)
Prison Creche System: વાદળી ડ્રમમાં પતિનો મૃતદેહ સિમેન્ટથી દફનાવનાર મુસ્કાન રસ્તોગીને તો તમે જાણતા જ હશો. મેરઠ જેલમાં બંધ વાદળી ડ્રમ કેસની મુખ્ય આરોપી મુસ્કાન રસ્તોગીએ 24 નવેમ્બર 2025ની સાંજે એક પુત્રીને જન્મ આપ્યો છે. જેલ પ્રશાસન મુજબ ડોકટરોએ મુસ્કાનની નોર્મલ ડિલિવરી કરાવી. માતા અને બાળક બન્ને સ્વસ્થ છે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, પરિવારનો કોઈપણ સભ્ય મુસ્કાનની દીકરીના જન્મ પર હોસ્પિટલ પહોંચ્યો નહોતો. બીજી તરફ જેલમાં પુત્રીને જન્મ આપવાના આ મામલાએ ફરી એકવાર પ્રશ્નો ઉભો કર્યા છે કે, જેલમાં જન્મેલા બાળકોનું પાલન-પોષણ કેવી રીતે થાય છે? આજે અમે તમને જણાવીએ છીએ કે જેલમાં જન્મેલા બાળકનું પાલન-પોષણ કેવી રીતે થાય છે અને જેલમાં ક્રેચ કેવું હોય છે?
જેલમાં જન્મેલા બાળકનું કેવી રીતે થાય છે પાલન-પોષણ?
ભારતમાં મોટાભાગની જેલોમાં હવે સીધી જેલની અંદર ડિલિવરી કરાવવામાં આવતી નથી. જેલમાં બંધ મહિલા કેદીને પ્રેગ્નન્સીના છેલ્લા સ્ટેજમાં હોસ્પિટલ લઈ જવામાં આવે છે. ત્યાં ડિલિવરીના થોડા અઠવાડિયા પછી માતા અને બાળકને પાછા જેલમાં લાવવામાં આવે છે અને મહિલા વોર્ડમાં તેમની વ્યવસ્થા કરવામાં આવે છે.
આ ઉપરાંત મહિલા કેદીને પહેલેથી જ કોઈ નાનું બાળક છે, તો મહિલા કેદી 6 વર્ષથી નાના બાળકને પોતાની સાથે જેલમાં પણ રાખી શકે છે. આવા બાળકોને મધર સેલ અથવા મહિલા વોર્ડના એક અલગ ભાગમાં રાખવામાં આવે છે. દિલ્હીની તિહાડ અને મંડોલી જેલમાં પણ આ સમયે 6 વર્ષથી ઓછી ઉંમરના ઘણા બાળકો રહે છે. બીજી તરફ જેલમાં બંધ આ બાળકોની રોજ દેખભાળ કરવામાં આવે છે, તેમને મેડિકલ સુવિધા અને શિક્ષણ પણ આપવામાં આવે છે.
ક્રેચ અને શિક્ષણની સુવિધા
મોટાભાગની મોટી જેલોમાં બાળકો માટે ક્રેચ ચલાવવામાં આવે છે. જ્યાં તેમને પ્રી-પ્રાઇમરી શિક્ષણ આપવામાં આવે છે. અહીં બાળકો રમતગમત, ડ્રોઇંગ અને સંગીત જેવી પ્રવૃત્તિઓમાં સામેલ થાય છે. જેથી તેમનો વિકાસ સામાન્ય રીતે થઈ શકે. જેલમાં ઘણી એનજીઓ ક્રેચમાં શિક્ષકો ઉપલબ્ધ કરાવે છે. ઘણીવાર ભણેલી-ગણેલી મહિલા કેદીઓને પણ તાલીમ આપીને આ જવાબદારી સોંપવામાં આવે છે.
આ ઉપરાંત જેલની અંદર બનેલા પ્રમાણિત વેક્સિનેશન સેન્ટરમાં બાળકોને બીસીજી, પોલિયો, હેપેટાઇટિસ, ડીપીટી અને ટિટનેસ જેવી જરૂરી રસીઓ આપવામાં આવે છે. સાથે જ જેલમાં બંધ માતા અને બાળક બન્નેની મેડિકલ તપાસ સમયાંતરે થતી રહે છે.
બાળકોના પોષણની વ્યવસ્થા
જેલમાં જન્મેલા બાળકને અથવા માતાની સાથે રહેતા નાના બાળકને દરરોજ દૂધ આપવામાં આવે છે અને ફળોની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આવા બાળકોનો જેલમાં જ જન્મદિવસ ઉજવવામાં આવે છે. સાથે જ બાળકોને રમકડાં, કપડાં અને હાઇજીન કિટ પણ આપવામાં આવે છે.
કાયદા અનુસાર બાળક 6 વર્ષની ઉંમર સુધી જ માતા સાથે જેલમાં રહી શકે છે. ત્યારબાદ જેલ પ્રશાસન તેના સંબંધીઓનો સંપર્ક કરે છે. પરંતુ જો કોઈ પણ સંબંધી બાળકોને લેવા તૈયાર ન હોય તો તેને ચાઇલ્ડ કેર હોમ અથવા અનાથાશ્રમમાં મોકલવામાં આવે છે, જ્યાં તેના ભવિષ્ય માટે આગળની વ્યવસ્થા કરવામાં આવે છે.