)
Immigration Bill: ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ 2025ને સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. વિપક્ષના વિરોધ વચ્ચે રાજ્યસભાએ તેને ધ્વનિ મતથી પસાર કર્યો હતો. આ બિલ લોકસભામાં પહેલા જ પસાર થઈ ચૂક્યું છે. બિલમાં મુખ્ય જોગવાઈ એ છે કે જો કોઈ વ્યક્તિ નકલી પાસપોર્ટ અથવા વિઝાનો ઉપયોગ કરીને ભારતમાં પ્રવેશવા, દેશમાં રહેવા અથવા દેશની બહાર જતી જોવા મળે છે, તો તેને 7 વર્ષ સુધીની જેલ અને 10 લાખ રૂપિયા સુધીના દંડની સજા થઈ શકે છે.
સંસદે બુધવારે ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ 2025ને મંજૂરી આપી હતી. આ બિલ ભારતમાં વિદેશીઓની એન્ટ્રી, રોકાણ અને દેખરેખ માટે નવું કાનૂની માળખું તૈયાર કરે છે. લોકસભામાં આ બિલ 27 માર્ચે પાસ થયું હતું. રાજ્યસભામાં વિપક્ષના સુધારાઓને નકારીને તેને ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યું.
બિલ મુજબ જો કોઈ વ્યક્તિ નકલી પાસપોર્ટ અથવા વિઝા દ્વારા ભારતમાં પ્રવેશ કરે છે, અહીં રોકાય છે અથવા બહાર જાય છે, તો તેને ઓછામાં ઓછા 2 વર્ષ અને વધુમાં વધુ 7 વર્ષની જેલ થઈ શકે છે. સાથે જ 1 લાખથી 10 લાખ રૂપિયા સુધીનો દંડ પણ લાગશે. બિલમાં આ પણ પ્રાવધાન છે કે હોટલ, યુનિવર્સિટી, હોસ્પિટલ અને નર્સિંગ હોમને વિદેશી નાગરિકોની માહિતી સરકારને આપવી ફરજિયાત હશે. આથી ઓવરસ્ટે કરનારા પર નજર રાખી શકાશે. ખરડા પરની ચર્ચાનો જવાબ આપતાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ એવા તમામ વિદેશી નાગરિકો સાથે વ્યવહાર કરવાની જરૂર છે. કોંગ્રેસ અને તૃણમૂલ સહિતના વિપક્ષોએ બિલના વિરોધમાં ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.
બિલમાં આ છે ખાસ જોગવાઈ
ભારતમાં પ્રવેશવા કે રહેવા કે બહાર નીકળવા માટે બનાવટી અથવા ખોટી રીતે મેળવેલ પાસપોર્ટનો જાણી જોઈને ઉપયોગ કે સપ્લાય કરવાની સજા બે વર્ષથી ઓછી ન હોય તેવી જેલની સજાને પાત્ર છે. તેને સાત વર્ષ સુધી વધારી શકાય છે. જો દોષી ઠરશે તો ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાનો દંડ પણ લાગશે, જે વધારીને 10 લાખ રૂપિયા કરી શકાય છે.
જો કોઈ વિદેશી નાગરિક માન્ય પાસપોર્ટ અથવા વિઝા સહિતના અન્ય પ્રવાસ દસ્તાવેજ વિના ભારતમાં પ્રવેશ કરે છે, તો તેને 5 વર્ષ સુધીની જેલ અથવા 5 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે. નવું બિલ કેન્દ્ર સરકારને એવા સ્થાનો પર નિયંત્રણ રાખવાની સત્તા આપે છે જ્યાં વિદેશીઓ વારંવાર આવે છે. આ હેઠળ માલિકને પરિસર બંધ કરવાનો, નિર્દિષ્ટ શરતો હેઠળ તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા અથવા તમામ અથવા નિર્દિષ્ટ વર્ગના વિદેશીઓને પ્રવેશ નકારવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
હાલમાં વિદેશીઓ અને ઇમિગ્રેશન સંબંધિત બાબતોને લગતા ચાર કાયદા છે. પાસપોર્ટ (ભારતમાં પ્રવેશ) અધિનિયમ, 1920, વિદેશીઓની નોંધણી અધિનિયમ, 1939, વિદેશી અધિનિયમ, 1946, અને ઇમિગ્રેશન (ઓબ્લિગેશન ઓફ કેરિયર્સ) એક્ટ, 2000. નવું બિલ આ કાયદાઓને રદ કરે છે.