)
Lalu yadav: બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં મહાગઠબંધન અને રાષ્ટ્રીય જનતા દળની કારમી હાર બાદ પાર્ટી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની નાની દીકરી રોહિણી આચાર્યએ મોટો નિર્ણય લીધો છે. શનિવારે રોહિણીએ 'X' (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં રાજકારણ છોડવાની અને પરિવાર સાથેના સંબંધો સમાપ્ત કરવાની વાત કરી હતી. તેમણે લખ્યું કે તેઓ સંજય યાદવ અને રમીઝના કારણે આ પગલું ભરી રહી છે અને 'બધી જવાબદારી પોતે લઈ રહી છે.' રોહિણી આચાર્યની આ પોસ્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ગઈકાલે 14 નવેમ્બરે મહાગઠબંધનને NDAના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો અને પાર્ટીના ખાતામાં માત્ર 25 બેઠકો જ આવી હતી.
વળી, થોડા મહિના પહેલા લાલુ યાદવે પોતાના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવને એક સોશિયલ મીડિયા પોસ્ટ બાદ પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢ્યા હતા. પાર્ટીમાંથી હાંકી કઢાયા બાદ તેજ પ્રતાપ યાદવે પોતાની અલગ પાર્ટી 'જનશક્તિ જનતા દળ' બનાવી હતી. જોકે, તેમની પાર્ટીએ આ વખતે થયેલી વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠકો પર કારમી હારનો સામનો કરવો પડ્યો અને તેજ પ્રતાપ યાદવ પોતે પણ મહુઆ બેઠક પરથી હારી ગયા.
રોહિણી આચાર્ય કોણ છે?
થોડા વર્ષો પહેલા રોહિણી આચાર્યએ પોતાના પિતા લાલુ યાદવને કિડની આપી હતી, જેના પછી જ તેઓ ચર્ચામાં આવ્યા હતા. જણાવી દઈએ કે રોહિણી આચાર્યએ તેમના પિતા લાલુ પ્રસાદ યાદવને 5 ડિસેમ્બર 2022ના રોજ પોતાની કિડનીનું દાન કર્યું હતું. આ ટ્રાન્સપ્લાન્ટ સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં થયું હતું. કિડની દાન આપ્યા બાદ લોકોએ સોશિયલ મીડિયા પર રોહિણી આચાર્યના ખૂબ વખાણ કર્યા હતા.
વિદેશમાં રહે છે રોહિણી આચાર્ય
રોહિણી લાંબા સમયથી સોશિયલ મીડિયા પર સક્રિય છે અને તે સિંગાપોરમાં પોતાના પરિવાર સાથે રહે છે. રોહિણીએ 2024ની લોકસભા ચૂંટણી પણ લડી હતી, પરંતુ તે ભાજપના રાજીવ પ્રતાપ રૂડી સામે 14 હજારથી વધુ મતોના અંતરથી હારી ગઈ હતી.
રોહિણી આચાર્ય પાસે છે 36.6 કરોડની સંપત્તિ
સોશિયલ મીડિયા પર પણ રોહિણી આચાર્યની સંપત્તિને લઈને ઘણીવાર ચર્ચા જોવા મળતી રહે છે. ADRના રિપોર્ટ અનુસાર, રોહિણી આચાર્ય પાસે 36.6 કરોડની સંપત્તિ છે. ચૂંટણીના સોગંદનામા મુજબ, રોહિણી આચાર્ય શિક્ષિત પ્રોફેશનલ છે અને તેમણે પોતાનો વ્યવસાય સામાજિક સેવા જણાવ્યું હતો. સોગંદનામામાં રોહિણીએ કુલ 36.6 કરોડની સંપત્તિ અને 1.3 કરોડની જવાબદારી (દેવું)ની માહિતી આપી હતી.
ચૂંટણીના સોગંદનામામાં રોહિણી આચાર્યએ પોતાની વાર્ષિક આવક 6.8 કરોડ નોંધાવી છે. ખાસ વાત એ છે કે રોહિણી આચાર્ય વિરુદ્ધ કોઈ પણ ગુનાહિત કેસ પેન્ડિંગ નથી. 45 વર્ષના રોહિણી આચાર્યએ મેડિસિનમાં ડિગ્રી મેળવી છે અને લગ્ન પછી વિદેશ જતાં રહ્યા હતા.