India Pakistan Tension: ભારતની પાકિસ્તાન પર વધુ એક 'સ્ટ્રાઈક', આ લોકોને 24 કલાકમાં દેશ છોડવાનો આદેશ
India Pakistan Tension: જોકે ભારતે પાકિસ્તાનની અપીલ બાદ ઓપરેશન સિંદૂર સ્થગીત કરી દીધું છે, પરંતુ તેને પાઠ ભણાવવાનું અભિયાન ચાલુ છે.
Trending Photos
India Pakistan Tension: ભારતે હાલ પુરતું ઓપરેશન સિંદૂર સ્થગીત કરી દીધું છે, પરંતુ કુટનીતિક રીતે અભિયાન ચાલુ છે. પંજાબ પોલીસે બે પાકિસ્તાની જાસૂસોની ધરપકડ કર્યા બાદ, ભારત સરકારે એક પાકિસ્તાની ડિપ્લોમેટને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જણાતાં 'પર્સોના નોન ગ્રેટા' જાહેર કર્યો છે. તેના પર પંજાબમાં સક્રિય પાકિસ્તાની જાસૂસોને ભંડોળ પૂરું પાડવાનો આરોપ છે. તેમને 24 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
24 કલાકમાં દેશ છોડવાનો આદેશ
મંગળવારે વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે આ અધિકારી નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં કાર્યરત હતા. પરંતુ તેમની પ્રવૃત્તિઓ તેમના રાજદ્વારી દરજ્જા અનુસાર નહોતી. સરકારે તેમને 24 કલાકની અંદર ભારત છોડવાનો આદેશ આપ્યો છે. આ સંદર્ભમાં, પાકિસ્તાન હાઈ કમિશનના કાર્યકારી હાઈ કમિશનરને ઔપચારિક માહિતી આપવામાં આવી છે.
પંજાબ પોલીસે 2 જાસૂસો પકડ્યા
આ પહેલા, પંજાબ પોલીસે જાસૂસી પ્રવૃત્તિઓમાં સામેલ એક મહત્વપૂર્ણ નેટવર્કનો પર્દાફાશ કરવામાં પણ મોટી સફળતા મેળવી હતી. પંજાબ પોલીસ ડીજીપીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે એક મહત્વપૂર્ણ સફળતામાં, માલેરકોટલા પોલીસે નવી દિલ્હીમાં હાઇ કમિશનમાં તૈનાત પાકિસ્તાની અધિકારી સાથે જોડાયેલી જાસૂસી પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણી બદલ બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.
ડીજીપીએ કહ્યું કે 'પંજાબ પોલીસે વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી. તે પાકિસ્તાનમાં તેના હેન્ડલરને ભારતીય સેનાની ગતિવિધિઓ વિશેની સંવેદનશીલ માહિતી લીક કરતો હતો. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે બીજા શંકાસ્પદ વ્યક્તિ વિશે માહિતી મળી. આ પછી તેને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો.
પાકિસ્તાનને મોકલી રહ્યા હતા માહિતી
પંજાબ પોલીસ વડાના જણાવ્યા અનુસાર, 'પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને આરોપીઓ પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપવાના બદલામાં ઓનલાઈન માધ્યમથી ચુકવણી મેળવતા હતા.' તેઓ તેમના હેન્ડલર સાથે સતત સંપર્કમાં હતા અને તેમની સૂચનાઓ અનુસાર અન્ય સ્થાનિક કાર્યકરોને ભંડોળ પૂરું પાડવામાં સામેલ હતા. તેની પાસેથી બે મોબાઈલ ફોન મળી આવ્યા છે. આ સાથે, કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ તેજ કરવામાં આવી છે.
પંજાબના ડીજીપી ગૌરવ યાદવે પોતાની પોસ્ટમાં લખ્યું કે 'આ ઓપરેશન સરહદ પારના જાસૂસી નેટવર્કને ખતમ કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. પંજાબ પોલીસ દેશની સાર્વભૌમત્વની રક્ષા કરવા અને આંતરિક સુરક્ષા માટેના ખતરાઓને નિષ્ક્રિય કરવામાં અડગ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે