)
ભારત અને અમેરિકા વચ્ચે વેપારી સંબંધો હાલ ટેરિફને કારણે તણાવગ્રસ્ત થયા છે. અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર કુલ 50 ટકા ટેરિફ લગાવ્યો છે. જેમાં 25 ટકા તો 7 ઓગસ્ટથી લાગૂ થઈ ગયો જ્યારે બાકીનો 25 ટકા આજ રાતથી લાગૂ થશે. આ નિર્ણય બાદ બંને દેશો વચ્ચે વેપારી સંબંધોમાં થોડી ખટાશ આવી છે. પરંતુ ભારત હજુ પણ સ્થિતિ સુધારે તેવી આશા રાખી રહ્યું છે.
ભારત અમેરિકા ટેરિફ યુદ્ધ સંદર્ભે હવે ભારતના પૂર્વ વિદેશ સચિવ અને રાજ્યસભા સાંસદ હર્ષવર્ધન શ્રૃંગલાએ વર્જીનીયામાં એક કાર્યક્રમ દરમિયાન મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકા દ્વારા ભારતીય નિકાસ પર લગાવવામાં આવેલો ટેરિફ ચિંતાનો વિષય છે. પરંતુ આ સ્થિતિ કાયમી નથી. બંને દેશ જલદી વેપાર સમજૂતિ (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ)ની દિશામાં આગળ વધી શકે છે. આ દરમિયાન પૂર્વ વિદેશ સચિવે એમ પણ સ્પષ્ટ કર્યું કે હાલના ટેરિફ વિવાદથી ભારત-અમેરિકાના સંબંધોનો પાયો નબળો થશે નહીં. તેમણે ભરોસો જતાવ્યો કે દ્વિપક્ષીય સહયોગ, ખાસ કરીને રણનીતિક અને ટેક્નિકલ ક્ષેત્રે પહેલાની જેમ મજબૂત રહેશે.
ભારત અમેરિકા વચ્ચે જૂના સંબંધોને પ્રભાવિત નહીં કરે
ભારત અને અમેરિકા વચ્ચે છેડાયેલા ટેરિફ યુદ્ધ અંગે વિશેષજ્ઞોનું માનવું છે કે બંને દેશો વચ્ચે આપસી હિતોની ઊંડાઈ એટલી મજબૂત છે કે હંગામી વેપાર વિવાદ લાંબા ગાળાના સંબંધોને પ્રભાવિત નહીં કરે. આવનારા મહિનાઓમાં ઉચ્ચસ્તરીય કૂટનીતિક વાતચીત દ્વારા આ ગતિરોધનું સમાધાન નીકળે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. શ્રૃંગલાએ કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત સંબંધોનો પાયો પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઘનિષ્ઠ અને વિશેષ ભાગીદારી પર ટકેલી છે. તેમણે ભરોસો વ્યક્ત કર્યો કે આ મજબૂત વ્યક્તિગત જોડાણના પગલે બંને દેશો જલદી એક સંતોષજનક અને પરસ્પર રીતે લાભકારી મુક્ત વેપાર સમજૂતિ (Free Trade Agreement)ની દિશામાં આગળ વધી શકે છે.
#WATCH | Reston, Virginia | Former Foreign Secretary and Rajya Sabha MP Harsh Vardhan Shringla says, "Hopefully, we will find a way to conclude a satisfactory mutually beneficial Free Trade Agreement with the United States early rather than late and that would certainly take us… pic.twitter.com/uvSfhWDJQF
— ANI (@ANI) August 27, 2025
વર્જીનિયામાં એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, એક વાત જે હું નિશ્ચિતપણે જાણું છું તે એ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે ખુબ ઘનિષ્ઠ અને વિશેષ ભાગીદારી રહી છે. અનેક બેઠકોમાં, જેમાં હું પોતે હાજર રહ્યો હતો તે સ્પષ્ટ રીતે મહેસૂસ કર્યું છે. તેમણે કહ્યું કે આ સંબંધ અત્યારનો નહીં પરંતુ ટ્રમ્પના પહેલા કાર્યકાળથી રહ્યો છે જ્યારે હાઉડી મોદી (હ્યુસ્ટન 2019) અને નમસ્તે ટ્રમ્પ (અમદાવાદ 2020) જેવા ઐતિહાસિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. જે બંને નેતાઓના વ્યક્તિગત સંબંધોનું ઊંડાણ દર્શાવે છે. શ્રૃંગલાએ આશા વ્યક્ત કરી કે આ મજબૂત ભાગીદારી વેપારી મતભેદોને ઉકેલવામાં મદદ કરશે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભારત યાત્રાના આગામી તબક્કાનો માર્ગ પણ નક્કી કરશે.
#WATCH | Reston, Virginia | Former Foreign Secretary and Rajya Sabha MP Harsh Vardhan Shringla says, "One thing that I know is that President Donald Trump and Prime Minister Modi enjoy a very close and special partnership. It's been evident in many of the meetings that I have… pic.twitter.com/i7vWpmjEGm
— ANI (@ANI) August 27, 2025
સંબંધો ગાઢ, કોઈ અસર નહીં પડે- શ્રૃંગલા
હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે, ભારત અને અમેરિકાના સંબંધો ફક્ત વેપાર સુધી મર્યાદિત નથી પરંતુ આપણા સૌથી વ્યાપક અને મલ્ટીડાઈમેન્શનલ સંબંધ છે. જે કોઈ પણ અન્ય દેશની સરખામણીમાં વધુ મજબૂત છે. તેમણે વધુમાં કહ્યું કે આ સંબંધોનો પાયો સંયુક્ત લોકતાંત્રિક મૂલ્યો, સિદ્ધાંત અને આપસી વિશ્વાસ પર ટકેલો છે. જે કોઈ પણ અસ્થાયી ઉતાર ચડાવને સહન કરવામાં સક્ષમ છે. આ સંયુક્ત મૂલ્ય છે જે આપણને દરેક પડકારોમાંથી બહાર આવવાની તાકાત આપે છે. શ્રૃંગલાએ અમેરિકા દ્વારા ભારતમાં સર્જિયો ગોરને નવા રાજદૂત બનાવવા અંગેનું પગલું પણ સકારાત્મક ગણાવ્યું. તેમણે કહ્યું કે સર્જિયો ગોરની નિયુક્તિ બંને દેશોના સંબંધોમાં નવી ઉર્જા અને સકારાત્મકતા આશે. આ સંકેત છે કે રણનીતિક ભાગીદારીની દિશામાં બંને પક્ષોની પ્રતિબદ્ધતા મજબૂત થઈ છે.
50 ટકા ડ્યૂટી લાગૂ થયા બાદ ભારતીય નિકાસ પર અસર માટે વિકલ્પ તૈયાર
હર્ષવર્ધન શ્રૃંગલાએ વધુમાં કહ્યું કે, અમે તેના પ્રભાવને ઓછો કરવા માટે કામ કરી રહ્યા છીએ. તેમણે ભરોસો જતાવ્યો કે ભારતે પહેલેથી જ વૈકલ્પિક બજારોની તૈયારી શરૂ કરી દીધી છે. તેમણે જણાવ્યું કે ભારતે ઓસ્ટ્રેલિયા, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને બ્રિટન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર કરાર કર્યા છે. જ્યારે યુરોપીયન સંઘ સાથે વેપાર સમજૂતિ લગભગ અંતિમ તબક્કામાં પહોંચી છે. તેમણે વધુમાં કહ્યું કે આપણે અમેરિકાના ટેરિફના વધવાની અસરને મર્યાદિત કરવા માટે અન્ય બજારો સુધી પોતાની નિકાસને પહોંચાડી શકીએ છીએ.