ચારા કૌભાંડ: ચાઈબાસા કેસમાં પણ લાલુ દોષિત જાહેર, 5 વર્ષની જેલ અને 5 લાખનો દંડ

સીબીઆઈની વિશેષ કોર્ટે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને ચારા કૌભાંડના અન્ય એક મામલા ચાઈબાસા ટ્રેઝરી કૌભાંડમાં દોષિત જાહેર કર્યા છે.

Updated By: Jan 24, 2018, 02:39 PM IST
ચારા કૌભાંડ: ચાઈબાસા કેસમાં પણ લાલુ દોષિત જાહેર, 5 વર્ષની જેલ અને 5 લાખનો દંડ

રાંચી: સીબીઆઈની વિશેષ કોર્ટે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને ચારા કૌભાંડના અન્ય એક મામલા ચાઈબાસા ટ્રેઝરી કૌભાંડમાં દોષિત જાહેર કર્યા છે. આ મામલે દલીલો 10 જાન્યુઆરીએ જ પૂરી થઈ ગઈ હતી પરંતુ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. આ મામલે જગન્નાથ મિશ્રાને પણ દોષિત ઠેરવવામાં આવ્યાં છે. સીબીઆઈ કોર્ટે લાલુ પ્રસાદ યાદવ તથા જગન્નાથ મિશ્રા સહિત 50 લોકોને આ મામલે દોષિત ઠેરવ્યાં છે. કોર્ટે લાલુ પ્રસાદ અને જગન્નાથ મિશ્રા બંનેને 5 વર્ષની જેલની સજા અને 5-5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે 6 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે. સીબીઆઈની અપરાધ શાખા મુજબ, 950 કરોડ રૂપિયાના ચારા કૌભાંડ સંલગ્ન ચાઈબાસા ટ્રેઝરીમાંથી 35,62000 રૂપિયા બનાવટ કરીને કાઢવાના મામલે સીબીઆઈના વિશેષ ન્યાયાધિશ સ્વર્ણશંકર પ્રસાદની કોર્ટે તેમને દોષિત ઠેરવ્યાં છે.   

ચાઈબાસા કેસ
દેવઘર ટ્રેઝરીની જેમ ચાઈબાસા ટ્રેઝરીમાંથી પણ 1992-93માં બનાવટ કરીને 33.67 કરોડ રૂપિયા કાઢવામાં આવ્યાં હતાં.આ મામલે નેતાઓ, પશુપાલન અધિકારીઓ અને આઈએએસ અધિકારીઓની મિલીભગતથી 67 નકલી ફાળવણી પત્રો પર રૂપિયા ઉપાડવામાં આવ્યાં હતાં. 1996માં આ મામલે પોલીસમાં ફરિયાદ દાખલ થઈ હતી તથા 12 ડિસેમ્બર 2001ના રોજ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.  લાલુ પ્રસાદ યાદવ અને ડૉ.જગન્નાથ મિશ્રા સહિત 76 લોકોને આરોપી બનાવવામાં આવ્યાં હતાં. 76માંથી 14 લોકોનું નિધન થઈ ચૂક્યું છે. અનેક આરોપીઓ સરકારી સાક્ષી બન્યાં છે. 

તેજસ્વી યાદવ ભડકી ગયા
કોર્ટના આ ચુકાદા બાદ લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ ભડકી ગયા અને પ્રતિક્રિયા આપતા કહ્યું કે લાલુ યાદવને ફસાવવામાં આવ્યાં છે. બિહારની જનતા લાલુપ્રસાદને નિર્દોષ માને છે. તેમણે આરોપ લગાવ્યો કે સીબીઆઈ કેન્દ્ર સરકારના ઈશારા પર કામ કરી રહી છે. તેમણે કહ્યું કે સરકારમાં અનેક દાગી લોકો બેઠા છે અને તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.  

લાલુ અગાઉ દેવઘર ટ્રેઝરી કૌભાંડની જેલમાં કાપી રહ્યાં છે સજા
આ અગાઉ લાલુ પ્રસાદ યાદવને દેવઘર ટ્રેઝરી કૌભાંડ મામલે દોષિત ઠરતા સાડા ત્રણ વર્ષની જેલની સજા થઈ છે અને તેઓ બિરસા મુંડા જેલમાં સજા કાપી રહ્યાં છે. ગત 6 જાન્યુઆરીના રોજ રાંચીની સીબીઆઈની એક વિશેષ કોર્ટે 950 કરોડ રૂપિયાના ચારા કૌભાંડ સંલગ્ન એક મામલામાં (દેવઘર ટ્રેઝરીમાંથી 89,27,000 રૂપિયા બનાવટી કરીને કઢાયા) બિહારના પૂર્વ મુખ્યમંત્રીને આ બદલ પાંચ લાખ રૂપિયાનો દંડ પણ થયો છે. જો તેઓ દંડ ન ભરે તો લાલુએ 6 માસ વધુ જેલમાં કાઢવા પડશે. કોર્ટે 23 ડિસેમ્બર 2017ના રોજ આ કેસમાં લાલુ પ્રસાદ અને અન્ય 15ને દોષિત જાહેર કર્યા હતાં.