)
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોતાના પદ પર અઢી વર્ષ પૂરા કર્યા બાદ હવે કર્ણાટકમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. એવું કહેવાય છે કે વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કોંગ્રેસ હાઈ કમાને સિદ્ધારમૈયા અને ડી કે શિવકુમાર વચ્ચે 2.5-2.5 વર્ષ સીએમ પદનો ફોર્મ્યૂલા આપ્યો હતો. એટલે કે વારા ફરતી બંને નેતા મુખ્યમંત્રી બનશે. જો કે સિદ્ધારમૈયાએ હજુ સુધી પોતાનું રાજીનામું સોંપ્યું નથી અને તેઓ તેના માટે તૈયાર હોય તેવું પણ જણાતું નથી. ત્યારબાદ હવે શિવકુમારે પાર્ટી હાઈ કમાન પર દબાણ વધારવાનું શરૂ કરી દીધુ છે. તેઓ તેમના વફાદાર એક મંત્રી અને કેટલાક વિધાયકોની સાથે પાર્ટી હાઈકમાનને મળવા માટે નવી દિલ્હી પહોંચ્યા છે.
ડી કે શિવકુમાર સાથે કર્ણાટકના મંત્રી એન ચેલુવરયસ્વામી દિલ્હી પહોંચ્યા છે. આ ઉપરાંત વિધાયક ઈકબાલ હુસૈન, એચ સી બાલકૃષ્ણ અને એસ આર શ્રીનિવાસ પણ દિલ્હી પહોંચ્યા. સૂત્રો મુજબ શુક્રવારે 12 વધુ વિધાયકો ત્યાં પહોંચવાની શક્યતા છે. ડી કે શિવકુમારનો દાવો છે કે 2023માં કોંગ્રેસની જીત બાદ રોટેશન ઓફ ચીફ મિનિસ્ટર ફોર્મ્યૂલા પર સહમતિ બની હતી. આ ફોર્મ્યૂલા હેઠળ સિદ્ધારમૈયાના અઢી વર્ષ પૂરા થયા બાદ ડી કે શિવકુમારે મુખ્યમંત્રી બનવાનું છે. તે પહેલા લગભગ એક ડઝન એમએલસીએ પણ દિલ્હીમાં ધામા નાખ્યા હતા અને કોગ્રેસ મહાસચિવો સાથે મુલાકાત કરી હતી.
ડેપ્યુટી સીએમ ડી કે શિવકુમારના વફાદાર કોંગ્રેસ વિધાયકોની એક ટીમ ગુરુવારે દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને મળી અને આગ્રહ કર્યો કે સિદ્ધારમૈયાને હટાવીને હવે ડી કે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવામાં આવે. એવું કહેવાય છે કે ખડગે સાથે 10 મિનિટ સુધી ડી કે નાવિધાયકોએ ચર્ચા કરી. કોંગ્રેસ નેતાઓએ પાવર શેરિંગ પેક્ટનું સન્માન કરવાની વાત કરી. કુલ સાત વિધાયકો દિલ્હીમાં હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે ડી કે શિવકુમારને આ મામલે વિધાયકોના દિલ્હી પહોંચવા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ એ વાતથી અજાણ છે અને તેમની તબિયત સારી નથી. જો કે મુખ્યમંત્રી પદ પર સિદ્ધારમૈયાના હાલના નિવેદન પર તેમણે કહ્યું કે મને એ વાતની ખુબ ખુશી છે. કોઈએ ના નથી કહી. કોઈએ એ સવાલ નથી કર્યો કે તેઓ મુખ્યમંત્રી નહીં રહે. અમારી પાર્ટીએ તેમને મુખ્યમંત્રી તરીકે કામ કરવાની જવાબદારી સોંપી છે અને અમે બધા મળીને કામ કરી રહ્યા છીએ.
બીજી બાજુ બેંગ્લુરુથી દિલ્હી સુધી પાવર શેરિંગની વાતો થવા લાગી છે. પરંતુ સીએમ સિદ્ધારમૈયા ખુરશી છોડવા તૈયાર નથી. તેમણે સ્પષ્ટ કરી દીધુ છે કે પાર્ટીના નેતાઓને કેબિનેટમાં ફેરફાર કરવાની કોઈ જરૂર નથી. હા ખાલી પદો જરૂર ભરાશે. ચામરાજનગરમાં એક સભાને સંબોધિત કરતા સિદ્ધારમૈયાએ સ્પષ્ટ સંકેત આપ્યો કે તેઓ મુખ્યમંત્રી રહેશે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે તેમની સ્થિતિ શરૂઆતથી જ મજબૂત રહી છે અને ભવિષ્યમાં પણ રહેશે. તેમણે પોતાના ગત પડકારોને યાદ કરતા કહ્યું કે, જ્યારે હું પહેલીવાર નાણામંત્રી બન્યો તો એક અખબારે લખ્યું હતું કે આ સિદ્ધારમૈયા 100 ઘેટા બકરા પણ ગણી શકતો નથી, કર્ણાટકના નાણામંત્રી તરીકે કેવી રીતે કામ કરસે. મે તેને એક પડકાર તરીકે ઝીલી લીધો. મે 16 બજેટ રજૂ કર્યા છે. આગામી 17મું બજેટ પણ રજૂ કરીશ. આ નિવેદન રોટેશનની અટકલોને સીધી રીતે ફગાવવા જેવું માનવામાં આવી રહ્યું છે.
વેણુગોપાલ ન મળ્યા
એવું કહેવાય છે કે ખડગેએ વિધાયકોને કહ્યું છે કે કેબિનેટમાં ફેરબદલને લઈને રાહુલ ગાંધી નિર્ણય લેશે. તમે લોકો દિલ્હી ફરી ન આવતા કારણ કે તેનાથી મીડિયામાં ચર્ચા અને અટકળો થવા લાગે છે. વિધાયકોએ કોંગ્રેસ મહાસચિવ (સંગઠન) કે સી વેણુગોપાલને પણ મળવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ કદાચ તેમને એપોઈન્ટમેન્ટ ન મળી. 10 નવેમ્બરે જ સિદ્ધારમૈયાની સરકારે અઢી વર્ષ પૂરા કર્યા છે. દિલ્હી આવેલા વિધાયકોને જણાવવામાં આવ્યું છે કે ખડગે શનિવારે બેંગ્લુરુ જઈ રહ્યા છે. આવામાં સ્પષ્ટ છે કે કર્ણાટકનું સંકટ કોંગ્રેસની મુશ્કેલીઓ વધારી શકે છે.
ડી કે શિવકુમારના ભાઈ અને પૂર્વ સાંસદ ડી કે સુરેશે કહ્યું કે સિદ્ધારમૈયા ક્યારેય પોતાના વચનથી પીછેહટ કરતા નથી. જો કે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સિદ્ધારમૈયા શિવકુમારને આપેલું વચન નિભાવશે તો તેમણે કહ્યું કે તેના વિશે તેમને કોઈ જાણકારી નથી. સુરેશે કહ્યું કે તેમના ભાઈ ડી કે શિવકુમારે જે પણ કઈ જરૂરી હતું તે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને જણાવી દીધુ છે. તેમણે કહ્યું કે, હવે આ મામલો પાર્ટી, તેમના નેતૃત્વ, AICC અધ્યક્ષ અને રાહુલ ગાંધીના નિર્ણય પર છોડવામાં આવ્યો છે.