ભારતીય રેલ્વેએ દેશભરમાં કનેક્ટિવિટી વધારવા માટે ઘણી નવી ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. આ સંબંધમાં કટરા-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અહીં પ્રવાસનને પણ પ્રોત્સાહન આપશે.

Katra-Srinagar Vande Bharat Express: શ્રી માતા વૈષ્ણો દેવી મંદિરે જનારાઓ માટે સારા સમાચાર છે. વાસ્તવમાં શ્રીનગર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલે કાશ્મીર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપવા જઈ રહ્યા છે. આ સાથે દેશમાં કોઈ પણ વ્યક્તિ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ટ્રેનમાં મુસાફરી કરી શકશે. હાલમાં કટરાથી શ્રીનગર જવા માટે લગભગ 6 થી 7 કલાકનો સમય લાગે છે, પરંતુ નવી વંદે ભારત ટ્રેન શરૂ થતાં આ મુસાફરી માત્ર 3 કલાકમાં પૂર્ણ કરી શકાશે.
19 એપ્રિલે ઉદ્ઘાટન
કટરા-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન 19 એપ્રિલ, 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. આ ટ્રેન કટરા અને શ્રીનગર વચ્ચેની કનેક્ટિવિટી વધારશે, જે વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ, ચિનાબ રેલ બ્રિજ સહિત અનેક સ્થળોએથી પસાર થશે. અહેવાલો અનુસાર દિલ્હીથી ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરોએ નવી દિલ્હીથી શ્રીનગરની ટિકિટ લેવી પડશે, પરંતુ કટરા પહોંચ્યા પછી મુસાફરોએ બીજી ટ્રેન લેવી પડશે.
શું રહેશે સમય અને રૂટ?
વંદે ભારત એક્સપ્રેસ કટરાથી ઉપડશે અને ઉધમપુર, રામબન, બનિહાલ અને અનંતનાગ થઈને શ્રીનગર પહોંચશે. આ ટ્રેન સવારે કટરાથી ઉપડશે અને બપોર સુધીમાં શ્રીનગર પહોંચશે. પરત ફરતી વખતે તે સાંજે શ્રીનગરથી રવાના થશે અને રાત્રે કટરા પહોંચશે. જો કે, ચોક્કસ સમયપત્રક હજુ જાહેર કરવામાં આવ્યું નથી.
કેટલું હશે ભાડું?
વંદે ભારત એક્સપ્રેસનું ભાડું અંતર અને કોચના આધારે નક્કી કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કટરાથી શ્રીનગર સુધી ચેર કારનું ભાડું 800 રૂપિયાથી 1000 રૂપિયાની વચ્ચે નક્કી કરી શકાય છે. જ્યારે એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડું રૂ. 1,600 થી રૂ. 2,000ની વચ્ચે હોઇ શકે છે. આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. વંદે ભારત દ્વારા કટરાથી શ્રીનગરની યાત્રા માત્ર 3 કલાકમાં પૂર્ણ કરી શકાય છે.
તમને જણાવી દઈએ કે કાશ્મીરને રેલ દ્વારા જોડવાનો આ પ્રોજેક્ટ 1997માં શરૂ થયો હતો, પરંતુ તેના કામમાં ઘણી સમસ્યાઓ આવી હતી, જેના કારણે નિર્માણમાં સતત વિલંબ થતો હતો.