)
India US Discussions: ભારત અને અમેરિકા વચ્ચેનો ટેરિફ વોર ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બન્ને દેશોએ મંગળવારે થયેલી વાતચીતને સકારાત્મક ગણાવી છે. સોમવારે રાત્રે અમેરિકાના રિપ્રેઝેન્ટેટિવ બ્રેન્ડન લિંચ ભારત પહોંચ્યા હતા, ત્યારબાદ ભારતીય પક્ષ સાથે વેપારને લઈ ચર્ચા થવાની હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલ 50 ટકા ટેરિફ બાદ બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.
મંગળવારે થયેલી બેઠક બાદ અમેરિકાના દૂતાવાસના પ્રવક્તાએ જણાવ્યું કે, 'સહાયક યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ બ્રેન્ડન લિંચે તેમના સમકક્ષ રાજેશ અગ્રવાલ સાથે 16 સપ્ટેમ્બરના રોજ દ્વિપક્ષીય વેપાર વાતચીતના મુદ્દા પર સકારાત્મક બેઠક કરી છે.' ખાસ વાત એ છે કે, ભારત તરફથી પણ આ બેઠકને સકારાત્મક ગણાવવામાં આવી છે. અગાઉ ટ્રમ્પે માહિતી આપી હતી કે ભારત સાથે વાતચીત ચાલુ છે. ભારત સરકારે કહ્યું કે, 'ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપારના કાયમી મહત્વને સ્વીકારીને વાતચીત સકારાત્મક રહી...'
સોમવારથી વધી અપેક્ષાઓ
રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા માટે અમેરિકાના બજારમાં પ્રવેશતા ભારતીય માલ પર 25 ટકા ડ્યુટી અને 25 ટકા વધારાનો દંડ લગાવ્યા બાદ આ ઉચ્ચ કક્ષાના યુએસ વેપાર અધિકારીની પહેલી મુલાકાત છે.
વાણિજ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, લિંચ અને ભારતીય અધિકારીઓ વચ્ચેની બેઠકને છઠ્ઠા રાઉન્ડની વાતચીત તરીકે નહીં, પરંતુ તેના પૂર્વગામી તરીકે જોવી જોઈએ. અધિકારીએ એમ પણ કહ્યું કે, ભારત અને અમેરિકા સાપ્તાહિક ધોરણે વર્ચ્યુઅલ ચર્ચાઓ કરી રહ્યા છે.
મળ્યા સારા સંકેતો
અમેરિકા-ભારત વેપાર વાતચીત પાટા પર આવવાની ઉમ્મીદ વધતા મંગળવારે યુએસ ડોલર સામે રૂપિયો આઠ પૈસા મજબૂત થઈને 88.08 પ્રતિ ડોલર પર બંધ થયો છે. ફોરેક્સ વેપારીઓએ જણાવ્યું કે, સકારાત્મક સ્થાનિક બજારો અને કમજોર ડોલરને કારણે રૂપિયો મજબૂત થયો છે. અમેરિકી ડોલર ફેડરલ રિઝર્વની આગામી બેઠક અને નિરાશાજનક આર્થિક ડેટા પહેલા બે મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે.