)
યુવાન વયના સુભાષ ચંદ્રાએ જ્યારે તેમનો કૌટુંબિક વ્યવસાય છોડીને પોતાની જાતે નવું સાહસ કરવાનું નક્કી કર્યું હતું ત્યારે કુટુંબના વડીલોને નવાઈ લાગી હતી. સુભાષ ચંદ્રા પાસે તેમના નિર્ણયને સમર્થન આપી શકે તેવું આમ જોવા જઈએ તો કશું હતું નહીં. તેમની પાસે શૈક્ષણિક લાયકત કે રોકાણ કરવા માટે પૂરતા પૈસા પણ ન હતા. ઉપરથી તેઓ જે ક્ષેત્રમાં પ્રવેશવા ઇચ્છતા હતા તેના માટેની કોઈ બૌદ્ધિક કુશળતા પણ ન હતી. ત્યારે એ મોટો સવાલ ઊભો થતો હતો કે સુભાષ ચંદ્રાના અત્યંત નવા ક્ષેત્રમાં પ્રવેશ મેળવીને સફળ થવાનાં સ્વપ્નો સફળ થશે ? કે પછી લડાયક મિજાજમાં લીધેલો આ નિર્ણય તેમને જીવનની નિષ્ફળતા તરફ વાળશે? ખાસ જાણો તેમના જીવનની આ અજાણી વાતો.
ઓકારાનો હતો પરિવાર જે ભાગલા બાદ પાકિસ્તાનનો ભાગ બન્યું
સુભાષ ચંદ્રાના પરિવાર વિશે વાત કરીએ તો ઈ.સ. 1926 માં રામગોપાલે તેમના સૌથી મોટા દીકરા જગન્નાથ સાથે ભાગીદારીમાં વેપારી પેઢી શરૂ કરી હતી. રામગોપાલ ઓકારા ગામડાના રહેવાસી હતા. એક દુકાન હતી, જે ઓકારા અને તેની આજુબાજુના પ્રદેશમાં ચોખા અને બીજા અનાજ વેચતી હતી. એ સમયમાં જયારે ભારતના ભાગલા પડયા ન હતા ત્યારે ઓકારા એ કૃષિ અંગે ઉત્પાદન માટે પ્રખ્યાત હતું. તે વખતે ઘઉં, ચોખા અને બીજા અનાજોની અછત નહોતી. તેને કારણે રામગોપાલનો ધંધો ખૂબ જ સમૃદ્ધ બન્યો હતો. ઈ.સ. 1947માં ભારતે આઝાદી મેળવી અને ઓકારા પાકિસ્તાનનો ભાગ બની ગયું. જેને કારણે રામગોપાલના પરિવારે હરિયાણામાં સ્થાયી થવાની ફરજ પડી. રામગોપાલ અને જગન્નાથે તેમના ધંધામાં કોટનવણાટનો પણ ઉમેરો કર્યો. એ જ રીતે જગન્નાથના દીકરા નંદકિશોર પણ વડીલોના પગલે ચાલીને કુટુંબના ધંધામાં પ્રવેશ્યા. નંદકિશોર તારાદેવીને પરણ્યા હતા. ગોયંકા પરિવાર હરિયાણાના હિસ્સાર જિલ્લામાં આદમપુર મંડીમાં રહેતો હતો.
હરિયાણામાં જન્મ
ડૉ. સુભાષ ચંદ્રનો જન્મ 30 નવેમ્બર 1950ના રોજ હરિયાણામાં થયો હતો. તેમના માતાનું નામ તારાદેવી અને પિતાનું નામ નંદકિશોર હતું. તે સમયે ગોયંકા પરિવાર હરિયાણાના હિસ્સાર જિલ્લામાં આદમપુર મંડીમાં રહેતું હતું. તેમના પરિવારમાં ભાઈ લક્ષ્મી ગોયલ, જવાહર ગોયલ અને અશોક ગોયલ તથા બહેનો કુસુમ, ઉર્મિલા અને મોહીની છે.
સાદાઈથી જીવન જીવતા
તેમના માતા પિતાએ તેમનાં સંતાનોને તેઓ સુખી હોવા છતાં પણ સાદાઈથી જીવન જીવવા માટે પ્રેર્યા. ઘરમાં વર્ષો જૂના મારવાડી રીતિ-રિવાજોનું ચલણ હતું. જૂની પરંપરા પ્રમાણે વડીલો તેમનો ચાર પેઢી જૂનો ધંધો સૌથી મોટા પુત્ર સુભાષ ચંદ્રાને સુપ્રત કરવાની રાહ જોતા હતા. નંદકિશોર પણ સુભાષ ચંદ્રાને જ પોતાના ધંધામાં વારસદાર તરીકે જોતા હતા. પરંતુ સુભાષ ચંદ્રાને તેમના પિતા અને દાદાની લાંબાગાળાની યોજના વિશે સપને પણ ખ્યાલ નહતો. તેમના શાળાએ જવાના દિવસોમાં તેઓ એન્જિનિયર થવાની ઇચ્છા ધરાવતા હતા અને ધીરે ધીરે તેની ભણવાની તૈયારી કરતા હતા. તેમણે ચોથા ધોરણ સુધી તો તેમના વતન આદમપુરમાં તેમના દાદા જગન્નાથ ગોયકા જોડે હિસ્સાર જિલ્લામાં રહેવું પડયું હતું. હિસ્સારના ભપકાદાર વાતાવરણે સુભાષના એન્જિનિયરિંગનાં સ્વપ્નાંઓમાં પ્રાણ પૂર્યા હતા. તેમને તેમના કૌટુંબિક ધંધાથી દૂર જવું હતું અને પોતાની જિંદગી પોતાની રીતે બનાવવી હતી, પરંતુ ઘરનું વાતાવરણ પ્રોત્સાહિતરૂપ નહોતું. ઘરની દરેક વ્યક્તિ તેમને ધંધાના “જનરેશન નેક્સ્ટ હેડ” તરીકે જોતા હતા.
દાદા પાસેથી શીખતા આંટીઘૂંટી
સુભાષચંદ્રા પાસે જ્યારે પણ વધારાનો સમય હોય તો તેઓ ધંધા-વેપાર વિશે વિચારતા રહેતા. જો કે તેમના દાદા જગન્નાથ ગોયંકા તેમની આ ગડમથલ બરાબર સમજતા હતા. તેઓ મનમાંને મનમાં સમજતા હતા કે જો સુભાષ ચંદ્રા આ વિચારધારા ગુમાવશે તો તેઓ તેમને તેમની ઈચ્છા પૂરી કરતા ક્યારેય જોઈ શકશે નહીં. દાદાની નજર ભાષ ચંદ્રા પર રહેતી હતી. સુભાષ ચંદ્રાના ભણતર અને લખવાની આવડતનો ઉપયોગ કરીને તેમને ધંધાના રહસ્યો શીખવવા માંગતા હતા. જ્યારે તેઓ શાળાએથી આવતા ત્યારે દાદા સાંભળવાની કુશળતા ચકાસવા કહે કે જે બોલું તે કાગળ પર લખ અને પછી સુભાષ ચંદ્રા તે મન દઈને કરતા. ધીરે ધીરે તેઓ બધી આંટીઘૂંટી સમજવા લાગ્યા કે કરજદાર પાસે લોન કેવી રીતે લેવી, લોનની અરજી કેવી રીતે કરવી, ઓફિસરોને કેવી રીતે મળવું.
જીવનના મૂલ્ય વચનોનું ભાથું
જો કે ત્યારબાદ શાળાનો અભ્યાસ પૂરો થયા પછી તેમણે ઈચ્છા પ્રમાણે એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. પરંતુ આ દરમિયાન એક કરુણ ઘટના ઘટી. દાદા જગન્નાથ ગોયંકા અને પિતા નંદકિશોર ગોયંકાએ જુદી જુદી પેઢીઓને આગળ વધારવા ધંધામાં લોન ઘણી લીધી પણ વળતર તે પ્રમાણે મળ્યું નહીં અને દેવું થયું. ત્યારે પરિવાર ખર્ચામાં કાપ મૂકીને જીવન નિર્વાહ કરવા લાગ્યો. ત્યારે દાદાએ સુભાષ ચંદ્રાને સલાહ આપી હતી કે પૈસો ચંચળ છે. થોડું આર્થિક નુકસાન સહન કરવું એ મોટી વાત નથી. પરંતુ આ પણે આપણા વચનો પાળવા તે મહત્વનું છે. સમજદારીપૂર્વક આપેલું વચન એ અગ્નિ સમાન છે કે જે આપી દીધા પછી તેને પાછું લઈ શકાતું નથી. આપણે આપેલા વચનો પૂરા કરવા માટે કડક પરિશ્રમ કરવો પડે.
દાદાના શબ્દો યુવા સુભાષ ચંદ્રા મનમાં સંગ્રહ કરીને રાખતા. આ શબ્દોના કારણે એન્જિનિયર બનવાના સપનામાં ખલેલ પડવા લાગી. દવું પૂરું કરવું એ મોટું ધ્યેય હતું ત્યારે દાદાએ સુભાષ ચંદ્રાને બોલાવીને કહ્યું કે તેઓ કોલેજની ફી ભરી શકે તેમ નથી. ત્યારે આ પરિસ્થિતિ સુભાષ ચંદ્રા માટે આઘાત સમાન રહી. ભણતર અટકી ગયું અને સુભાષ ચંદ્રા દાદાની વિરુદ્ધ જઈ શક્યા નહીં. નારાજગી મનમાં દાબી દીધી અને દાદાએ કહ્યું તે પ્રમાણે કર્યું.
સ્વપ્ન સમાન એન્જિનિયરિંગનું ભણતર છોડ્યું
ભણવામાં હોશિયાર સુભાષ ચંદ્રા જેવા વિદ્યાર્થી માટે ભણતર છોડવું એ મોટી ઘટના કહેવાય. જે ભણ્યા તે ભૂલીને નવું સ્વીકારવું એ આપત્તિ સમાન હતું. સુભાષ ચંદ્રા કેવા પ્રકારની નોકરી ઈચ્છતા હતા તે કોઈને ખબર નહતી પરંતુ એ ચોક્કસ હતું કે પૈસા જોઈતા હતા. સુભાષ ચંદ્રાએ ધંધો શરૂ કરવાના સપનાઓ પરિવાર સમક્ષ રજૂ કર્યા અને કહ્યું કે મારી પોતાની કંપની શરૂ કરીશ અને મને તમારી સંમતિ અને આશીર્વાદ આપો. વ્યાજ સાથે દેવું પૂરું કરવાનું બાકી હતું અને એ નાની અમથી વાત નહતી. ત્યારે આ નવો ધંધો શરૂ કરવા માટે કેટલા પૈસા જોઈશે તે પણ ખબર નહતી. રોકાણ વગર કેવી રીતે ધંધો કરવાનો? સુભાષ ચંદ્રા માટે આ એક મોટી મૂંઝવણ હતી. વિકટ પરિસ્થિતિ હતી.
એક નિર્ણય.. જેણે ઈતિહાસ રચ્યો
આવી પરિસ્થિતિમાં પણ તેમણે સ્વીકારી અને પડકારો ઝીલવા માટે તૈયાર થઈ ગયા હતા. તેમણે કહ્યું કે હું મહેનત કરવા માટે તૈયાર છું અને જે પણ કઈ થઈ શકશે તે કરીશ. તેમણે પિતા અને દાદાને વચન આપ્યું. તેમનો નિશ્ચય જોઈને વડીલો પણ ગદગદ થઈ ગયા હતા. પરંતુ એ સવાલ હતો કે 17 વર્ષનો દીકરો કયો ધંધો કરશે? બધા જ પ્રયત્નો વિશ્વાસ વગરના જણાતા હતા. ત્યારે યુવાન સુભાષ ચંદ્રાએ કહ્યું હતું કે મારી ક્ષમતા પુરવાર કરવા માટે મારે એક તકની જરૂર છે. બસ પછી તો તેમના જીવનમાં જે પણ ઉતાર ચડાવ આવ્યા તેમાં તેમના અડગ વ્યક્તિત્વએ એક અલગ છાપ ઊભી કરી અને ત્યારબાદ મીડિયા જગતમાં ડૉ. સુભાષ ચંદ્રાએ એક પછી એક કિર્તીમાન રચી નાખ્યા. તેમનું આ અડગ વ્યક્તિત્વ યુવાઓ માટે એક આદર્શ મિસાલ સમાન છે. અડગ મનનો માનવી ધારે તે કરી શકે છે.