ગુજરાતી ન્યૂઝIndiaIndore Couple: આ 2 વસ્તુએ સોનમના ષડયંત્રનો ભાંડો ફોડ્યો...સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તે પકડાવી દેશે

Indore Couple: આ 2 વસ્તુએ સોનમના ષડયંત્રનો ભાંડો ફોડ્યો...સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તે પકડાવી દેશે

Sonam Raghuvandhi And Raja Raghuvanshi: સોનમે તેના પ્રેમી રાજ કુશવાહા સાથે મળીને પતિ રાજાની હત્યાનું ષડયંત્ર રચ્યું. રાજ કુશવાહા સોનમથી ઉંમરમાં નાનો છે અને તે સોનમના પિતાની ફેક્ટરીમાં કામ કરતો હતો. સોનમના આ જઘન્ય કૃત્યની પોલ કેવી રીતે ખુલી તે પણ જાણવા જેવું છે. 

Indore Couple: આ 2 વસ્તુએ સોનમના ષડયંત્રનો ભાંડો ફોડ્યો...સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તે પકડાવી દેશે

ઈન્દોરનું નવપરિણીત કપલ રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશી 11 મેના રોજ લગ્ન બાદ હનીમૂન માટે મેઘાલય ગયા હતા અને ત્યાં રાજા રઘુવંશીની હત્યા થઈ. આ હત્યાનો કેસ ઉકેલવા માટે મેઘાલય પોલીસે બે મહત્વના ક્લુ મેળવ્યા અને કેસને ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો. જેમાં એક હતું લોહીથી ખરડાયેલું દાવ (નાની કુહાડી) અને ટુરિસ્ટ ગાઈડનું નિવેદન. 

ગાઈડે જણાવ્યું હતું કે રાજા અને તેની પત્ની સોનમ રઘુવંશીની સાથે ત્રણ હિન્દી બોલતા વ્યક્તિઓ જોવા મળ્યા હતા. નોંધનીય છે કે આ હત્યાકાંડમાં સોનમ, રાજા રઘુવંશી અને 3 ભાડાના હત્યારાઓ આકાશ રાજપૂત, આનંદ કુર્મી, અને વિશાલ ચૌહાણની ધરપકડ કરાઈ છે. 

Add Zee News as a Preferred Source

પોલીસ તપાસમાં સામે આવ્યું કે સોનમે તેના પ્રેમી રાજ કુશવાહા સાથે મળીને પતિ રાજાની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. રાજ કુશવાહા સોનમથી ઉંમરમાં આશરે 4-5 વર્ષ નાનો હતો અને સોનમના પિતાની પ્લાઈવુડની ફેક્ટરીમાં કામ કરતો હતો. જ્યાં બંનેનો પ્રેમ પ્રસંગ શરૂ થયો હતો. આ ષડયંત્રને અંજામ આપવા માટે રાજે 3 સોપારી કિલર્સને હાયર કર્યા હતા. 

પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ 23 મેના રોજ બપોરે માસ્ટરમાઈન્ડ રાજ કુશવાહાની યોજના હેઠળ આકાશ, આનંદ અને વિશાલે મેઘાલયની વાદીઓમાં પહેલા તો રાજા સાથે કોઈ બહાને વાતચીત શરૂ કરી અને પછી તક જોઈને પાછળથી હુમલો કર્યો હતો. ફક્ત હત્યાના ઈરાદે ખરીદાયેલા એક નવા હથિયાર દાવથી વાર કર્યા બાદ રાજાને અધમૂઆ જેવી હાલતમાં વેઈસાવડોંગ ઝરણા પાસે એક ખાઈમાં ફેંકી દીધો. થોડીવાર પહેલા જ સોનમે તેની સાસુ સાથે ફોન પર વાત કરી હતી. જેથી કરીને કોઈ શંકા ન જાય. ત્યારબાદ તમામ આરોપીઓ અને સોનમ પોતાની મંજિલ તરફ નીકળી ગયા હતા. 

બીજી બાજુ કપલના ગાયબ થવાના રિપોર્ટ પર મેઘાલય પોલીસે તપાસ તેજ કરી. 2 જૂનના રોજ રાજાનો કોહવાઈ ગયેલો મૃતદેહ ખાઈમાંથી મળ્યો જેની પાસે એક મહિલાનું સફેદ શર્ટ, અને કેટલોક સામાન મળ્યો. પોસ્ટમોર્ટમમાં હત્યાની પુષ્ટિ થઈ. માવલખિયાતના ટુરિસ્ટ ગાઈડના નિવેદને તપાસને નવી દિશા આપી. જેમાં તેણે 3 શંકાસ્પદ વ્યક્તિઓને રાજા અને સોનમ સાથે જોવાની વાત કરી. 

પોલીસે હત્યામાં ઉપયોગ કરાયેલા હથિયાર દાવ સાથે હોટલ બહાર લાગેલા સીસીટીવી ફૂટેજ અને કોલ રેકોર્ડ્સથી મહત્વના પુરાવા ભેગા કર્યા. પોલીસે અંદાજો લગાવ્યો કે જો સ્થાનિક અપરાધીઓ હત્યા કરત  તો નવા દાવનો ઉપયોગ કેમ કરત?

બીજી બાજુ એક ફૂટેજમાં ગભરાયલી સોનમ તેના પતિ રાજાથી દૂર જઈને મોબાઈલમાં ચેટ કરતી જોવા મળી. આ હરકતથી પોલીસને સોનમ પર શક વધ્યો. ત્યારબાદ સીડીઆરમાં રાજ કુશવાહા સાથે સોનમની વાતચીત સામે આવી અને સોનમના મોબાઈલ નંબરથી ડાયલ નંબરોની તપાસ કરતા કનેક્શન ઈન્દોર સાથે જોડાતું જોવા મળ્યું. જેના પર ઈન્દોર પોલીસની મદદ લેવાઈ. ઈન્દોર પોલીસે મેઘાલય પોલીસે મોકલેલા નંબરોવાળા યુવકોને ઉઠાવ્યા તો આખો કેસ ઉકેલાઈ ગયો. 

અત્રે જણાવવાનું કે 11 મે 2025ના રોજ રાજા અને સોનમના લગ્ન થયા હતા. 20 મેના રોજ હનીમૂન માટે શિલોંગ ગયા. 22 મેના રોજ માવલખિયાત ગામ પહોંચ્યા અને નોંગ્રિયાટના શિપારા હોમસ્ટેમાં રોકાયા. 23 મેના રોજ ચેકઆઉટ કર્યા બાદ બપોરે રાજાની હત્યા થઈ. 9 જૂને સોનમ ગાઝીપુરના એક ઢાબા પર મળી. એવું કહેવાય છે કે તેણે પોતે સરન્ડર કર્યું. ત્યારબાદ તેને કસ્ટડીમાં લેવાઈ. પોલીસના જણાવ્યાં મુજબ સીસીટીવી, કોલ રેકોર્ડ્સ અને ગાઈડના નિવેદને ષડયંત્રનો પર્દાફાશ કર્યો. સોનમ સહિત ચાર આરોપીઓેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર શિલોંગ લઈ જવાશે. પોલીસ હવે ષડયંત્રના દરેક પહેલુની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news