લાલુ યાદવના પુત્રનું એલાન, બિહારમાંથી ઈંટ લઈ જઈને અયોધ્યામાં બનાવીશું રામ મંદિર

અયોધ્યામાં રામ મંદિર બનાવવાની વિરુદ્ધમાં રહેલા રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી) પ્રમુખ લાલુપ્રસાદ યાદવના પુત્ર અને પૂર્વ મંત્રી તેજપ્રતાપ યાદવે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

Updated By: Mar 10, 2018, 09:42 AM IST
લાલુ યાદવના પુત્રનું એલાન, બિહારમાંથી ઈંટ લઈ જઈને અયોધ્યામાં બનાવીશું રામ મંદિર

નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિર બનાવવાની વિરુદ્ધમાં રહેલા રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી) પ્રમુખ લાલુપ્રસાદ યાદવના પુત્ર અને પૂર્વ મંત્રી તેજપ્રતાપ યાદવે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેજપ્રતાપ યાદવે સીએમ નીતિશકુમારના ગૃહ જિલ્લા નાલંદાની એક સભામાં કહ્યું કે તેઓ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરશે. શુક્રવારે નાલંદા જિલ્લાના મધડા ગામમાં આયોજિત શીતલાષ્ટમી મેળામાં તેજપ્રતાપ યાદવે કહ્યું કે જો આગામી વખતે બિહારમાં આરજેડીની સરકાર બની તો અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે બિહારથી એક એક ઈંટ યુપી લઈ જવાશે અને રામ મંદિર બનાવવામાં આવશે. જો કે તેમણે એમ પણ કહ્યું કે રામ મંદિરનું નિર્માણ તમામ ધર્મોના લોકોને સાથે લઈને કરાશે.

આ અગાઉ તેજપ્રતાપ યાદવે શીતલાષ્ટમી મેળામાં દંગલ સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો. બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજપ્રતાવ યાદવે શંખનાદ તથા વાંસળી વગાડીને ભાષણની શરૂઆત કરી. તેમણે દંગલ સ્પર્ધાના સ્પર્ધકને સન્માનિત પણ કર્યાં. તેજપ્રતાપ યાદવે આરએસએસ અને ભાજપને નિશાન પર લીધા અને કહ્યું કે લોકો મત લીધા બાદ મંદિરનો મુદ્દો ભૂલી જાય છે. આ વખતે જો રાજ્યમાં આરજેડી સત્તામાં આવશે તો અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરાવવામાં આવશે.

અત્રે જણાવવાનું કે લાલુપ્રસાદ યાદવની છબી મુસ્લિમો પ્રત્યે નરમ વલણ ધરાવતા હોવાની છે. બિહારના રાજકારણમાં તેમની પાસે મુસ્લિમો અને યાદવોની મોટી વોટબેન્ક છે. રામ મંદિરના નામ પર રથયાત્રા કાઢનારા ભાજપના લાલકૃષ્ણ અડવાણીની તેમણે ધરપકડ કરાવી હતી. ત્યારબાદથી મુસ્લિમોનો તેમના પ્રત્યે ખાસ જોડાણ જોવા મળી રહ્યું છે. આવામાં તેજપ્રતાપ યાદવ દ્વારા રામ મંદિર બનાવવાની વાત કરવી એ રાજકીય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે.

2019ની લોકસભાની ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી રામ મંદિર પરનો ચુકાદો ટાળવા માટે એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સુપ્રીમ કોર્ટ પાસે માગણી કરી હતી. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ વિવાદ પર પોતાનો ચુકાદો 2019ની લોકસભાની ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી ટાળે કારણ કે આ મુદ્દાનું ખુબ રાજનીતિકરણ થશે. ઓવૈસીએ કહ્યું હતું કે જમીનના મુદ્દે અયોધ્યા વિવાદનો ધાર્મિક આસ્થા સાથે કોઈ લેવાદેવા નથી.

ઓવૈસીએ કહ્યું હતું રામ મંદિરનો મુદ્દો જમીનના માલિકી હક સંદર્ભે છે. તેને આસ્થા સાથે કોઈ લેવાદેવા નથી. તે ન્યાય અને ધર્મનિરપેક્ષતાના શાસન સાથે જોડાયેલો છે. દરેકે સુપ્રીમ કોર્ટનો ચુકાદો સ્વીકાર કરવો પડશે. હાલ સંસદની લોકસભાની ચૂંટણી પહેલા આ મુદ્દે કોઈ ફેસલો ન થવો જોઈએ કારણ કે તેનાથી ભારે રાજનીતિકરણ થઈ જશે.

આ પરિચર્ચામાં કોંગ્રેસના પ્રવક્તા સંજય નિરુપમ અને ભાજપના પ્રવક્ત સંબિત પાત્રા પણ સામેલ હતાં. ભાજપને આડેહાથ લેતા નિરુપમે કહ્યું હતું કે સત્તાધારી પાર્ટીને મંદિર બનાવવામાં રસ નથી પરંતુ આ મુદ્દાના રાજનીતિકરણમાં રસ છે.