Land Acquisition Rules: ધરખમ ફેરફાર! જમીન સંપાદન માટે આવશે નવો નિયમ, જો 5 વર્ષમાં જમીનનો ઉપયોગ ન કર્યો તો....

જમીન સંપાદન માટે નવો નિયમ લાવવાની તૈયારીઓ થઈ રહી છે. અનેક એવા ફેરફાર જોવા મળી શકે છે જે તમારે જાણવા જરૂરી છે. ફેરફારોનો પ્રસ્તાવ કેબિનેટને મોકલી દેવાયો છે. 

Land Acquisition Rules: ધરખમ ફેરફાર! જમીન સંપાદન માટે આવશે નવો નિયમ, જો 5 વર્ષમાં જમીનનો ઉપયોગ ન કર્યો તો....

Land Acquisition Rules: દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં હાઈવે અને એક્સપ્રેસ વેનો વિસ્તાર ઝડપથી થયો છે. આ માટે સરકારે જમીનોનું સંપાદન પણ કર્યું છે. પરંતુ જમીન સંપાદન (અધિગ્રહણ) સંલગ્ન હવે નવો નિયમ લાવવાની તૈયારી થઈ રહી છે. આ નિયમ હેઠળ જો સરકારે હાઈવે બનાવવા માટે અધિગ્રહણ કરેલી જમીનનો ઉપયોગ પાંચ વર્ષ સુધીમાં ન કરે તો તે જમીન તેના અસલ માલિકોને પાછી આપી દેવામાં આવશે. આ ઉપરાંત જમીનનું વળતર જાહેર થયાના ત્રણ મહિના બાદ રાજમાર્ગ પ્રાધિકરણ કે જમીન માલિક વળતરની રકમ પર કોઈ પણ પ્રકારની આપત્તિ જતાવી શકશે નહીં. 

કેબિનેટની મંજૂરી માટે મોકલાયો પ્રસ્તાવ
ટીઓઆઈમાં છપાયેલા એક અહેવાલ મુજબ રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નેશનલ હાઈવે એક્ટમાં કેટલાક ફેરફાર સૂચવ્યા છે. જેને કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવ્યા છે. આ ફેરફારો હેઠળ કેટલીક ખાસ જોગવાઈઓ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ ફેરફારોનો હેતુ હાઈવે ડેવલપમેન્ટ અને રસ્તાઓમાં મળતી સુવિધાઓ માટે જમીન સંપાદનને તેજ કરવી અને કાનૂની વિવાદોને ઓછા કરવાનો છે. પ્રસ્તાવિત ફેરફારો મુજબ સરકાર રેલવે અને હવાઈ માર્ગ સહિત અન્ય પરિવહન સાધનો સાથે રાજમાર્ગના કોઈ પણ ઈન્ટરચેન્જને નેશનલ હાઈવે જાહેર કરશે. 

અનેક વિભાગોએ પ્રસ્તાવિત સંશોધન પર ટિપ્પણીઓ કરી
આ જોગવાઈઓ  ભવિષ્યની જરૂરિયાતોને પૂરી કરવા માટે પ્રસ્તાવિત કરાઈ છે. સિવિલ એવિએશન, રેલવે, ડિફેન્સ, શિપિંગ, કોલસા, અને એનવાયરમેન્ટ તથા કાનૂની મામલાઓ અને રાજસ્વ વિભાગોએ પ્રસ્તાવિત સંશોધનો પર પોતાની ટિપ્પણીઓ આપી છે. પ્રસ્તાવ મુજબ સરકાર જમીન સંપાદન માટે નોટિસ હોસ્ટ કરવા માટે એક વિશેષ પોર્ટલ બનાવશે. રાજમાર્ગ ખંડોના સંચાલન માટે રસ્તામાં મળતી સુવિધાઓ, પબ્લિક યુટિલિટી, ટોલ અને ઓફિસ માટે જમીનનું અધિગ્રહણ (સંપાદન) થઈ શકશે. 

કોઈ પણ પ્રકારની લેવડદેવડ કે નિર્માણ નહીં થઈ શકે
રાજમાર્ગ મંત્રાલય તરફથી એવો પણ પ્રસ્તાવ રજૂ કરાયો છે કે સરકાર તરફથી જમીન સંપાદન માટે નોટિફિકેશન બહાર પડાયા બાદ પ્રોસેસ પૂરી થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ જમીન પર કોઈ પણ પ્રકારની લેવડદેવડ કે નિર્માણ કરી શકશે નહીં. આ પ્રસ્તાવ એટલા માટે પણ મહત્વનો છે કારણ કે એવા મામલા સામે આવ્યા છે કે જ્યાં જમીન માલિકોએ વધુ વળતર માટે જમીન સંપાદનના પહેલા નોટિફિકેશન બાદ ઘર બનાવી લીધુ કે દુકાન ખોલી લીધી. 

સૂચિત ફેરફારોમાં એ પણ સ્પષ્ટ કરાયું છે કે વળતર નક્કી કરતી વખતે લવાદીએ પહેલા નોટિફિકેશનની તારીખે જમીનની બજાર કિંમત લેવી પડશે. તેનાથી મનસ્વી વળતર આપવાની પ્રક્રિયાનો અંત આવી શકશે. સૂત્રએ જણાવ્યું કે સૂચિત ફેરફારોમાં અધિકારીઓ તરફથી વળતર નક્કી કરવા, વળતરની રકમ પર આપત્તિ નોંધાવવા અને લવાદી માટે નિયમ નક્કી કરવા માટે સમયમર્યાદા નક્કી કરાઈ છે. તેનો હેતુ રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ માટે જમીન સંપાદન સંલગ્ન તમામ પહેલુઓમાં પારદર્શકતા લાવવાનો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news