાધ એક અબજ ડોલરથી વધુ છે. ઓગસ્ટમાં, ભારતે UAE થી 4.66 અબજ ડોલરની વસ્તુઓની આયાત કરી હતી. જ્યારે ભારતને અમેરિકાથી લગભગ 4 અબજ ડોલરનો ફાયદો થયો છે. કારણ કે ભારતે નિકાસની તુલનામાં અમેરિકાથી આયાત ઘટાડી છે. ઓગસ્ટમાં, અમેરિકાથી ભારતની આયાત 3.6 અબજ ડોલર હતી. તે જ સમયે, સાઉદી અરેબિયાથી ભારતની આયાત 2.52 અબજ ડોલર હતી.