)
દર મહિનાની જેમ આ વખતે પણ પહેલી તારીખે કેટલીક ચીજોના ભાવમાં ફેરફાર થયો છે. સરકાર અને ઓઈલ કંપનીઓ તરફથી થતા આ ફેરફાર તમારા ખિસ્સાને અસર કરી શકે છે. દર વખતની જેમ આ વખતે પણ એટલે કે પહેલી તારીખે ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલેન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. પરંતુ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની રાહ જોઈ બેઠેલા લોકોને ઝટકો લાગ્યો છે. સતત આઠમો મહિનો છે કે 14 કિલોવાળા ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી. ઓઈલ કંપનીઓએ 1 ડિસેમ્બરથી કોમર્શિયલ સિલિન્ડર વાપરતા લોકોને રાહત આપતા ભાવમાં સામાન્ય ઘટાડો કર્યો છે.
ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ યથાવત
ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ 853 રૂપિયા પર યથાવત છે. કોલકાતામાં સિલિન્ડરનો રેટ 879 રૂપિયા, મુંબઈમાં 852.50 રૂપિયા અને ચેન્નાઈમાં 868.50 રૂપિયા છે. ઘરેલુ સિલિન્ડરના ભાવમાં છેલ્લે 8 એપ્રિલ 2025ના રોજ ઘટાડો જોવા મળ્યો હતો. બીજી બાજુ ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થયા બાદ 1 ડિસેમ્બરથી રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1580.50 રૂપિયામાં મળશે. અગાઉ તેના માટે 1590.50 રૂપિયા ચૂકવવા પડતા હતા. આ ઉપરાંત કોલકાતા, મુંબઈ, ચેન્નાઈમાં પણ કોમર્શિયલ સિલિન્ડરના બાટલાના ભાવમાં ફેરફાર થયો છે.
આજે સવારથી લાગૂ થયો ફેરફાર
મુંબઈમાં 1542 રૂપિયાની જગ્યાએ આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1531.50 રૂપિયામાં મળશે. ચેન્નાઈમાં હવે આ સિલિન્ડર 1750 રૂપિયાની જગ્યાએ 1739.50 રૂપિયામાં પડશે. દર મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓ તરફથી ભાવમાં સવારે 6 વાગે ફેરફાર થાય છે. બીજી બાજુ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ઓઈલ કંપનીઓએ કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. છેલ્લે ઓઈલ કંપનીઓએ 14 કિલોવાળી સિલિન્ડરના ભાવમાં 8 એપ્રિલ 2025ના રોજ ઘટાડો કર્યો હતો.
300 રૂપિયા સસ્તું મળે છે સિલિન્ડર
દેશમાં હાલ લગભગ 33 કરોડ એલપીજી કનેક્શન છે. જેમાંથી 10.33 કરોડ ઉજ્જવલા યોજના સાથે જોડાયેલા ગ્રાહકો છે. જે હેઠળ ગરીબોને સિલિન્ડર 300 રૂપિયાની સબસિડી પર મળે છે. તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં સરકાર તરફથી ચાલતી યોજનાના પગલે ત્યાં 10 ટકા ઉજ્જવળા યોજનાના લાભાર્થી છે.
ઓઈલ કંપનીઓ તરફથી હવાઈ ઈંધણના નવા રેટ પણ 1 ડિસેમ્બરે બહાર પાડવામાં આવ્યા છે. 1 ડિસેમ્બરથી ફેરફાર બાદ હવે હવાઈ ઈંધણ 864.81 ડોલર પ્રતિ કિલોલીટર થયું છે. આ ઉપરાંત કોલકાતામાં ભાવ 903.10 ડોલર પ્રતિ કિલોલીટર, મુંબઈમાં 864.35 ડોલર પ્રતિ કિલોલીટર અને ચેન્નાઈમાં 859.89 ડોલર પ્રતિ કિલોલીટરના ભાવ છે.