)
લદાખમાં છેલ્લા કેટલાક દિવસથી યુવાઓની ભીડ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહી છે જેણે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધુ. લેટેસ્ટ માહિતી મુજબ હિંસક વિરોધ પ્રદર્શનો બાદ લેહમાં કરફ્યૂ લગાવી દેવાયો છે. જ્યારે કારગિલમાં કલમ 163 લાગૂ કરાઈ છે. હિંસક વિરોધ પ્રદર્શનોમાં ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા છે અને 70 લોકો ઘાયલ થયા છે. ગૃહ મંત્રાલયે આરોપ લગાવ્યો કે વાંગચુકે 'અરબ સ્પ્રિંગ શૈલી'ના વિરોધ પ્રદર્શનો અને નેપાળમાં 'ઝેન ઝેડ' વિરોધ પ્રદર્શનોનો ઉલ્લેખ કર્યો જેનાથી લોકો ગુમરાહ થયા અને વાતચીત ચાલુ હોવા છતાં હિંસા ભડકી. બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ પૂર્ણ રાજ્યનો દરજ્જો અને સુરક્ષાની માંગણીને લઈને હિંસક વિરોધ પ્રદર્શનો બાદ જેમાં 4 લોકોના મોત થયા અને સુરક્ષાદળો સહિત 70 થી વધુ લોકો ઘાયલ થયા. ઉપરાજ્યપાલ કવિન્દર ગુપ્તાના આદેશ પર લેહમાં કરફ્યૂ લગાવવામાં આવ્યો છે.
લેહ વિરોધ પ્રદર્શન પર કેન્દ્ર સરકારની પ્રતિક્રિયા
ગૃહ મંત્રાલયે કહ્યું સોનમ વાંગચુકે છઠ્ઠી અનુસૂચિના વિસ્તાર અને લદાખને રાજ્યનો દરજ્જો આપવાની માંગણીને લઈને 10 સપ્ટેમ્બર 2025ના રોજ ભૂખ હડતાળ શરૂ કરી હતી. તેમાં કહેવાયું છે કે ભારત સરકાર આ મુદ્દાઓ પર લદાખ એપેક્સ બોડી (લેહ) અને કારગિલ ડેમોક્રિટેક અલાયન્સ સાથે સક્રિય રીતે વાતચીત કરી રહી છે, ઉચ્ચાધિકાર પ્રાપ્ત સમિતિ (એચપીસી) અને તેની ઉપ સમિતિ હેઠળ અનેક ઔપચારિક બેઠકો આયોજિત કરી રહ્યા છે. આ સાથે જ પ્રાદેશિક નેતાઓ સાથે અનેક અનૌપચારિક ચર્ચાઓ પર કરી રહી છે.
મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આ તંત્રના માધ્યમથી સંવાદની પ્રક્રિયાથી લદાખની અનુસૂચિત જનજાતિ માટે અનામત 45 ટકાથી વધારીને 84 ટકા કરવા, પરિષદોમાં એક તૃતિયાંશ મહિલાઓને અનામત આપવા અને ભોટી તથા પુર્ગીને અધિકૃત ભાષા જાહેર કરવા જેવા અભૂતપૂર્વ પરિણામ સામે આવ્યા છે. આ સાથે જ 1800 પદો પર ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે જે માંગણીઓને લઈને વાંગચુકે ભૂખ હડતાળ કરી છે તે પહેલેથી જ એચપીસીની આંતરિક ચર્ચાનું એક અભિન્ન અંગ છે. તેમણે કહ્યું કે અનેક નેતાઓ દ્વારા વારંવાર ભૂખ હડતાળ સમાપ્ત કરવાની અપીલ છતાં તેમણે પોતાના ધરણા ચાલુ રાખ્યા અને કથિત રીતે અરબ સ્પ્રિંગ શૈલીના વિરોધ પ્રદર્શનનો હવાલો આપીને તથા નેપાળમાં ઝેન ઝેડ (ઝી)ના વિરોધ પ્રદર્શનનો સંદર્ભ આપીને જનતાને ગુમરાહ કરી. નિવેદનમાં આગળ કહેવાયું છે કે એ સ્પષ્ટ છે કે સોનમ વાંગચુકે પોતાના ભડકાઉ નિવેદનો દ્વારા ભીડને ઉક્સાવી હતી. સંયોગથી આ હિંસક ઘટનાક્રમ વચ્ચે તેમણે પોતાના ધરણા તોડ્યા અને સ્થિતિને કાબૂમાં કરવા માટે કોઈ ગંભીર પ્રયત્ન કર્યા વગર એમ્બ્યુલન્સથી પોતાના ગામ જતા રહ્યા.
કારગિલમાં કલમ 163 લાગૂ
કારગિલ ડેમોક્રેટિક અલાયન્સ (કેડીએ)ના બંધના આહ્વાનને જોતા અધિકારીઓએ કારગિલ જિલ્લામાં કલમ 163 લાગૂ કરી છે. કેડીએએ લદાખની માંગણીઓ પ્રત્યે કેન્દ્ર સરકારની ઉદાસીનતાના વિરોધમાં કારગિલ જિલ્લામાં પૂર્ણ બંધની જાહેરાત કરી છે. આ નિર્ણય 24 સપ્ટેમ્બરના રોજ લેહમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનો અને સમગ્ર ક્ષેત્રમાં વધતા તણાવ બાદ લેવાયો છે. સુરક્ષા કારણોસરકારગિલના જિલ્લા મેજિસ્ટ્રેટ, રાકેશકુમાર આઈએએસએ જનતાને કોઈ પણ પ્રકારની પરેશાનીથી બચાવવા માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસ), 2023ની કલમ 163 હેઠળ તત્કાળ પ્રભાવથી પ્રતિબંધક હુકમ લાગૂ કરાયો છે.
આદેશમાં કહેવાયું છે કે પૂર્વ લેખિત મંજૂરી વગર કોઈ પણ પ્રકારના જુલૂસ, રેલી, જાહેર માર્ચ, કે પ્રદર્શનની મંજૂરી અપાશે નહી. આ સાથે જ પૂર્વ મંજૂરી વગર લાઉડસ્પીકર, ધ્વની એમ્પ્લીફાયર કે વાહનો પર લાગેલા જાહેર સંબોધન પ્રણાલીઓના ઉપયોગ ઉપર પણ પ્રતિબંધ રહેશે. શાંતિ ભંગ કે શત્રુતા ભડકાવનારા જાહેર નિવેદનો, ભાષણો કે ઈલેક્ટ્રોનિક સંદેશાઓ ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શાંતિ અને સૌહાર્દને નુકસાન પહોંચાડનારા હેતુઓ માટે પાંચ કે વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ રહેશે. આદેશનો ભંગ કરનારા પર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને અન્ય લાગૂ કાયદાઓની જોગવાઈઓ હેઠળ કડક કાર્યવાહી કરાશે. લેહમાં 36 વર્ષ બાદ આવી હિંસા અને કાનૂન વ્યવસ્થામાં ગડબડી જોવા મળી છે. 1989માં લેહમાં બૌદ્ધો અને મુસલમાનો વચ્ચે હિંસક ઝડપો થઈ ત્યારબાદ લદાખ બૌદ્ધ સંઘે મુસલમાનોનો સામાજિક અને આર્થિક બહિષ્કાર જારી રાખ્યો જેને 1992માં હટાવી લેવાયો.
પ્રદર્શનો પાછળ ષડયંત્ર?
આ બધા વચ્ચે લદાખના ઉપરાજ્યપાલ કવિન્દર ગુપ્તાએ કહ્યું કે લેહમાં વિરોધ પ્રદર્શન લોકોને ઉક્સાવવાના પ્રયત્નો અને બાંગ્લાદેશ અને નેપાળમાં વિરોધ પ્રદર્શનોની સરખામણીના કારણે ષડયંત્રની ગંધ આવી રહી છે. એએનઆઈ સાથે વાતચીતમાં ગુપ્તાએ વિરોધ પ્રદર્શનની ટીકા કરી અને સૂચન આપ્યું કે આ શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ. તેમણે કહ્યું કે લોકતાંત્રિક વ્યવસ્થામાં વિરોધ પ્રદર્શન એક અધિકાર છે. જો કે આ શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ. છેલ્લા બે દિવસથી લોકોને ભડકાવવાની કોશિશ થઈ રહી છે અને અહીં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોની સરખામણી બાંગ્લાદેશ અને નેપાળ થયેલા વિરોધ પ્રદર્શનો સાથે થઈ રહી છે. તેનાથી વિરોધ પ્રદર્શનો પાછળ કોઈ ષડયંત્રની ગંધ આવી રહી છે.