)
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં મંગળવારે પતિ-પત્ની વચ્ચે લગ્ન વિવાદમાં ભરણપોષણને લઈને એક હાઈ પ્રોફાઇલ કેસ આવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ (CJI) ભૂષણ આર ગવઈની બેચની સામે આ મુદ્દાને લઈને રસપ્રદ ચર્ચા થઈ. આખરે સુપ્રીમ કોર્ટે ઘણી ટિપ્પણીઓ કરી ચુકાદો સુરક્ષિત રાખી લીધો. આ દરમિયાન CJI ગવઈએ મહિલાને કહ્યું કે તે ભણેલી-ગણેલી છે તો પતિના ભરણપોષણના વિશ્વાસે ન રહેવું જોઈએ. ખાસ વાત છે કે મહિલા પોતાનો કેસ ખુદ લડી રહી હતી.
18 મહિનાના લગ્નમાં 1 કરોડ
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ગવઈએ મહિલાને પૂછ્યું, 'તમારી શું માગ છે?' તેના પર મહિલાએ કહ્યું કે બસ મુંબઈવાળું ઘર અને 12 કરોડ રૂપિયાનું ભરણપોષણ. તેના પર CJI ગવઈએ કહ્યુ- પરંતુ તે ઘર કલ્પતરૂમાં છે.. સારા બિલ્ડરોમાંથી એક. તમે IT એક્સપર્ટ છો, તમે MBA કર્યું છે. તમારી ડિમાન્ડ છે! બેંગલુરૂ, હૈદરાબાદમાં, તમે નોકરી કેમ નથી કરતા? તમારા લગ્ન માત્ર 18 મહિના ચાલ્યા અને હવે તમે એક BMW પણ ઈચ્છો છો? 18 મહિનાના લગ્ન અને તમે દર મહિને એક કરોડ ઈચ્છો છો. મહિલાએ જવાબ આપ્યો, 'પરંતુ તે ખુબ ધનવાન છે. તેણે મને સ્કિઝોફ્રેનિયાનો શિકાર ગણાવી અને લગ્ન રદ કરવાની માંગ કરી.'
CJI એ આવકવેરા રિટર્ન માંગ્યું
આ દરમિયાન, પતિ વતી વરિષ્ઠ વકીલ માધવી દીવાને કહ્યું, 'તેને પણ કામ કરવું પડે છે. આ રીતે બધું માંગી શકાય નહીં.' મહિલાએ પૂછ્યું, 'શું હું સ્કિઝોફ્રેનિયાથી પીડિત દેખાઉં છું?' CJI ગવઈએ કહ્યું, 'આવકવેરા રિટર્ન ફાઇલ કરો. પરંતુ સમજો કે તમે તેના પિતાની મિલકતનો પણ દાવો કરી શકતા નથી.' બપોરના ભોજન પછી સુનાવણી ફરી શરૂ થઈ. CJI ગવઈની બેન્ચે પતિનું આવકવેરા રિટર્ન જોયું.
'મુંબઈમાં કમાઈ શકાય છે'
વરિષ્ઠ વકીલ દીવાને કહ્યું, 'કૃપા કરીને સંપૂર્ણ નકલ આપો. 2015-16 માં આવક વધુ છે કારણ કે તે સમયે તે નોકરી કરતો હતો. 2 કરોડ 50 લાખ અને 1 કરોડનું બોનસ, પ્રોક્સી વ્યવસાયના પણ આરોપો છે. ચાલો આને ઉદાહરણ તરીકે લઈએ. તે બેલેન્સ શીટ પણ છે. તે જે ફ્લેટમાં રહે છે તે ઉપરાંત, બે કાર પાર્કિંગ પણ છે. તે તેમાંથી કમાઈ શકે છે.' આના પર ચીફ જસ્ટિસ ગવઈ સંમત થયા, 'હા હા, મુંબઈમાં બધી જગ્યાએથી પૈસા કમાઈ શકાય છે.' દીવાને આગળ કહ્યું, 'તે જે BMWનું સ્વપ્ન જોઈ રહી છે તે 10 વર્ષ જૂની છે અને ઘણા સમય પહેલા બંધ થઈ ગઈ છે.'
'ખુદ કમાણી કરો અને ખાવો'
CJI ગવઈએ મહિલાને કહ્યુ- 'કાં તો તમને કોઈ બોજ વગર ફ્લેટ મળશે અથવા કંઈ નહીં. જ્યારે તમે ઉચ્ચ શિક્ષિત હોવ અને તમારી સ્વતંત્ર ઇચ્છાથી કામ ન કરવાનું નક્કી કરો... કાં તો તમે તે 4 કરોડ રૂપિયા લો, પુણે/હૈદરાબાદ/બેંગલુરુમાં સારી નોકરી શોધો. આઈટી સેન્ટરોમાં માંગ છે.' આના પર અરજદાર મહિલાએ ફરિયાદ કરી, 'તેઓએ મને પણ મારી નોકરી છોડાવી દીધી. મારા પર FIR દાખલ કરાવી દીધી.' તેના પર મુખ્ય ન્યાયાધીશે કહ્યુ- તમે FIR આપી દો અમે રદ્દ કરાવી દઈશું. અમે નિર્દેશ આપીશું કે કોઈપણ પક્ષ એક-બીજા વિરુદ્ધ કોઈ આપરાધિક કાર્યવાહી શરૂ નહીં કરે. તેના પર પતિના વકીલે જણાવ્યું કે આ તો સમજુતીમાં છે. ચુકાદો સુરક્ષિત રાખતા CJI ગવઈએ મહિલાને કહ્યું- તમારે ખુદે માંગવું ન જોઈએ પરંતુ તમારે કમાણી કરી ખાવું જોઈએ.'