મહારાષ્ટ્રનું અંકગણિતઃ જૂઓ કઈ પાર્ટીના કેટલા ધારાસભ્ય ચૂંટાયેલા છે, કોણ સત્તા મેળવી શકશે?

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન સ્પષ્ટ બહુમતિ હોવા છતાં પોત-પોતાની શરતોના કારણે સરકાર રચવામાં અસમર્થ રહ્યું છે, જેના કારણે હાલ રાજ્યમાં સરકાર રચનાનું કોકડું હજુ ગુંચવાયેલું છે. 288 સીટની વિધાનસભામાં બહુમત માટે 145 સીટ હોવી જરૂરી છે. 

મહારાષ્ટ્રનું અંકગણિતઃ જૂઓ કઈ પાર્ટીના કેટલા ધારાસભ્ય ચૂંટાયેલા છે, કોણ સત્તા મેળવી શકશે?

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી ગયા પછી સરકારની રચના માટે રાજ્યમાં ભાજપ અને શિવસેના વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ખેંચતાણ ચાલી રહી હતી. બંને પોત-પોતાની શરતો પર અડગ હોવાના કારણે ગઠબંધન બનાવીને ચૂંટણી લડેલા પક્ષો સરકારની રચનામાં ગઠબંધન બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. ભાજપ એકલા હાથે સરકાર બનાવી શકે એમ નથી અને શિવસેના પોતાની શરતો પર સરકારમાં જોડાવા માગે છે. 

આખરે લાંબી ખેંચતાણ પછી સોમવારે રાજ્યમાં નવી સરકારની રચનાના થોડા સંકેત જોવા મળી રહ્યા છે. જોકે, હવે આખું ગણિત બદલાઈ ગયું છે. શવિસેના એનસીપીના ટેકા સાથે સરકાર બનાવવાના પ્રયાસ કરી રહી છે. તેમાં પણ બહુમત માટે જરૂરી આંકડો ખૂટતો હોવાના કારણે કોંગ્રેસનો ટેકો લેવો અનિવાર્ય છે. આવો જાણીએ 288 સીટની મહારાષ્ટ્ર વિધાનસભામાં કઈ પાર્ટી પાસે કેટલા ધારાસભ્ય છે અને શા માટે રાજ્યમાં સરકારની રચનામાં મોડું થઈ રહ્યું છે. 

ભાજપ-શિવસેના ગઠબંધન
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના 105 ધારાસભ્ય ચૂંટાયા છે અને રાજ્યમાં સૌથી મોટી પાર્ટી છે. શિવસેનાના 56 ધારાસભ્ય છે અને જો બંને સાથે આવે તો સરળતાથી બહુમતિ માટે જરૂરી 145નો આંકડો પાર કરી શકે એમ છે. 

શિવસેના-એનસીપી ગઠબંધન 
શિવસેનાના 56 ધારાસભ્યની સામે એનસીપીના 54 ધારાસભ્યો ચૂંટાયા છે. શિવસેના પછી એનસીપી ત્રીજા નંબરની પાર્ટી છે. શિવસેના તેને 7 અપક્ષોનો ટેકો હોવાનો દાવો કરે છે. આ ગણતરી સાથે પણ 117નો આંકડો થાય છે. આથી તેમને જો કોંગ્રેસના 44 ધારાસભ્યોનો ટેકો મળે તો આ આંકડો કુલ 161 ધારાસભ્યનો થાય અને બહુમતિ માટે જરૂરી 145નો આંકડો તેઓ સરળતાથી પાર કરી શકે છે. 

ભાજપ એકલા હાથે બનાવે તો?
મહારાષ્ટ્રમાં ભાજપ 105 ધારાસભ્ય સાથે સૌથી મોટો પક્ષ છે, પરંતુ તે અન્ય અપક્ષો સાથે મળીને પણ બહુમતિ માટે જરૂરી 145નો આંકડો મેળવી શકે એમ નથી. રાજ્યમાં અન્ય પક્ષો જેમ કે, ઓલ ઈન્ડિયા મિજલીસ-એ-ઈત્તેહાદુલ મુસ્લેમીન-2, બહુજન વિકાસ અઘાડી-3, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (એમ)-2, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના-1, પીઝન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા-1, પ્રહર જનશક્તી પાર્ટી-2, રાષ્ટ્રીય સમાજ પક્ષ-1, સમાજવાદી પાર્ટી-2 અને સ્વાભિમાન પક્ષ-1 ધારાસભ્યો છે. આ નાના પક્ષો જો ભાજપને ટેકો આપવા તૈયાર થાય તો પણ કુલ આંકડો 117નો થાય છે. 

આમ, મહારાષ્ટ્રમાં અત્યારની સ્થિતિમાં શિવસેના-એનસીપી ગઠબંધનની સરકાર બને તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ બહારથી ટેકો આપે છે કે પછી સરકારમાં સામેલ થાય છે તે હવે દિલ્હીમાં કોંગ્રેસના મોવડીમંડળની બેઠક પછી નક્કી થશે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news