VIDEO કેરળ: નેવીના જવાનોનું અદમ્ય સાહસ, હેલિકોપ્ટરથી ગર્ભવતી મહિલાને કરી એરલિફ્ટ
ભારતના દક્ષિણ રાજ્ય કેરળ પર હાલ સદીની સૌથી મોટી ત્રાસદી જોવા મળી રહી છે. કેરળ હાલ ભયંકર પૂર અને વરસાદની કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે.
નવી દિલ્હી: ભારતના દક્ષિણ રાજ્ય કેરળ પર હાલ સદીની સૌથી મોટી ત્રાસદી જોવા મળી રહી છે. કેરળ હાલ ભયંકર પૂર અને વરસાદની કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. અનેક જિલ્લાઓમાં ભૂસ્ખલન અને પથ્થરો પડવાના કારણે લોકોની સ્થિતિ કફોડી બની છે. પૂર અને સતત અટકી અટકીને વરસી રહેલા વરસાદના કારણે છેલ્લા 9 દિવસમાં કુલ મોતનો આંકડો 10થી વધીને 324 પર પહોંચી ગયો છે.
રાહત અને બચાવ કાર્યમાં એનડીઆરએફ
એનડીઆરએફએ શુક્રવારે રાહત અને બચાવ કાર્યમાં ઝડપ કરી છે. અનેક વિસ્તારોમાંથી હજારો લોકો પોતાના ઘરોની છત પર રાત ગુજારી રહ્યાં છે અને સેનાની રાહ જોઈ રહ્યાં છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ભારતીય સેના દ્વારા એક ગર્ભવતી મહિલાને એરલિફ્ટ કરવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
એરલિફ્ટ કરીને બચાવાઈ મહિલાને
સૌથી પહેલા ભારતીય નેવીના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયોને શેર કરવામાં આવ્યો. જેમાં મહિલા એક વિસ્તારમાં ફસાયેલી હતી. તેને બચાવવા માટે વોટરબેગનો સહારો લેવાયો હતો. વોટરબેગ લીક થયા બાદ આ મહિલાને બચાવવા માટે નેવી હેલિકોપ્ટરથી તેને એરલિફ્ટ કરાઈ અને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડાઈ. સેનાના જવાનોના આ પરાક્રમને જોયા બાદ દરેક જણ તેમને સલામ કરી રહ્યાં છે.
મહિલાને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડ્યા બાદ નેવી તરફથી એક ટ્વિટ કરવામાં આવી જેમાં મિશનને સફળ ગણાવવામાં આવ્યું છે. આ સાથે જ સેનાએ મહિલાની કેટલીક તસવીરો પણ શેર કરી છે. તસવીરોને શેર કરતી વખતે લખાયુ છે કે મહિલાએ એક સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો છે.
કેરળમાં 3 દિવસ ભારે વરસાદનું એલર્ટ
હવામાન ખાતાએ રવિવાર સુધી કેરળમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. રાજ્યમાં 14માંથી 13 જિલ્લાઓને માર્ક્ડ કરીને રેડ એલર્ટ જાહેર કરાયા છે. કાસરગોડા, ઈડુક્કી, અલાપ્પુઝા, ત્રિશુર, એર્નાકુલમ જિલ્લામાં હાલત સૌથી ખરાબ છે. પીએમ મોદી પણ હાલ કેરળમાં છે. તેઓ આજે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી શકે છે.