રાજકારણના આ 5 ધૂરંધરો મમતાના ઈરાદાઓ પર પાણી ફેરવી નાખશે?

દેશભરમાં ભારતીય જનતા પક્ષ(ભાજપ)ના પ્રભાવના પગલે વિપક્ષી દળોની સામે પોતાનું અસ્તિત્વ બચાવવું એ મોટો પડકાર બની રહ્યો છે.

Viral Raval Viral Raval | Updated: Apr 1, 2018, 10:47 AM IST
રાજકારણના આ 5 ધૂરંધરો મમતાના ઈરાદાઓ પર પાણી ફેરવી નાખશે?

નવી દિલ્હી: દેશભરમાં ભારતીય જનતા પક્ષ(ભાજપ)ના પ્રભાવના પગલે વિપક્ષી દળોની સામે પોતાનું અસ્તિત્વ બચાવવું એ મોટો પડકાર બની રહ્યો છે. ભાજપના વિજય અભિયાનને રોકવા માટે વિપક્ષી દળોના નેતાઓ પોત પોતાની રીતે પ્લાનિંગમાં લાગી ગયા છે. આ જ સંદર્ભે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનરજીએ પણ સંકેત આપ્યા છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં સ્થાનિક પક્ષોને એકજૂથ કરીને ભાજપ અને કોંગ્રેસ વગરના પક્ષોનુ ગઠબંધન કરવાનો વિકલ્પ ઈચ્છે છે. જો કે સ્થાનિક પક્ષોના હાલના નિવેદનો જોઈએ તો મમતા બેનરજીના ઈરાદાઓ પર પાણી ફેરવાતું જોવા મળી રહ્યું છે. અહીં આપણે જોઈએ કે 5 સ્થાનિક પાર્ટીઓના ટોચના નેતાઓએ શું નિવેદનો આપ્યા છે.

શરદ પવાર: મમતા બેનરજીના દિલ્હી પ્રવાસ દરમિયાન એનસીપીના અધ્યક્ષ શરદ પવારની સાથે પાર્ટીના મોટા નેતા પ્રફુલ્લ પટેલે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે મારી મમતા બેનરજી સાથે વાતચીત થઈ. જે ખુબ સકારાત્મક રહી. મેં તેમને 27-28 માર્ચના રોજ એનસીપી અધ્યક્ષ શરદ પવાર તરફથી દિલ્હીમાં બોલાવવામાં આવેલી બેઠક માટે આમંત્રણ આપ્યું છે જેથી કરીને વિભિન્ન રાજકીય પક્ષો સાથે મળીને ભાવિ કાર્ય યોજના તૈયાર થઈ શકે. પ્રારંભિક વાતચીતમાં વૈકલ્પિક મોરચા માટે ભાવિ રણનીતિ તૈયાર કરવામાં આવશે. જ્યારે ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે શરદ પવાર હાલના રાજકીય હાલાતમાં ત્રીજા મોરચાના પક્ષમાં નથી. તેઓ કોંગ્રેસ સાથે જ જવા માંગે છે. મહારાષ્ટ્રમાં તેમણે કોંગ્રેસ સાથે મળીને 2019ની લોકસભાની ચૂંટણી લડવાના સંકેતો પહેલા આપી દીધા છે.

અખિલેશ યાદવ: દેશમાં સૌથી વધુ લોકસભા બેઠકો આપનારા રાજ્ય ઉત્તર પ્રદેશમાં મુખ્ય વિપક્ષી દળ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની હાલની પ્રેસ કોન્ફરન્સ પર નજર નાખીએ તો પણ જોવા મળે કે તેઓ કોંગ્રેસનો સાથ છોડવાના મૂડમાં નથી. અખિલેશ યાદવ હાલના દિવસોમાં અનેકવાર કહી ચૂક્યા છે કે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે થયેલી તેમની મિત્રતા હજુ પણ કાયમ છે.

માયાવતી: દલિત રાજકારણમાં સૌથી મોટા ચહેરા ગણાતા માયાવતીએ હજુ સુધી કોંગ્રેસને લઈને બહું સ્પષ્ટ નિવેદન તો નથી આપ્યું. પરંતુ રાજકારણના જાણકારો માને છે કે તે પણ ત્રીજા મોરચાને લઈને બહુ ગંભીર નથી. કહેવાય છે કે જો બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટી મળીને 2019ની લોકસભાની ચૂંટણી લડે છે તો તેઓ આ ગઠબંધનમાં કોંગ્રેસને અલગ રાખીને વિપક્ષી એક્તાને કમજોર કરવા નહીં માંગે. આમ પણ યૂપીએ સરકારને સપા અને બસપા બહારથી સમર્થન કરતા રહ્યાં છે.

લાલૂ પ્રસાદ યાદવ: બિહારના રાજકારણમાં સૌથી મોટા પક્ષ અને મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડીના પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવ પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે કોંગ્રેસ વગર કોઈ ગઠબંધનની કલ્પના કરવી બેકાર છે. હાલમાં જ લાલૂ યાદવે કહ્યું કે વિપક્ષી એક્તા જરૂરી છે પરંતુ તેમાં કોંગ્રેસને અલગ રાખી શકાય નહીં.

કરુણાનિધિ: તામિલનાડુના રાજકારણમાં જયલલિતાના મોત બાદ અને તેમની પાર્ટીના નેતાઓના આપસી ઝગડાના કારમે એઆઈડીએમકે નબળી પડી છે. આવામાં એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે આગામી ચૂંટણીમાં જનતા ડીએમકે પર ભરોસો વ્યક્ત કરી શકે છે. મમતા બેનરજી પણ કહી ચૂક્યા છે કે તામિલનાડુમાં એમ કરુણાનિધિની પાર્ટી એઆઈડીએમકે જીતી શકે છે. કરુણાનિધિને સાથે લાવવા માટે મમતા તેમને મળવા પણ જઈ શકે છે પરંતુ તેમની પાર્ટીના નેતાઓના હાલના નિવેદનો જોઈએ તો હાલ તેઓ કોંગ્રેસથી અલગ થાય તેવા કોઈ સંકેતો જોવા મળતા નથી.

પોતા પોતાના રાજ્યોમાં મજબુત આ 5 પાર્ટીઓ જો મમતા બેનરજીને સપોર્ટ ન કરે તો પછી ત્રીજા મોરચાની વાત માત્ર એક સપનું જ રહી જશે.