IPS વાય પૂરનકુમારની આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો, 9 પાનાની સ્યૂસાઈડ નોટમાં મોટા મોટા અધિકારીઓના નામ
Haryana IPS Suicide Case: મીડિયા રિપોર્ટ મુજબ આઈપીએસ વાય પૂરનકુમારે કથિત રીતે સર્વિસ રિવોલ્વરથી પોતાને ગોળી મારી દીધી. સ્યૂસાઈડ નોટ પણ મળી છે જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.
Trending Photos
)
હરિયાણા પોલીસના એડીજીપી વાય પૂરન કુમાર મંગળવાર બપોરે પોતાના ચંડીગઢ સ્થિત ઘરે મૃત અવસ્થામાં મળી આવ્યા. તેમને માથામાં ગોળી વાગી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસે તેને આત્મહત્યા ગણી છે. જે સમયે ઘટના ઘટી ત્યારે તેઓ તેમના સાળાના સેક્ટર 11 સ્થિત ઘરના સાઉન્ડ પ્રુફ બેઝમેન્ટમાં હતા. એવું કહેવાય છે કે તેમણે પોતાના ગનમેનની સર્વિસ રિવોલ્વરથી પોતાને ગોળી મારી. પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ પૂરનકુમારે મરતા પહેલા 9 પાનાની સ્યૂસાઈડ નોટ લખી. આ નોટમાં કેટલાક વર્તમાન અને સેવાનિવૃત્ત આઈપીએસ અધિકારીઓના નામોનો ઉલ્લેખ છે. જો કે હજુ સુધી કોઈ સટીક ખુલાસો થયો નથી. પોલીસનું કહેવું છે કે નોટની ફોરેન્સિક તપાસ બાદ જ તેને જાહેર કરાશે.
બેઝમેન્ટમાં જઈને કરી આત્મહત્યા?
અત્રે જણાવવાનું કે આ ઘટનાના બરાબર એક દિવસ બાદ એટલે કે બુધવારે પૂરનકુમારે પોલીસ ટ્રેનિંગ સેન્ટર સુનારિયા (રોહતક)ના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળવાનો હતો. પૂરનકુમાર હરિયાણા કેડરના 2001ની બેચના આઈપીએસ ઓફિસર હતા. પોતાના સ્પષ્ટવક્તા તથા સિસ્ટમમાં અનિયમિતતાઓને ઉજાગર કરવા માટે તેઓ જાણીતા હતા. તેમની પત્ની આઈએએસ અધિકારી અમનીત પી કુમાર જાપાનના પ્રવાસે હતા. ઘરમાં હાજર તેમની નાની દીકરીએ બપોરે 2 વાગે બેઝમેન્ટમાં જઈને જોયું તો પિતા સોફા પર લોહીથી લથપથ મળી આવ્યા. તેણે તરત સિક્યુરિટી સ્ટાફને સૂચના આપી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી.
9 પાનાની નોટ
મીડિયા રિપોર્ટ મુજબ ઘટનાસ્થળ પર હાજર આઈજી પુષ્પેન્દ્ર સિંહ, એસએસપી કૌર અને એસપી સિટી પ્રિયંકા પહોંચ્યા. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પૂરાવા ભેગા કર્યા અને સમગ્ર તપાસ પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવી. પોલીસને ત્યાંથી એક રિવોલ્વર, એક વસિયત અને 9 પાનાની નોટ મળી આવી છે. મંગળવારે બપોરે લગભગ એક વાગે પૂરન કુમારે પોતાના પીએસઓની સર્વિસ રિવોલ્વર લીધી અને કહ્યું કે થોડું કામ છે. ત્યારબાદ તેઓ બેઝમેન્ટમાં જતા રહ્યા. બેઝમેન્ટને તેમણે પોતાની સાઉન્ડપ્રુફ ઓફિસ તરીકે બનાવી લીધો હતો આથી અને એટલે જ ગોળીનો અવાજ કોઈને સંભળાયો નહીં. લગભગ એક કલાક બાદ જ્યારે દીકરી નીચે આવી તો ત્યાં જે જોયું તેના હોશ ઉડી ગયા.
પૂરનકુમાર કોણ
પૂરનકુમાર મૂળ આંધ્ર પ્રદેશના રહેવાસી હતા અને અનુસૂચિત જાતિ સમુદાયથી આવતા હતા. તેમણે બી.ઈ(કોમ્પ્યુટર સાયન્સ)ની ડિગ્રી લીધી હતી અને આઈઆઈએમ અમદાવાદમાંથી પણ સ્નાતક હતા. તેઓ પોતાની કરિયર દરમિયાન અનેકવાર પોતાના જ વિભાગ વિરુદધ ન્યાયિક લડત લડતા રહ્યા. તેમણે એક સમયે હરિયાણાના તત્કાલિન ડીજીપી મનોજયાદવ પર ભેદભાવના આરોપ લગાવ્યા હતા અને આ મામલે કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા હતા. હાલમાં જ તેમને આઈજી રેન્જથી ટ્રાન્સફર કરીને સુનારિયાના ટ્રેનિંગ સેન્ટર મોકલવામાં આવ્યા હતા. પૂરનકુમાર અને તેમના પત્નીની 2 દીકરીઓ છે. મોટી દીકરી વિદેશમાં અભ્યાસ કરે છે જ્યારે નાની દીકરી પરિવાર સાથે ચંડીગઢ રહે છે.
મીડિયા રિપોર્ટ મુજબ રોહતકના પોલીસ અધીક્ષક નરેન્દ્ર બિજારનિયાએ કહ્યું કે રાજ્ય પોલીસે સોમવારે રોહતકમાં એક દારૂના વ્યવસાયીથી કથિત લાંચ મામલે હેડ કોન્સ્ટેબલ સુશીલકુમારને પકડ્યો હતો. બિજારનિયાએ કહ્યું કે સુશીલ પહેલા વાય પૂરનકુમાર સાથે કામ કરતો હતો. પરંતુ રોહતક રેન્જથી ટ્રાન્સફર થયા બાદ પણ કુમારે કોઈ પણ અધિકૃત આદેશ વગર સુશીલને પોતાની સાથે રાખ્યો. સોમવારે અમને એક દારૂ વેપારી પાસેથી ફરિયાદ મળી અને એક વીડિયો ફૂટેજ મળ્યું. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે સુશીલ તેમની પાસેથી દર મહિને 2.5 લાખ રૂપિયા લાંચ માંગતો હતો. વેપારીએ આરોપ લગાવ્યો હતો કે સુશીલ વરિષ્ઠ આઈપીએસ અધિકારી વાય પૂરનકુમારના નામે લાંચ માંગતો હતો.
તેમણે વધુમાં કહ્યું કે અમે લખિત ફરિયાદ અને એક વીડિયો ફૂટેજના આધારે એક એફઆઈઆર દાખલ કરી જેના આધારે અમે સુશીલને પકડ્યો અને તેની પૂછપરછ કરી. તેણે વાય પૂરનકુમારના નામે લાંચ લેવાની વાત કબૂલી. સુશીલને મંગળવારે કોર્ટમાં રજૂ કરાયો અને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો. પરંતુ હજુ અમે વાય પૂરનકુમારને તપાસમાં સામેલ થવા માટે ન તો બોલાવ્યા હતા કે ન તો કોઈ નોટિસ મોકલી હતી. અમે કશું કરી શકીએ તે પહેલા જ અમને તેમના મોતના સમાચાર મળ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














