કોલસાકૌભાંડ : ઝારખંડના પૂર્વ સીએમ મધુ કોડાની સજા પર દિલ્હી હાઇકોર્ટનો સ્ટે

કોલસાકૌભાંડના મામલામાં 16 ડિસેમ્બરે એક કોર્ટે ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી

  • કોર્ટે મધુ કોડાની સજા પર 22 જાન્યુઆરી સુધી મૂક્યો છે સ્ટે
  • ટ્રાયલ કોર્ટે કોડાને ત્રણ વર્ષના કારાવાસની સજા ફટકારી હતી
  • કોર્ટે તેને 25 લાખ રૂ.નો દંડ પણ ફટકાર્યો હતો

Trending Photos

કોલસાકૌભાંડ : ઝારખંડના પૂર્વ સીએમ મધુ કોડાની સજા પર દિલ્હી હાઇકોર્ટનો સ્ટે

નવી દિલ્હી : દિલ્હી  હાઇકોર્ટે કોલસા કૌભાંડમાં સજા મેળવનાર ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાની સજા પર હાલ પૂરતો સ્ટે મૂકી દીધો છે. ટ્રાયલ કોર્ટે આ મામલામાં મધુ કોડાને ત્રણ વર્ષની કારાવાસની સજા ફટકારી હતી. આ મામલામાં દિલ્હી હાઇકોર્ટે મધુ કોડાની સજા પર 22 જાન્યુઆરી પર પ્રતિબંધ મૂકી દીધો છે. 

ફટકારાઈ હતી સજા
હકીકતમાં કોલ બ્લોક ડિસ્ટ્રિબ્યુશનના એક મામલામાં થયેલા ગોટાળામાં ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાને 16 ડિસેમ્બરે એક કોર્ટે ત્રણ વર્ષના કારાવાસની સજા સંભળાવી હતી. વિશેષ ન્યાયાધિશ ભરત પારાશરે ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિવાય તેમના નજીકના સહયોગી વિજય જોશી, પૂર્વ કોલસા સચિવા એચ.સી. ગુપ્તા તથા ઝારખંડના તત્કાલિન મુખ્ય સચિવ એ.કે. બાસુને પણ ત્રણ-ત્રણ વર્ષની સજા ફટકારી હતી. કોર્ટે મધુ કોડા તેમજ વિજય જોશીને 25-25 લાખનો તેમજ ગુપ્તા અને બાસુને એક-એક લાખ રૂ.નો દંડ ફટકાર્યો હતો. 

સીબીઆઇનો આરોપ
સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે, આ કંપનીને રજહરા નોર્થ કોલ બ્લોક માટે 8 જાન્યુઆરીએ પોતાનું નામ આપ્યું હતું, જેને કોલ બ્લોક આપવા ઝારખંડ સરકાર કે સ્ટીલ મંત્રાલયે નહોતું કહ્યું, પરંતુ 36મી સ્ક્રિનિંગ કમિટીએ આ બ્લોક આરોપી કંપનીને આપવા તરફેણ કરી હતી. સીબીઆઈની દલીલ હતી કે, ગુપ્તાએ પૂર્વ પીએમ મનમોહન સિંહથી આ તથ્ય છૂપાવ્યું હતું કે, ઝારખંડ સરકારે કંપનીને બ્લોક આપવાની તરફેણ નથી કરી. મનમોહન સિંહ તે વખતે કોલસા મંત્રાલયનો પણ હવાલો સંભાળતા હતા. સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે, કોડા, બસુ અને બાકીનાં બે લોકોએ મળીને આખુંય કાવતરું રચ્યું હતું જેથી આ બ્લોક કોલકાતાની કંપનીને ફાળવવામાં આવે.

(ઇનપુટ IANSમાંથી પણ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news