)
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં સારા સમાચાર આવ્યા છે. એલપીજી ગેસનો બાટલો સસ્તો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. જો કે આ વખતે પણ 19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી ગેસના બાટલાના ભાવ ઘટ્યા છે. લેટેસ્ટ ભાવ બાદ હવે દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ ઘટીને 1580 રૂપિયા થયો છે. આ અગાઉ ઓગસ્ટ મહિનામાં પણ તેના ભાવમાં ઘટાડો થયો હતો. જો કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી. નવા ભાવ આજથી લાગૂ થઈ ગયા છે.
ભાવ ઘટ્યા બાદ નવા રેટ
આઈઓસીએલની વેબસાઈટ પર અપડેટ કરાયેલા નવા ભાવ મુજબ દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસનો બાટલો 1631.50 થી ઘટીને 1580 રૂપિયા થયો છે. જ્યારે કોલકાતામાં 1734.50 રૂપિયાનો બાટલો હવે 1684 રૂપિયામાં મળશે. મુંબઈમાં પણ 1582.50 રૂપિયાનો બાટલો હવે 1531.50 રૂપિયામાં મળશે. જ્યારે ચેન્નાઈમાં એક સિલેન્ડરનો ભાવ 1789 રૂપિયાથી ઘટીને 1738 રૂપિયા થયો છે.
કોમર્શિયલ ગેસ સિલન્ડરના ભાવમાં સતત ઘટાડો
19 કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લા કેટલાક મહિનાથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ અગાઉ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ ભાવમાં 33.50 રૂપિયા ઘટ્યા હતા. તે પહેલા 1 જુલાઈના રોજ પણ 58 રૂપિયા ઘટાડો જોવા મળ્યો હતો.
ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં
એક બાજુ જ્યાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે 14 કિલોવાળા ઘરેલુ રાંધણ ગેસના બાટલાના ભાવમાં કોઈ ફેરફાર નથી. છેલ્લા 14 કિલોવાળા સિલિન્ડરના ભાવમાં 8 એપ્રિલના રોજ ફેરફાર જોવા મળ્યો હતો. પરંતુ ત્યારબાદ ભાવ બદલાયા નથી. હાલ દિલ્હીમાં તે 853 રૂપિયામાં, કોલકાતામાં 879 રૂપિયા, મુંબઈમાં 852.50 રૂપિયા અને ચેન્નાઈમાં 868.50 રૂપિયામાં બાટલો મળે છે.
નોંધનીય છે કે ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. ત્યારબાદ નવા રેટ જાહેર થાય છે. આ ભાવ ક્રૂડ ઓઈલના વૈશ્વિક ભાવ, ઈન્ડિયન કરન્સી રૂપિયાની સ્થિતિ તથા અન્ય બજાર સ્થિતિઓ પર નિર્ભર કરે છે અને પહેલી તારીખે નવા ભાવ જાહેર થાય છે. 19 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં આ ઘટાડો હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને અન્ય વ્યવસાયિક સંસ્થાનો માટે રાહતના સમાચાર છે. જે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે છે.