અઢી દિવસ મુખ્યમંત્રી રહી યેદિયુરપ્પાએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો

ભાજપ કર્ણાટકમાં સરકાર બનાવવામાં પહેલીવાર નિષ્ફળ નથી રહી અગાઉ પણ આવુ થઇ ચુક્યું છે

Updated By: May 19, 2018, 06:47 PM IST
અઢી દિવસ મુખ્યમંત્રી રહી યેદિયુરપ્પાએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હી : કર્ણાટકમાં મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ શનિવારે કર્ણાટક વિધાનસભામાં શક્તિ પરીક્ષણ પહેલા જ પોતાનુ રાજીનામુ આપી દીધું હતું. તેમણે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન જ રાજીનામું આપી દીધું હતું. આ સાથે જ તેમણે સૌથી ઓછા સમય સુધી મુખ્યમંત્રી રહેવાનો પોતાનો જ રેકોર્ડ તોડી દીધો. સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ કર્ણાટકનાં મુખ્યમંત્રી યેદિયુરપ્પાને 19 મે સાંજે ચાર વાગ્યે રાજ્ય વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરવાની હતી. જો કે તેની નોબત જ આવવા દીધી નહોતી. 

અગાઉ 2004ની વિધાનસભા ચૂંટણીમાં પણ જ્યારે ભાજપ કર્ણાટકની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી ત્યારે પણ પાર્ટી સરકાર બનાવી શકી નહોતી. ત્યાર બાદ 2007માં જોડતોડ કરીને ભાજપનો જેડીએસ સાથે ગઠબંધન થયું હતું. જો કે યેદિયુરપ્પાનાં મુખ્યમંત્રી પદની શપથવિધિનાં 7 દિવસની અંદર જેડીએસએ પોતાનું સમર્થન પાછુ ખેંચી લીધું હતું અને યેદિયુરપ્પા સરકારનું બાળ મરણ થયું હતું. 

આજે યેદિયુરપ્પા સરકાર ફ્લોર ટેસ્ટ પહેલા જ હારીને સાત દિવસના બદલે અઢી દિવસમાં જ પડી ગઇ હતી. જેથી યેદિયુરપ્પાએ પોતે જ પોતાનો 7 દિવસનો રેકોર્ડ તોડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી પરિસ્થિતી હજી પણ ડામાડોળ છે. જો કે કોંગ્રેસ અને જેડીએસ બંન્ને સંયુક્ત સરકાર બનાવે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.